જાણો યજ્ઞ અને હવનનું મનુષ્યના જીવનમાં કેટલું મહત્વ છે

અગ્નિપૂજા વેદ જેટલી જ પ્રાચીન છે. માનવની નિર્મિતની સાથે જ તેની નિર્મિતિ થઈ છે. અગ્નિપૂજા એટલે તેજની ઉપાસના યજ્ઞાોપવીત, ગ્રહશાંતિ, વિવાહ સંસ્કાર વગેરે પ્રસંગોએ કે નવરાત્રિ જેવા પ્રસંગોએ હોમ-હવન થતા હોય છે. અને અગ્નયે સ્વાહા ઈદમ્ અગ્નયે ન મમ। વગેરે મંત્રોચ્ચાર સાંભળવા આપણા કાન પણ ટેવાયેલા છે. આ હોમ-હવન એ અગ્નિપૂજા છે, અગ્નિ ઉપાસના છે, અગ્નિ પૂજાનું પ્રતીક છે.

માનવે પંચ મહાભૂતોમાંના ‘તેજ’ તત્ત્વને અગ્નિ દ્વારા પોતાના દૈનંદિક જીવન સાથે વણી લીધું. એ અગ્નિથી માનવ અળગો રહી શકે એ વિચાર જ અસહ્ય છે અને પ્રાચીન માનવે, પ્રાચીન ઋષિએ, તેનું કૃતજ્ઞતા પૂર્વક પૂજન કર્યું. તે અગ્નિની સાક્ષીએ, તેનું પૂજન કરી વૈદિક જીવનની દીક્ષાના પ્રતીક રૂપ યજ્ઞાોપવીત લીધું, તેની સાક્ષીએ વિવાહ સંસ્કાર જેવા આજીવન સંબંધ બાંધ્યા. પારસીઓ પણ અગ્નિપૂજક છે.

હોમ-હવન કરતી વખતે માનવીને પોતાના ઉપર અગ્નિએ કરેલા ઉપકારો ધ્યાનમાં આવતા. એ અગ્નિ માનવીને હૂંફ આપતો, રાની પશુઓથી રક્ષણ કરતો, માનવીને અંધકારમાં પ્રકાશ આપતો અને એ જ અગ્નિ માનવીનું અન્ન રાંધી આપતો. એ અગ્નિના ઉપકારના ભાર નીચે દબાયેલો માનવ કૃતજ્ઞતા પૂર્વક તેનું સ્મરણ કરી તેનું પૂજન કરતો. આપણા ઋષિઓએ અગ્નિના ગુણો લક્ષમાં લીધા અને પોતાનું જીવન પણ અગ્નિ જેવું થાય તે માટે હોમ-હવન દ્વારા તેની ઉપાસના કરવા લાગ્યા. પોતાનું જીવન દિવ્ય બને, તેજસ્વી, પ્રભાવી અને સામર્થ્યશીલ બને તે માટે અગ્નિ પાસે માગણી કરતા

યતે અગ્ને તેજાસ્તેનાહં તેજસ્વી ભૂયાસમ્ ।

યતે અગ્ને વર્ચસ્તેનાહં વર્ચસ્વી ભૂયાસમ્ ।

યતે અગ્ને હરસ્તેનાહં હરસ્વી ભૂયાસમ્ ।

‘હે અગ્નિ! તારા તેજથી મને તેજસ્વી થવા દે. તારા વિજયી તેજથી મને વર્ચસ્વી થવા દે. બધો જ કચરો બાળી નાખનારા તારા તેજથી મારો પણ બધો કચરો બાળી નાખનારો તું મારું બધું પાપ હરનાર થા.’

હવન માનવીને આત્મસમર્પણની પ્રેરણા આપે છે. પોતામાં રહેલા અહંનો હવન કરવાની ભાવના કેળવે છે. સત્કાર્ય માટે માનવીએ પોતાનો, પોતાની શક્તિઓનો હવન કરવો જ રહ્યો અને આમ જુઓ તો જીવન પણ એક હવન જ છેને!

માનવી સતત એક યા બીજી રીતે બળતો જ હોય છેને! પરંતુ આ બળવા પાછળ તેની યોગ્ય સમજણ હોતી નથી. તેની પાછળ તેનો સ્વાર્થ છુપાયો હોય છે અને આમ પણ કાંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો હવન કરવો જ પડે છે. જ્ઞાન પ્રાપ્ત કરવું છે? તો એશઆરામ અને સુખનો હવન કર. લગ્નજીવન સુખી કરવું છે? તો એકબીજા ખાતર વૈયક્તિક ઈચ્છાનો હવન કરવો જ પડશે. દરેક પોતપોતાનો આગ્રહ પકડી રાખે તો તેનું પરિણામ દુઃખદ જ હોવાનુંને? અને સમાજને અથવા તો રાષ્ટ્રને જરૂર પડે તો, પોતાના સ્વાર્થનો અને જરૂર પડે તો જાતનો પણ હવન કરવો જ પડે છે! હવનમાં દરેક વખતે સ્વાહા કરતી વખતે તેની પાછળનો હાર્દ સમજવા જેવો છે.

સ્વાહા શબ્દની પણ જુદીજુદી વ્યુત્પત્તિ છે અને એની પાછળની ભાવના પણ જુદીજુદી છે.

સ્વાહા એટલે સુ + આહ મતલબ ઉત્તમ-શ્રેષ્ઠ વચન

સ્વાહા એટલે સુ + આ + હા એટલે કે સારી રીતે અર્પણ કરવું તે.

સ્વાહા – સ્વ + આ + હા એટલે કે પોતાનું સર્વસ્વ અર્પણ કરવું તે અને આ ભિન્નભિન્ન અર્થો વચ્ચે પણ કોઈ વિસંગતિ નથી. સ્વાહા કરતી વખતે આ ત્રણે વાતો જીવનમાં વણાઈ જાય એ અપેક્ષિત છે. તેથી જ તો હોમ-હવનમાં ઈન્દ્રાય સ્વાહા ન મમ, અગ્નયે સ્વાહા ન મમ…એમ ‘મારું નથી.’ કહીને દેવતાઓનું સ્મરણ કરી હવન કરવામાં આવે છે.

જેમ હવન આત્મસમર્પણની પ્રેરણા આપે છે તેમ હવનમાંનો અગ્નિ આત્મ ધારણાની પણ પ્રેરણા આપે છે. હું સ્વતંત્ર રીતે જીવી શકું છું. મને કોઈના આશ્રયની જરૂર નથી. મારો ભગવાન છે. હું તેને આશ્રયે જીવીશ. જીવનમાં આ ખુમારી નિર્માણ થાય છે.

અનન્યાશ્ચિતયંતો માં યે જનાઃ પર્યુપાસતે ।

તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્ ।।

એ ગીતાના શ્લોકની યથાર્થતા સમજાય છે. ‘જે ભક્તો અનન્ય ભાવથી મારું ચિંતન કરે છે, મારી ઉપાસના કરે છે તેમનું હું ધ્યાન રાખું છું- રક્ષણ કરું છું- યોગક્ષેમ સંભાળું છું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer