જ્યારે રાવણ અને મંદોદરીના પુત્ર મેઘનાદનો જન્મ થવાનો હતો. ત્યારે રાવણ તેનો પુત્ર અજેય બને તેવું ઇચ્છતો હતો. જેથી કોઇ પણ દેવી-દેવતા તેને હરાવી શકે નહીં, તે દીર્ઘાયુ બને, તેનું મૃત્યુ હજારો વર્ષો પછી જ થાય. તેનો પુત્ર પરમ તેજસ્વી, પરાક્રમી, કુશળ યૌદ્ધ, જ્ઞાની હોય. રાવણ જ્યોતિષનો જાણકાર પણ હતો. આ કારણે મેઘનાદના જન્મ સમયે તેણે જ્યોતિષ પ્રમાણે બધા જ ગ્રહો અને નક્ષત્રોને એવી સ્થિતિમાં બની રહેવાનો આદેશ આપ્યો કે, તેના પુત્રમાં તે બધા જ ગુણ આવી જાય જે રાવણ ઇચ્છતો હતો.
રાવણના પ્રભાવથી બધા ગ્રહ-નક્ષત્ર, દેવી-દેવતાઓ ડરતાં હતાં. જેથી મેઘનાદના જન્મ સમયે બધા જ ગ્રહો રાવણ ઇચ્છતો હતો તે રાશિમાં સ્થિત થઇ ગયાં હતાં. શનિદેવ ન્યાયાધીશ છે અને આયુના દેવતા છે આ વાત રાવણ જાણતો હતો. શનિદેવ એટલી સરળતાથી રાવણની વાત માનશે નહીં. રાવણે બળનો પ્રયોગ કરીને શનિદેવને પણ એવી સ્થિતિમાં રાખ્યા, જેનાથી મેઘનાદની આયુ વૃદ્ધિ થઇ શકે.
શનિદેવ ન્યાયાધીશ છે, જેથી રાવણની ઇચ્છા પ્રમાણે સ્થિતિમાં રહીને પણ મેઘનાદના જન્મ સમયે તેમણે નજર ત્રાંસી કરી લીધી હતી. શનિની ત્રાંસી નજરના કારણે જ મેઘનાદ અલ્પાયુ થઇ ગયો. જ્યારે રાવણને આ વાતનો અહેસાસ થયો ત્યારે તેઓ શનિદેવ ઉપર ખૂબ જ ગુસ્સે થયો હતો. ગુસ્સામાં આવીને રાવણે શનિદેવના પગમાં ગદાથી પ્રહાર કર્યો હતો. આ પ્રહારના કારણે જ શનિદેવ લંગડા થઇ ગયાં હતાં. ત્યારથી જ શનિદેવની ચાલ ધીમી થઇ ગઇ.
શનિદેવ સિવાય અન્ય બધા ગ્રહોની શુભ સ્થિતિના કારણે મેઘનાદ ખૂબ જ પરાક્રમી અને શક્તિશાળી હતો. રાવણ પુત્રે દેવરાજ ઇન્દ્રને પણ પરાસ્ત કરી દીધો હતો. આ કારણે મેઘનાદનું એક નામ ઇન્દ્રજીત પણ પડ્યું હતું. શનિદેવની ત્રાંસી નજરના કારણે મેઘનાદ અલ્પાયુ થઇ ગયો હતો. શ્રીરામ અને રાવણની વચ્ચે થયેલાં યુદ્ધમાં લક્ષ્મણના હાથે મેઘનાદ મૃત્યુ પામ્યો હતો.