ફેશનના નામે આગળ ધપતા યંગસ્ટર્સને દલીલો કરવાની હંમેશાં આદત રહી છે. શું કામ છોકરીએ માથા પર ચાંદલો કરવાનો અને શું કામ છોકરાઓ પણ કાન વીંધાવે જેવા પ્રશ્નોથી માંડીને નાકમાં ચૂંક પહેરવાથી વળી કેવો લાભ થાય અને પીઠી ચોળવાની પ્રક્રિયાને મેરેજ સાથે શું લેવાદેવા જેવા પ્રશ્ન તેમના મનમાં ઘૂમરાતા હોય છે પણ આ ઘૂમરાતા પ્રશ્નોના કોઈ જવાબ તેમણે ક્યારેય મેળવવાનો પ્રયાસ નથી કર્યો અને પ્રયાસ થયો છે તો એ પ્રયાસ અર્થસભર રીતે સફ્ળ નથી થયો. ચાલો એવી કેટલીક વિધિઓ વિષે નવી વાતો જાણીએ.
ધર્મના નામે કરવામાં આવતી ઘણીબધી વિધિઓમાં વિજ્ઞાનન આશય પણ છુપાયેલો જોવા મળે છે. સાયન્સ સાથે સીધો સંબંધ ધરાવતી એ વિધિમાં જો સૌથી પહેલી કોઈ વિધિને યાદ કરવાનું મન થાય તો એ પીઠી ચોળવાની પ્રક્રિયા. મેરેજ પહેલાં શરીર પર હળદરનો જે લેપ કરવામાં આવે છે એનું શાસ્ત્રોક્ત મૂલ્ય તો છે જ પણ સાથોસાથ એન્ટિસેપ્ટિક એવી હળદર શરીર પર લગાડીને લગ્નપ્રસંગે વર અને કન્યાની ચામડી કાંતિવાન અને રોગવિહીન રહે એવો આશય સૂચવવામાં આવ્યો છે. શરીરમાં ક્યાંય ઘા થયો હોય, બારીક ઈજા થઈ હોય કે પછી ખીલ, ફેડકી જેવાં ઇન્ફ્ેક્શન લાગ્યાં હોય તો એ હળદરથી ભરી દેવામાં આવે અને હળદર એ ઇન્ફ્ેક્શન કે બીમારીને આગળ વધવા ન દે અને એ બીમારી આગળ ન વધે તો ઘરમાં આવેલો પ્રસંગ સ્નેહ અને સુખદ રીતે પૂર્ણ થાય એવો હેતુ છે. વરરાજાને પણ પીઠી ચોળવામાં આવે છે અને નવવધૂને પણ એ જ રીતે હળદરનો લેપ કરવામાં આવે છે. પ્રસંગ આ બંને વ્યક્તિનો જ છે. બંનેની ત્વચા સ્વસ્થ રાખવાનો પીઠી લગાવવાનો આશય છે.
કપાળ પર કંકુનો ચાંદલો કરવાની પણ આપણે ત્યાં પ્રથા છે. જૂજ લોકોને ખબર છે કે કપાળે ચાંદલો માત્ર કન્યાએ જ કરવો એવું નથી. શાસ્ત્રોમાં કહેવાયું છે કે પુરુષોએ પણ કપાળે ચાંદલો કરીને જ ઘરની બહાર નીકળવું જોઈએ. કન્યા માટે લાલ કંકુનો અને પુરુષો માટે ચંદન કે અગરબતી કે દીવાને પ્રગટાવ્યા પછી એમાંથી ઊભી થતી રાખ કે હવનમાંથી પ્રાપ્ત થયેલી રાખનો ચાંદલો સૂચવવામાં આવ્યો છે. ઈચ્છા હોય તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ચાંદલો કરી શકે છે, એમાં કોઈ બાધ નથી પણ હા, મહિલા રાખનો ચાંદલો ન કરે એ જરૂરી છે.
આપણે માથામાં કુમકુમ-સિંદૂરનો ચાંદલો કરીએ છીએ. પરણેલી મહિલાઓ પોતાના સેંથામા સિંદૂર પૂરે છે. એનું કારણ એ છે કે સિંદૂર લગાવવાથી ચામડી અને વાળને લાભ થાય છે. જે જમાનામાં આ રિવાજ શરૂ થયા એ જમાનામાં સિંદૂર શી રીતે બનતું? હળદરનો પાઉડર, ફટકડી, કપૂર, કેસર, ચંદન, બીટનો રસ અને કેલ્શિયમ નામની ખારાશમાંથી બનાવવામાં આવતું હતું. આ બધા જ તત્ત્વો, બેકટેરિયા નાશક છે, ચામડીને પોષણ આપનાર છે અને ઓજસ્વી બનાવનાર છે. એટલે ચાંદલો કરવાથી તથા સેંથામાં સિંદૂર ભરવાથી લાભ થતો હતો.
આજે સિંદૂર રેડીશ નારંગીનો રસ અને ર્વિમલિયન નામનું રસાયણ ભેગું કરીને સિનાબાર(મરક્યુરી સલ્ફાઈટ) નામના પાઉડરમાં ભેળવીને બનાવવામાં આવે છે. બીજી રીત રંગના રસાયણ, સીસું અને બીજા એવાં જ તત્ત્વો ભેગાં કરીને બનાવવાની છે. ઘણા તો રોડામાઈન-બી નામનો રંગ જ સિંદૂરના નામે વેચે છે. આ રસાયણો ખાસ કરીને મરક્યુરી સલ્ફાઈટ કેન્સર કરી શકે છે. રોડામાઈન-બી રંગ જિનમાં ગરબડ કરી વારસાગત રોગને જન્મ આપે છે. જ્યાં આવું સિંદુર લગાવો ત્યાં ખંજવાળ આવતી રહે છે. ભૂલથીય એના કણ ખરીને ખોરાકમાં ભળે તો મગજ, કિડની, આંખ અને પ્રજનનતંત્રને કાયમી નુકસાન કરી દે છે. માટે સિંદૂર શાસ્ત્રોક્ત વિધિથી ઘેર બનાવીને જ વાપરવું.
ચંદનમાં બેક્ટેરિયાનો નાશ કરી ચામડીની ખંજવાળ મટાડવાનો, ચામડીના ખરતા કોષ દૂર કરવાનો, સૂર્યના ઘાતક કિરણોથી બચાવવાનો અને ચામડી પર કરચલી પડતી રોકવાનો ગુણ હોય છે. તેથી એને કપાળ ઉપર અને ઘણી વખત આખા ચહેરા ઉપર લગાવવામાં આવે છે. રાખ પણ બેક્ટેરિયા નાશક હોય છે. આ થઈ ચાંદલાના પદાર્થ વિષે વાત. એના સ્થાનની વાત કરીએ તો કપાળે કરવામાં આવેલા ચાંદલાનું સ્થાન હકીકતમાં શરીરનું આજ્ઞાચક્રનું છે. આજ્ઞાચક્ર વિષે શાસ્ત્રો કહે છે કે તે નબળું હોય તો અન્યના પ્રભાવમાં આવી જવાય અને બળવાન હોય તો બીજાઓને પ્રભાવમાં લાવી શકાય.
કલઈના પ્રભાવમાં આવી ન જવાય અને કોઈને પ્રભાવમાં લાવી ન દેવાય એ માટે આજ્ઞાચક્રના સ્થાન પર ચાંદલો કરવો એવી પરંપરા રૂ થઈ હતી. એનો પ્રભાવ અન્યને પણ અસર કરતો હોવાથી આજ્ઞાચક્રને ત્રીજું નેત્ર પણ કહેવાય છે. અહીં ચાંદલો કરવાથી મન શાંત રહે છે.