આઈપીએલ 2022નું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ગયું છે. વિશ્વની સૌથી મોટી લીગ ભારતમાં 26 માર્ચથી શરૂ થઈ રહી છે. IPLની શરૂઆત પહેલા ફેબ્રુઆરી મહિનામાં મેગા ઓક્શન સમાપ્ત થઈ ગયું હતું.
મેગા ઓક્શનમાં તમામ 10 ટીમોએ દુનિયાભરના ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો વરસાદ કર્યો હતો. પરંતુ ઘણા દિગ્ગજ ખેલાડીઓને ખરીદનાર મળ્યા ન હતા. જોકે, હવે IPL મેગા ઓક્શનમાં વેચાયા વગરના રહી ગયેલા ખેલાડીએ ટૂર્નામેન્ટમાં પ્રવેશ કર્યો છે.
ખેલાડીઓ પરત ફર્યાઃ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સની જગ્યાએ ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન એરોન ફિન્ચને આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માટે તેમની ટીમમાં સામેલ કર્યો છે. “હેલ્સે બાયો-બબલ (બાયોસેફ એન્વાયર્નમેન્ટ) ના થાકને કારણે 26 માર્ચથી શરૂ થતી IPLમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે,” KKRએ અહીં એક રિલીઝમાં જણાવ્યું હતું.
ફિન્ચ શરૂઆતની મેચોમાં નહીં રમેઃ ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાનના પ્રવાસે હોવાથી ફિન્ચ પણ IPLની શરૂઆતની મેચોમાં રમી શકશે નહીં. બે વખતની ચેમ્પિયન KKRએ 26 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેની પ્રથમ મેચ રમવાની છે. ફિન્ચને ગયા મહિને IPLની હરાજીમાં કોઈ ટીમે ખરીદ્યો ન હતો. KKR એ તેની મૂળ કિંમત રૂ. 1.50 કરોડ માટે તેને પોતાની ટીમમાં જોડ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ જીત્યો હતો વર્લ્ડ કપઃ ઓસ્ટ્રેલિયાની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન ફિન્ચે અત્યાર સુધીમાં 88 T20 ઈન્ટરનેશનલ મેચોમાં બે સદી અને 15 અડધી સદીની મદદથી 2686 રન બનાવ્યા છે. તેણે IPLમાં 87 મેચ રમી છે. ફિન્ચ હંમેશા તેની સારી બેટિંગ માટે જાણીતો છે અને તે તેની લાંબી સિક્સર મારવા માટે પ્રખ્યાત છે. જ્યારે તે ફોમમાં હોય છે, ત્યારે તે કોઈપણ બોલિંગ ઓર્ડરને તોડી શકે છે.
તેમ છતાં તેને આઈપીએલ મેગા ઓક્શનમાં કોઈ ખરીદનાર મળ્યો નથી. ફિન્ચે તેની આઈપીએલ કારકિર્દીમાં અત્યાર સુધી કુલ 87 મેચ રમી છે, જેમાં તેણે 127.7ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને કુલ 2005 રન બનાવ્યા છે, જેમાં 14 અડધી સદીનો સમાવેશ થાય છે.