દોડધામ ભરેલું જીવન અને અનિયમિત ખાણીપીણીની આદતોના કારણે માથાના દુખાવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જેમને 9થી 10 કલાકની જોબ કરનારા વર્ગમાં તો માઈગ્રેન પણ જોવા મળે છે. આ માથાના દુખાવાનો ઈલાજ સમયસર ન કરવામાં તો તેના કારણે ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. માથાના દુખાવામાં વારંવાર દવા ખાવાથી પણ શરીરને નુકસાન થઈ શકે છે. તેથી જરૂરી છે કે દવા લીધા વિના જ માથાના દુખાવાનો કાયમી ઈલાજ કરવામાં આવે. કેવી રીતે દૂર કરી શકાય માથાનો દુખાવો એ પ્રશ્ન તમારા મનમાં થતો હોય તો આ રહ્યો તેનો જવાબ. આ સામાન્ય કસરત અને ઘરેલું ઈલાજ કરવાથી માથાનો દુખાવો દુર થઈ શકે છે.
માથાના દુખાવાને કાબૂમાં કરતી બજારમાં મળતી દવાઓ અસરકારક હોય છે કે એનાથી થોડી ક્ષણોમાં માથાનો દુખાવો મટી જાય છે. પરંતુ એ જેટલી અસરકારક છે એટલી જ નુક્સાનકારક છે. એ તમારા શરીરને એટલી હદે નુક્સાન કરે છે જેનાથી તમારુ પાચનતંત્ર અને તમારી કીડની પર અસર થાય છે. માથાના દુખાવાની દવા લેવી એ તો એવી બાબત છે કે એક બીમારી મટાડતા મટાડતા તો વ્યક્તિ અન્ય જીવલેણ બિમારીઓને સામેથી જ આમંત્રણ આપે છે. તો એના માટે શું કરવુ જોઇએ કે જેનાથી તમારો માથાનો દુખાવો પણ મટી જાય અને તમારા શરીરને નુક્સાન પણ ન થાય.
માથાના દુખાવાના કેટલાક પ્રકારો છે પ્રાઇમરી હેડેક, સેકેન્ડરી હેડેક અને ક્રેનિઅલ હેડેક. પ્રાઇમરી હેડેકમાં તમને ટેન્શન કે માઇગ્રેન એટલે કે આધાશીશી પ્રકારના તમામ માથાના દુખાવાનો સમાવેશ થાય છે. એટલે કે માથામાં અંદર કોઇ જ પ્રકારનો પ્રોબ્લેમ ન હોય છતાં પણ માથુ એટલુ બધું દુખે કે તેને સહન કરવુ અસહ્ય બની જાય છે. પછી છે સેકેન્ડરી હેડેક કે જેમાં મગજની ગાંઠ, મગજનું કવર કે જેમાં આવેલો સોજો જેવા વગેરે કારણો હોય શકે છે. અને ત્યારબાદ આવે છે ચેતાતંત્રને કારણે થતો દુખાવો. 90 ટકા લોકોને થતાં દુખાવામાં લોકોને પ્રાઇમરી હેડેક થતો હોય છે.
માથાના દુખાવાના ઘણાબધા કારણો હોય છે. ઘણીવાર તો માથાનો દુખાવો એ રીતે થાય છે કે જાણી શકાય છે કે કયા કારણે માથાનો દુખાવો થતો હશે. જેમ કે શરદી કે તાવ કે પછી દાંતમાં કોઇ તકલીફના કારણે દુખાવો થતો હોય છે. આંખોનો વધુ પડતો ઉપયોગ કે ખેંચાણ થવું, માનસિક ચિંતા તણાવ કે ચિંતા વાળો સ્વભાવ, શારીરિક અને માનસિક થાક, સાયનસ, સિગારેટ, તમાકુ કે દારૂ જેવા વ્યસનોથી માથાનો દુખાવો થાય છે. ત્યારબાદ જો તમે ચા-કોફી વધુ પડતુ પીતાં હો કે પછી તેની આદત બંધ કરો તો પણ દુખે છે. સૂવામાં ઘણીવાર એવા પ્રકારની પોઝીશન કે પછી સમયસર સૂવા ન મળે, ભૂખ, કબજિયાત કે ગેસના કારણે માથાનો અસહ્ય દુખાવો થાય છે.
વ્યક્તિએ માથાના દુખાવાના ચિહ્નો અલગ અલગ હોય છે. માથામાં દબાણ લાગવું, માથું ભારે લાગવું કે માથામાં કાંઇક બાંધ્યુ હોય તેવું લાગવુ, માથામાં લબકલબક થવુ. કોઇ હથોડા મારતા હોય તેવુ લાગવું, આંખો ભારે લાગવી. કેટલાક કિસ્સામાં બેચેની અને ચક્કર પણ આવે છે અને ઉલટી કે ઉબકા પણ આવે છે. માથાના દુખાવાના ઉપાયની વાત કરીએ તો સૌ પ્રથમ એનો ઉપાય આરામ જ છે. પૂરતી ઉંઘ, પૂરતો આહાર અને પ્રસન્ન મન હોય તો ભાગ્યે જ માથાનો દુખાવો થાય છે અને જો થાય તો પણ એ તરત મટી જાય છે.
આ માટે દર વખતે દવા કે ગોળી લેવાની જરૂર નથી. પણ જો દુખાવો વાંરવાર થતો હોય કે આધાશીશી હોય તો જાણે દવા લેવી આવશ્યક બની જાય છે. તમે આયુર્વેદિક દવાનો ઉપચાર પણ કરી શકો છો કે જેથી કરીને તમારા શરીરને નુક્સાન ન કરે. આયુર્વેદિક દવા લાંબા સમયે અસર કરશે પરંતુ તમારા શરીરને નુક્સાન નહીં કરે.
માથાના દુખાવાને મટાડવા અન્ય કેટલાક ઘરગથ્થુ ઉપાય પણ છે. લીંબુ, આમલીનું શરબત પીવડાવવાથી ઘણો આરામ મળે છે. માથામાં ઠંડા પાણીની ધાર પાડવાથી પણ દર્દમાં આરામ મળે છે. દરરોજ સવારે ખાલી પેટે એક સફરજન ખાવાથી માથાના દર્દની સમસ્યાથી છૂટકારો મળે છે. સૂકાયેલા આદુને પાણીની સાથે પીસીને તેની પેસ્ટ બનાવી માથા પર લગાડો તો બળતરા જરૂર થશે પણ માથાનો દુખાવો ઓછો થઇ જશે.