ગુણનો ખજાનો છે અંજીર, મળે છે આ જબરદસ્ત ફાયદાઓ

આજના ભાગદોડ ભરેલા જીવનમાં શરીર માટે સમય કાઢવો ખુબ જ મુશ્કેલ છે. સવારથી સાંજ સુધી દિવસ ક્યારે પસાર થઈ જાય છે ખબર જ નથી રહેતી અને છતાં પણ એમ લાગે કે હજુ ઘણું કામ બાકી રહી ગયું. આ સમયમાં જિમ કે યોગમાં જવાનો સમય તો ક્યાંથી મળી રહે. કારણ કે સતત કામ કરવા માટે પણ શરીરનું સ્વસ્થ હોવું જરૂરી હોય છે.

કુદરતે દરેક વસ્તુમાં મનુષ્ય માટે અમુલ્ય ખજાનો છુપાવેલો છે. કુદરતી વસ્તુનું મુલ્ય મનુષ્ય કોઈ રીતે ચૂકવી શકતો નથી. તેમજ આયુર્વેદમાં કહ્યું છે તેમ “વનસ્પતિ તેમજ ઔષધી એટલી મુલ્યવાન છે કે, માનવી ક્યારેય તેની કિંમત ચૂકવી શકતો નથી.” આવી ઔષધી તરીકે ગણાતા સુકામેવાની વાત આજે  આપણે કરવાની છે.

ડ્રાયફ્રૂટ્સની વાત આવે એટલે કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ, અંજીર, કિસમિસ જ યાદ આવે. આ ડ્રાયફ્રૂટ્સમાં રહેલું એક –એક ડ્રાયફ્રૂટ્સ પોતાનું અલગ અલગ મહત્વ ધરાવે છે. કાજુ, બદામ, પીસ્તા, અખરોટ, અંજીર, કિસમિસ પોતપોતાનું મહત્વ ધરાવે છે. આજે આપણે વાત કરવાની છે અંજીરના મહત્વની. તમને ખબર નહિ હોય પણ આરબના દેશોમાં અંજીરને “ જન્નતનું ફળ” પણ કહેવાય છે. આવા જન્નતના ફળ એવા અંજીરના ફાયદા કેટલા છે..તે કેવીરીતે આપણને લાભદાયક છે…ક્યારે ખાવું જોઈએ…ક્યારે તેને ગણકારવું જોઈએ..તેમાંથી ક્યાં ક્યાં તત્વો મળે છે વગેરે બાબતો પર ચર્ચા કરીશું.

પૌરાણિક કથાઓમાં અંજીરનો ઉપયોગ મજબૂત શરીર સંબંધો બાંધવા માટે થતો હતો. શરીર સુખનો સારો આનંદ માણવા માટે રાત્રે 2-3 અંજીરને દૂધમાં પલાળીને મૂકી રાખી સવારે તેને ખાવામાં આવતું. જેના કારણે તમારી યૌન શક્તિમાં વધારો થતો. સ્ત્રી જયારે ગર્ભવતી હોય ત્યારે પણ જો આ રીતે અંજીરનું સેવન કરે તો તેના માટે તે લાભદાયક છે. શરીરમાં ઘટતા લોહતત્વની ઉણપને અંજીર પુરી કરે છે.

જો રોજ અંજીર ખાવામાં આવે તો તમારું વજન ઘટી શકે છે.કારણ કે અંજીરની અંદર ફાયબરનું પ્રમાણે વધારે હોય છે અને ફાયબર યુક્ત ખોરાક ખાવાના કારણે વધતા વજનને ઘટાડી શકાય છે એવું પણ એક સંશોધન દ્વારા બહાર આવ્યું છે. પરંતુ જો અંજીરને દૂધની અંદર પલાળીને ખાવામાં આવે અથવા વધારે માત્રામાં ખાવામાં આવે તો વજન ઘટવાને બદલે વધી પણ શકે છે.

તેલવાળું અને મસાલાયુક્ત ખોરાકના કારણે મોટાભાગના લોકો કબ્જ અને એસિડિટીથી પીડાય છે. તેના માટે ઘણી કામચલાઉ દવાઓ પણ લેતા હોય છે પરંતુ જો તમે રાત્રે 2-3 અંજીરને પાણીની અંદર પલાળી સવારે એજ પલાળેલા અંજીર ખાઈને એ પાણી પી જશો તો તમને આ સમસ્યા નહીં ઉદભવે. કારણ કે અંજીરમાં ફાયબરનું પ્રમાણ સૌથી વધુ હોય છે અને ફાયબર તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. અંજીરથી પેટ સંબંધી બીજી સમસ્યાઓ પણ દૂર થાય છે.

હાડકાને મજબૂત બનાવવા માટે કેલ્શિયમની જરૂર પડે છે અને અંજીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું છે જો અંજીરનું રોજ સેવન કરવામાં આવે તો પણ તમારા હાડકા મજબૂત બની શકે છે. તમારા ઉછરતા બાળકોને પણ જો તમે રોજ 1-2 અંજીર ખવડાવશો તો તેમના શરીર માટે પણ તે ખુબ જ લાભદાયક બની રહેશે.

ટેંશન ભરેલા જીવનમાં મોટાભાગના લોકો બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાતા હોય છે. અંજીરની અંદર પોટેશિયમ અને સોડિયમ રહેલા હોય છે. જેના દ્વારા બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. રોજ અંજીરનું સેવન કરવાથી બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે તેમજ તેને ઓછું પણ કરી શકાય છે. અંજીર ખાવાના બીજા ઘણા ફાયદાઓ છે જેવા કે પેશાબ સંબંધી સમસ્યામાં, કેન્સર, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી બીમારીમાં પણ તે ઘણું જ ફાયદાકારક છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer