ગાયના ગોમયમાંથી જન્મ્યાં એટલે તેમનું નામ પડ્યું ગોરખનાથ જાણો ગુરુ શિષ્યની કહાની

એકવાર ભગવાન શિવ અને મા પાર્વતી સમુદ્રકિનારે બેઠાં હતાં, ત્યારે માએ આદિનાથ પ્રભુ શિવને જગતનું કારણ, તંત્ર અને સિદ્ધિઓ વિષે અનેક પ્રશ્ન કર્યા, ભગવાન જયારે માતાજીને આ બધું કહી રહ્યાં હતાં ત્યારે ત્યાં નજીકમાં જ એક મત્સ્ય એટલે કે માછલી આ બધું સાંભળી રહી હતી. આ માછલીનો ગર્ભ પણ આ બધું સાંભળી રહ્યો હતો. આ ગર્ભરૂપી જીવને સીધા મહાદેવના મુખે ગુપ્ત જ્ઞાન મળ્યું, મંત્ર મળ્યાં. આ સિદ્ધયોગી તે મત્સ્યેન્દ્રનાથ. જ્ઞાનનો પ્રભાવ જુઓ, તેઓ મત્સ્યના મુખમાંથી પ્રગટ થયાં હતાં અને સીધા સમુદ્ર પર ચાલવા લાગ્યાં હતાં.

એકવાર એક ગામે સિદ્ધયોગી મત્સ્યેન્દ્રનાથ વિચરણ, વિહાર કરી રહ્યાં હતાં. યોગીઓ માટે તો તેમનું ખપ્પર, ચીપીયો, અને લંગોટ જ તેમની સંપતિ છે. ‘અલખ નિરંજન’નો નાદ કહેતાં તેઓ એક ઘર પાસે આવી ભીક્ષા લેવા ઉભા રહ્યાં. તેમણે જોયું કે ભીક્ષા દેનાર સ્ત્રીને શેર માટીની ખોટ હતી. તેને સંતાનની ઈચ્છા હતી. સ્ત્રીના મનની વાત યોગીએ જાણી લીધી તેઓ એ આ સ્ત્રીને ભીક્ષાના બદલામાં પ્રસાદ આપ્યો, અને કહ્યું કે તારે ત્યાં અવતારી બાળક થશે, પણ સમય આવ્યે એ બાળક મારી પાસે પાછું આવશે, આ શરત છે. તું આ પ્રસાદ ખાઈ લે જે,’અલખ નિરંજન’નો નાદ કહેતાં તેઓ ત્યાંથી પસાર થઇ ગયા.

પેલી સ્ત્રીએ તેના પતિને આ વાત કહી, તેના પતિએ તેની વાત ન માની, તે સ્ત્રીએ તે પ્રસાદ પોતાના વાડામાં ગાયોની વચ્ચે ગોમયમાં મૂકી દીધો. થોડો સમય વીતી ગયો, એકવાર આ સ્ત્રીને ગાયો પાસે સફાઈ કરતાં સમયે ગાયોના ગોમય વચ્ચે બાળક મળી આવ્યું. તરત પેલી સ્ત્રીને પોતાની ભૂલ અને સિદ્ધયોગી મત્સ્યેન્દ્રનાથની વાત યાદ આવી. આ અવતારી બાળક બીજું કોઈ નહીં પરંતુ ગોરખનાથ હતાં. સમય જતાં આ પ્રભાવી બાળક ખૂબ બુદ્ધિશાળી અને સ્થિતપ્રગ્ન લાગ્યું. પેલી સ્ત્રીએ તેને ખૂબ લાડકોડથી તેને મોટો કર્યો. પરંતુ પેલું બાળક માત્ર તેના ગુરુજીને ક્ષણે ક્ષણે યાદ કરી રહ્યું હતું. એક સમયે સિદ્ધયોગી મત્સ્યેન્દ્રનાથે તે સ્ત્રી પાસે તે યુવાન થયેલ બાળક પાછુ માંગ્યું પણ તે સ્ત્રીએ તેમની વાત ટાળી દીધી અને બાળકને છુપાવી દીધું.

સમય એવો આવ્યો કે આ યુવાન પોતાના ગુરુની યાદમાં મૃત્યુશય્યા પર આવી ગયો, અને તેના અંતિમ સંસ્કાર થઇ રહ્યાં હતાં. પરંતુ તે જ સમયે સિદ્ધયોગી મત્સ્યેન્દ્રનાથ ત્યાંથી પસાર થયાં, તેઓથી કશું અજાણ્યું નહોતું. તેઓને જોતાં જ પેલી સ્ત્રી રોઈ પડી, તેણે સિદ્ધયોગી મત્સ્યેન્દ્રનાથને યુવાનને બચાવી લેવાની વિનંતી કરી. ગુરુજનો સદાય તેમના શિષ્યોનું ભલું જ ઇચ્છતા હોય છે.

સિદ્ધયોગી મત્સ્યેન્દ્રનાથએ ‘અલખ નિરંજન’નો નાદ કર્યો, આખી ધરા આકાશ પાતાળ તેમના ઊંડા ભારે સ્વરથી ધ્રૂજી ઉઠ્યાં, તેમણે કહ્યું ‘સિદ્ધયોગી ગોરખ આવી જા, તારી જ રાહ જોઉં છું.’ વાયકાઓ કહે છે કે, યુવાન તેની મૃત્યુશય્યા-ચિતા પરથી ઉભો થયો, મૃત્યુને પણ પાછાં જવું પડ્યું. એ યોગી ઉભા થઈને પોતાના ગુરુ સિદ્ધયોગી મત્સ્યેન્દ્રનાથને ભેટી પડ્યાં, આશીર્વાદ લીધાં, પોતાના માબાપને પગે લાગ્યાં અને’અલખ નિરંજન’નો નાદ કરતાં સંસારના કલ્યાણના રસ્તે ચાલવા લાગ્યાં, આ યોગી તે મહાગુરુ ગોરખનાથ બાબા. ગાયના ગોમયમાંથી જન્મ્યાં એટલે તેમનું નામ પડ્યું, ગોરજ- પરથી ગોરખનાથ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer