કોરોનામાં અમદાવાદની સરકારી, ખાનગી, મ્યુનિ. સંચાલિત અનેક હોસ્પિટલોમાં 3350 લોકોનાં સારવાર દરમિયાન મૃત્યુ થયાનો સતાવાર આંકડો છે, પરંતુ કોરોના સાથેના કો-મોર્બિડ મૃતક દર્દીઓનો સમાવેશ કરીએ તો આ મૃત્યુઆંક ત્રણ ગણો થાય છે. આ હિસાબે શહેરમાં લગભગ 10 હજાર જેટલા લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
કુલ મૃત્યુઆંકમાં જો 50 ટકા મહિલાઓનો સમાવેશ કરાય તો તેમણે ઓછામાં ઓછું 5 ગ્રામનું પણ મંગલસૂત્ર પહેરેલું હોય તો અંદાજિત સોનાનો જથ્થો 25 કિલો થાય છે. આ હિસાબે આજની કિંમતે અંદાજે 12 કરોડનું સોનું હોસ્પિટલોમાંથી મૃતદેહોના શરીર પરથી ગાયબ થયું હતું એમ કહી શકાય.
અને આ આંકડો માત્ર અમદાવાદનો જ છે, જો સમગ્ર ગુજરાતના કોરોનાથી મોતના આંકડા ગણવામાં આવે તો આ સોના ચોરીની રકમ અનેકગણી વધી શકે છે. કોઈ પણ પરિણીતા માટે મંગળસૂત્ર અને હાથની બંગડી સૌભાગ્યની નિશાની ગણાય છે અને ગંભીર પરિસ્થિતિમાં કોઈ સ્વજન મંગળસૂત્ર કે દાગીના ઉતરાવડાવી હોસ્પિટલમાં દાખલ કરે અને ઉતાવળ માં એટલો ટાઇમ પણ હોય નહિ. હોસ્પિટલ માંથી મૃતદેહ પણ પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી અપાતો હતો. પરિવારના બે સભ્યોને ફકત ચહેરો બતાવવામાં આવતો હતો.
હોસ્પિટલોમાંથી કોરોનાના મૃતકોના શરીર પરથી દાગીના ચોરોયા હોવાની ઘણી બધી ફરિયાદો પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. 132 ફૂટ રિંગરોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સેટેલાઇટમાં રહેતા એક નિવૃત્ત શિક્ષકને કોરોનાની સારવાર માટે આઈસીયુમાં દાખલ કરાયા ત્યારે તેમણે હાથમાં સોનાની વીંટી પહેરી હતી.
આઈસીયુની સારવાર બાદ બીજા દિવસે તેમનું મૃત્યુ નિપજ્યું હતું, પણ જ્યારે સગાંને મૃતદેહની સાથે દર્દી પાસેનો સામાન સોંપાયો ત્યારે તેમાં બેથી ત્રણ તોલા સોનાની વીંટી ન અપાઈ હતી, જેથી સ્ટાફને પૂછતાં આવી કોઈ વીંટી ન હોવાનો રોકડો જવાબ આપ્યો હતો.
અમરાઈવાડીના એક કોર્પોરેટરનાં સંબંધી મહિલાનું સિવિલમાં સારવાર બાદ મૃત્યુ થતાં, મહિલાના પતિને મૃતદેહ સોંપાયો ત્યારે પહેરેલા સોનાના દાગીના ગાયબ થય ગયા હતા. હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટને ફરિયાદ કરાઈ હતી.
પોલીસે હોસ્પિટલના સ્ટાફ ડ્યૂટી લિસ્ટ અને સીસીટીવી કેમેરાને આધારે પીપીઈ કિટ પહેરેલા બે યુવકોની પૂછપરછ કરાઈ હતી. હોસ્પિટલના સ્ટાફમાં ન હોવા છતાં ચોરી કરવા પીપીઈ કિટ પહેરીને મૃતદેહ પરથી દાગીનાની ચોરી કરતા હોવાનું જણાતા બંનેને જેલમાં ધકેલાય દેવાયા હતા.
75 વર્ષીય વૃદ્ધાને એસવીપી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જે પોતે ચાલવા માટે સક્ષમ ન હતા, તેમના હાથમાં સોનાની બે બંગડી હતી, તેમને જ્યારે ડિસ્ચાર્જ અપાયો ત્યારે તેમના હાથમાંથી સોનાની બંને બંગડી ગાયબ થઈ હતી, જેથી તેમના પુત્રે એસવીપી હોસ્પિટલ મેનેજમેન્ટને પત્ર લખીને જાણ કરી હતી.
એપ્રિલ મહિનામાં એક વૃદ્ધાને સિવિલમાં દાખલ કરાયાં હતાં, તેઓ પરિવાર સાથે રોજ વીડિયો કોલિંગથી વાતો પણ કરતાં હતાં, પણ અવસાન થતાં ફોન ન મળ્યો હતો. દર્દીનાં સગાંએ પોલીસ ફરિયાદ કરતાં આ ફોન મેઘાણીનગરમાં કરિયાણાની દુકાનમાં નોકરી કરતાં એક યુવક પાસે હતો, પણ યુવક ઉત્તર પ્રદેશમાં હોવાનું જણાયું હતું.
માનીએ કે શહેરમાં કોરોનાથી બિનસત્તાવાર અંદાજે 10 હજારનાં મૃત્યુ થયાં, જેમાંથી 50 ટકા મહિલાનો સમાવેશ કરી શકાય. એટલે કે પાંચ હજાર મહિલામાંથી દરેકે ઓછામાં ઓછું 5 ગ્રામ સોનાનું મંગલસૂત્ર પહેરેલું હોય તો અંદાજે 25 કિલો સોનાનો જથ્થો થાય છે. એક કિલો સોનાની કિંમત 50 લાખ છે તે હિસાબે 25 કિલો સોનાની કિંમત આશરે 12.5 કરોડ રૂપિયા આકી શકાય.