ગીતામાં જણાવ્યું છે કે ભગવાન કહે છે હે અર્જુન, દરેક જીવાત્મા જન્મ પહેલાં અને મૃત્યુ પછી દેખાતો નથી. આ તો વચ્ચેની અવસ્થામાં જ તું એને જોઇ શકે છે, તો પછી એને માટે તું કેમ શોક કરે છે ? જીવનું અસ્તિત્વ કાયમી છે, સતત છે. તેનો અંત આવતો નથી. જીવ એક દેહ છોડીને બીજો દેહ ધારણ કરતો રહે છે. આમ, જીવાત્મા નવા નવા દેહ ધારણ કરતો જ રહે છે. આપણે જેમ નવાં નવાં વસ્ત્રો ધારણ કરીએ છીએ તેમ આત્મા નવા નવા દેહ ધારણ કર્યા કરે છે. એક દેહ જીર્ણ થાય છે અથવા તો તે દેહને ધારણ કરવાનો તેનો સમય પૂર્ણ થતાં આત્મા તે દેહ છોડી દે છે.
આત્મા એક દેહને છોડતી વખતે કશો શોક કરતો નથી ને નવો દેહ ધારણ કરતી વખતે એને કોઇ હર્ષ પણ પ્રગટ કરવાનો નથી. આત્માને આપણે જોઇ શકતા નથી તે જ્યારે કોઇ દેહ ધારણ કરે છે ત્યારે જ આપણે તેના ભાવોને પામી શકીએ છીએ. આમ, દેહ એ આત્માને વ્યક્ત થવા માટેનું માધ્યમ છે. અને આ માધ્યમ દ્વારા આપણને એકબીજાના દેહ પ્રત્યે માયા પ્રગટે છે. આ માયા આપણને સાંસારિક કે દુન્યવી સુખોનો ઉપભોગ કરવા પ્રેરે છે. આમાં સુખની સાથે ઘણી શારીરિક પીડા પણ ભોગવવાની આવતી હોય છે.
જે આત્મા તેને મળેલા દેહના માધ્યમથી ઇશ્વર પ્રત્યે યોગથી જોડાય છે, ભક્તિમાં લીન થાય છે અને પ્રભુપદને પામી જાય છે તે આત્માએ ફરીથી જન્મ લેવાનો થતો નથી. આપણે જે કંઇ જોઇએ છીએ તે આત્માએ ધારણ કરેલા દેહની માયા જ છે. એક વચ્ચેની અંતરિમ વ્યવસ્થાની અનુભૂતિ આપણે કરીએ છીએ.
આવી અંતરિમ વ્યવસ્થાને ગુમાવવા માટેનો કોઇ શોક કરવો જોઇએ નહીં. આપણે ઘરે કોઇ પ્રસંગ આદરીએ તો તેના માટે જે કંઇ વ્યવસ્થા ઊભી કરી હોય તે પ્રસંગ પૂર્ણ થયેથી આપણે જ હટાવી દઇએ છીએ . લગ્ન પ્રસંગે સુંદર મંડપ બાંધ્યો હોય તો પણ આપણે તેને લગ્ન પૂર્ણ થતા છોડાવી જ દઇએ છીએ. અને તેને માટે કોઇ શોક કરતા નથી, એમ આત્માએ ધારણ કરેલો દેહ આવી અંતરિમ વ્યવસ્થા છે તે ન રહે તો પણ તેના માટે જરાય શોક કરવાનો રહેતો નથી.