આપને સૌ જાણીએ છીએ કે હિંદુ ધર્મની ખાસિયત છે કે તેમાં દરેકની માટે દરેક વિચારધારા રહેલી છે, તેમાં મેનેજમેન્ટ, ન્યાય, નીતિ, કર્મ, રાજનીતિ, માનવીય મુલ્યો અને ઈશ્વર સહીત લગભગ જીવનને સ્પર્શતા દરેક કાર્ય કારણને સમાવી લેવામાં આવ્યા છે. હિંદુ ધર્મમાં મૃત્યુ પછી પણ આત્માની ગતિ વિશે વિચાર કરવામાં આવ્યો છે. આટલા બધા સાહિત્ય અને અલગ અલગ માન્યતાઓ સાથે પણ કેટલીક એવી માન્યતાઓ છે જે હિંદુ ધર્મના હ્રદયમાં રહેલી છે.
ધર્મને રક્ષણ આપો અને સ્ત્રીઓનું સમ્માન કરો : જેધર્મને બચાવે, ધર્મ તેને બચાવે. ધર્મ એટલે કોઈ એક ધર્મ નહિ, પરંતુ બધા જીવ માત્રનું હિત સચવાય તેવી વ્યવસ્થા. બધાનું ભલું કરશો તો તમારું કોઈ બગાડવા નહિ દે. આ કુદરતનો ન્યાય છે. સ્ત્રીઓ-માતા, બહેન અને પત્ની અનેક રીતે જીવનમાં વ્યવહાર કરે છે, તેઓ તમારી અસલ શક્તિ છે, તેમને સમ્માન આપો, ખુશ રાખો
શ્રદ્ધાના હોય તો સઘળું નકામું છે: મનુષ્ય,સમાજમાં રહેતું અને ભાવનાશીલ પ્રાણી છે, ભાવનાઓ તેને બનાવે છે અને ભાવનાઓ જ તેને તોડી પાડે છે. હિંદુશાસ્ત્રોમાં શ્રદ્ધા અને વિશ્વાસનું ખુબ મહત્વ છે. સો તીર્થયાત્રાઓ કરશો પણ જો ઈશ્વરમાં શ્રદ્ધા નહિ હોય તો સર્વ નકામું બની જાય છે. બીજા અર્થમાં શ્રદ્ધા પહાડ હલાવી શકે છે અને શંકા પહાડ સર્જી શકે છે. પોતાની ઉપર અને ઈશ્વરના ન્યાય ઉપર શ્રદ્ધા અનિવાર્ય છે.
કાર્યો ઉદ્યમથી જ સિદ્ધ થાય છે : કોઈપણ કાર્ય બાબતે માત્ર મનોરથ સેવવાથી ક્યારેય કઈ થતું નથી. તમે જાણો છો, પુલ બનાવવો કે પછી કોઈ પણ મોટી ઈમારત બનાવવી કેટલી મહેનતનું કાર્ય છે. માત્ર સપના જોવાથી ઈમારત ઉભી થતી નથી. બિલકુલ તેમ જ જીવનમાં કઠોર પરિશ્રમ સિવાય કઈ પ્રાપ્ત થતું નથી. આ વાત પંચતંત્રમાં સ્પષ્ટ લખવામાં આવી છે.
કર્મોના ફળની ઈચ્છા : આપણે કર્મ કરીએ છીએ, કર્મ કર્યા વિના કોઈ રહી શકતું નથી. સંસાર ત્યાગીને બેઠેલો યોગી પણ કર્મ જ કરે છે. કર્મ જયારે કરવામાં આવે છે ત્યારે તે કર્મની અંદર તેનું ફળ આવૃત્ત રહે છે. ફળએ જ કર્મનું બીજું સ્વરૂપ છે. પરંતુ માનવી ભ્રમના લીધે તેને ઓળખી નથી શકતો. કર્મ કરતા સમયે ઉદ્દેશ સારો રાખો, બીજું બધું ઈશ્વરની ઈચ્છા કે પ્રકૃતિને આધીન રહે છે.
મન અને શરીર બળવાન બનાવો: સ્વામી વિવેકાનંદજી એ કહેલું છે કે નબળા મન કે શરીર સાથે ક્યારેય ઈશ્વરની અનુભુતિ થઇ શકતી નથી.ઈશ્વરનો અનુભવ કરવા માટે શરીર તંદુરસ્ત હોવું જોઈએ, શરીરને અવગણીને ક્યારેય સફળતા મળતી નથી. બીજા અર્થમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેયને પ્રાપ્ત કરવાનું સાધન શરીર છે. મન દરેક કાર્યનું બીજ છે, મનમાં સારું બીજ વવાય તો તે ફૂલે ફાલે અને કાર્યમાં રૂચી પેદા થાય. જો મન નબળું હોય તો કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. કાર્યમાં મન પોતે જ આડખીલી બનીને ઉભું રહે છે.
ભૂતકાળની મનુષ્યના વર્તમાન પર અસર છે, તે વાત હવે જૂની થઇ ગઈ છે. હાલના વૈજ્ઞાનિકો માને છે કે મન ખુબ બુદ્ધિશાળી છે, તે માત્ર કાર્ય નાં કરવાના બહાના પોતાની જાતે જ બનાવે છે. તબિયત બગાડવી અને ચક્કર આવવા તેના ઉદાહરણ છે. મન પોતે સ્વતંત્ર રીતે મનુષ્યને આવા નબળા વિચારો આપે છે. જો તમારે કઈ સિદ્ધ કરવું હોય તો ભૂતકાળને ભૂલી જાઓ, ભૂતકાળની તમારા હાલના જીવન પર કોઈ અસર નથી, આ હવે સ્પષ્ટ થઇ રહ્યું છે. દરેક દુર્બળ પ્રબળ બની જ શકે છે, શાસ્ત્રોમાં અનેક ઉદાહરણ છે. વાલિયામાંથી વાલ્મિકી બનવું તમારા હાથની વાત છે.