જાણો કાઠિયાવાડના ભાવનગર જિલ્લામાં આવેલા ગોપનાથ મહાદેવનું ધાર્મિક મહત્વ

ગોપનાથ મહાદેવની સ્થાપના પાછળ એવી દંતકથા છે કે, ઇ.સ. સોળમા સૈકામાં રાજપીપળાના ગોહિલ રાજા ગોપસિંહજીએ આ મહાદેવની સ્થાપના કરી હતી. અહીં ઊંચાં ઊંચાં તાડનાં વૃક્ષો હતાં. એમ પણ કહેવાય છે કે બારમી સદીમાં અહીં મોટું બંદર હોવાને કારણે વહાણવટું થતું હતું.

ભક્તકવિ નરસૈંયાએ પણ ગૃહત્યાગ કરીને સાત દિવસ સુધી ગોપનાથ મહાદેવના ખોળે તપ કર્યું હતું. શંકર ભગવાને તેમની ભક્તિથી પ્રસન્ન થઇને આ ભોળા ભક્તને કૃષ્ણની રાસલીલાનાં દર્શન પણ કરાવ્યાં હતાં. ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરતાં પ્રભાતિયાં, પદ અને ભજનો નરસૈયાએ અહીં જ રચ્યાં હતાં.

ગોપનાથ મહાદેવમાં શિવલિંગની સાથે સાથે રાધા કૃષ્ણ મંદિર, ગાયત્રી માતા, મહાકાળી માતા તથા નૃસિંહ ભગવાનનાં મંદિરો પણ આવેલાં છે. શ્રાવણ માસ દરમિયાન અહીં આવતા ભક્તજનો માટે પ્રસાદ તથા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

વળી, શ્રાવણ મહિનાના છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમિયાન અહીં મોટા મેળાનું આયોજન થાય છે જ્યાં દૂર દૂરથી ભક્તજનો આવે છે. ગોપનાથ મહાદેવના મંદિર પર હંમેશાં સફેદ ધજા ફરકતી હોવાથી ગોપનાથ મહાદેવને સ્થાનિક લોકો ‘ધોળી ધજાના દેવ’ તરીકે પણ ઓળખે છે. શ્રાવણ મહિનામાં અહીં ભક્તજનોનો વિશેષ ધસારો રહે છે. ભક્તો બહોળી સંખ્યામાં શિવજીનું પૂજન- અર્ચન કરીને કૃતાર્થ થાય છે. ગોપનાથ જવા માટે ભાવનગર જવું પડે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer