સીખ ધર્મની સ્થાપના કરનાર પહેલા ગુરુ નાનકદેવ હતા તેમનો જન્મ કારતક પૂર્ણિમાના દિવસે તલવંડી ગામમાં થયો હતો. તલવંડીનું નામ પછી ગુરુ નાનકના નામ પરથી નનકાના પાડવામાં આવ્યું હતું. આ દિવસને આખી દુનિયામાં રહેતા સીખ લોકો પ્રકાશ પર્વ ધૂમ ધામથી મનાવે છે. ગુરુ ગુરુ નાનકજીના વ્યક્તિત્વમાં દાર્શનિક, યોગી, ગૃહસ્થ, ધર્મ સુધારક, સમાજ સુધારક, કવિ, દેશભક્ત, અને વિશ્વ બંધુ દરેકના ગુણ હતા. ચાલો જાણીએ તેમના જીવન સાથે સંકળાયેલી કેટલીક ખાસ વાતો.
ગુરુ નાનકે નાનપણથી જ રુધીવાદીતા વિરુદ્ધ સંઘર્ષની શરૂઆત કરી હતી. તેઓ ધર્મ પ્રચારકોને તેમની ભૂલ જણાવતા, તેમનું માનવું હતું કે એક સર્વશક્તિ છે. જે આપણી દરેક રચનામાં વસે છે. ગુરુ નાનકજી કહેતા કે મહિલાઓનો આદર અને સમ્માન કરવું જોઈએ. તેમણે સ્ત્રી અને પુરુષની સમ્માંનતાની વાત કરી અને બંનેમાં કોઈ પ્રકારના ભેદ હોય એવું તે ના માનતા. તેમણે કર્મ અને ખુશીને વધરે મહત્વ આપ્યું. તેમનું માનવું હતું કે મનુષ્યોએ શાંત મગજથી એકાગ્ર થઈને પોતાનું કામ કરવું જોઈએ, ત્યારેજ તેને આંતરિક ખુશી પ્રાપ્ત થાય છે.
ગુરુ નાનક દેવે કહ્યું હતું કે ધનને ક્યારેય પોતાના મન પર હાવી થવા ના દેવું જોઈએ. તેને ફક્ત દૈનિક આવશ્યકતાઓની પૂર્તિ માટેજ ઉપયોગ કરવો જોઈએ. જો આપણે ધનની લાલચમાં પડીએ, તો તેનાથી આપણને જ નુકશાન થાય છે. તેમણે અહંકાર છોડવાનો ઉપદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે મનુષ્યનો સ્વભાવ વિનમ્ર હોવો જોઈએ, ત્યારે જ તે પ્રગતિના પંથ પર આગળ વધી શકે અને તેના મનમાં લોકો પ્રત્યે સેવા ભાવ ઉત્પન્ન થઇ શકે છે.
કહેવાય છે કે નાન્ક્જીને તેમના પિતાજી એ વ્યાપાર કરવા માટે ૨૦ રૂપિયા આપ્યા હતા, અને તેને કહ્યું હતું કે આ ૨૦ રૂપિયા માંથી સાચો વ્યાપાર કરીને આવજે નાનકજી સાચો વ્યાપાર કરવા નીકળ્યા તો રસ્તામાં તેમને સાધુ સંતોની મંડળી મળી. નાનક દેવજી એ સાધુ સંતોને ૨૦ રૂપિયાનું ભોજન કરાવીને પરત ફર્યા. પિતાજીએ પૂછ્યું શું વ્યાપાર કરી ને આવ્યો? તો નાનકજી એ કહ્યું ‘સાધુઓ ને ભોજન કરાવ્યું, એજ સાચો વ્યાપાર છે.
ગુરુ નાનકજીનું કહેવું હતું કે ઈશ્વર મનુષ્યના હૃદયમાં વસે છે. જો હદયમાં નિર્દયતા, નફરત, નિંદા, ક્રોધ, વગેરે જેવા વિકાર હોય તો તેવા મેલા હૃદયમાં પરમાત્મા નથી વસતા. ગુરુનાનક તેમના જીવનના છેલ્લા તબક્કામાં કરતારપુર જઈને વસ્યા હતા. તેમણે ૨૫ સપ્ટેમ્બર ૧૫૩૯ ના દિવસે શરીર ત્યાગ કર્યો હતો. મૃત્યુની પહેલા તેમણે પોતાના શિષ્ય ભાઈ લાહનાને પોતાનો ઉત્તરાધિકારી ઘોષિત કર્યો હતો, જે પછી ગુરુ અંગદદેવના નામથી ઓળખાતા હતા.