પાકિસ્તાનમાં ખોદકામ દરમિયાન એક મંદિરમાંથી ઐતિહાસિક મૂર્તિ મળી આવી છે. આ મૂર્તિ પાકિસ્તાનના કરાંચી સ્થિત પ્રસિદ્ધ પુંજમુખી હનુમાન મંદિરમાં મળી હતી. આ મૂર્તીમાં હનુમાનજી અને ગણપતિની મૂર્તી મળી આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ મૂર્તિઓ ખુબ જ કિંમતી છે.
પાકિસ્તાની મીડિયામાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ મુજબ, કરાંચી સ્થિત પુંજમુખી હનુમાન મંદિરમાં સોમવારે નિર્માણ કાર્ય દરમિયાન ખોદકામમાંથી હનુમાન અને ગણેશની મૂર્તિઓ મળી હતી. આ સાથે જ કેટલીક કલાકૃતિઓ પણ મળી આવી છે. મળી આવેલ મૂર્તિની સંખ્યા 10 જેટલી છે.
આ મંદિર વિશે એવી પણ ચર્ચા થઇ રહી છે કે, વનવાસ દરમિયાન ભગવાન રામ અહીં આવ્યા હતા. મંદિરનું પુન:નિર્માણ 1882માં કરવામાં આવ્યું હતું. ત્યારે હવે અહીં ખોદકામ દરમિયાન મૂર્તિઓ મળી આવી છે. મંદિરમાં એક હવન કુંડ અને એક નાની સુરંગ પણ પ્રાપ્ત થઇ હતી, જેમાંથી એક કળશ પણ મળ્યો હતો.
સ્થાનિક મંદિર સંચાલકનું કહેવું છે કે, આ મૂર્તિ 1500 વર્ષ જુની છે. જો કે, આ ઘટનાને પગલે પુરાતત્ત્વવિદોને પણ બોલાવવામાં આવ્યા હતા. ખોદકામ દરમિયાન મળી આવેલ મૂર્તિઓ પત્થરની બનેલી છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર પાકિસ્તાનમાં હાલ આ પ્રથમ ઘટના સામે આવી છે જેમાં ખોદકામ દરમિયાન મૂર્તિઓ મળી આવી હોય. કરાંચી સ્થિત પુંજમુખી મંદિરના સંચાલકોએ સરકારને આ મંદિરને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માગણી કરી છે.