ઇશ્વરનાં નામ ભલે જુદાં જુદાં હોય, પરંતુ વાસ્તવમાં ઇશ્વર એક જ છે. એક જ ઇશ્વરને જુદા જુદા ધર્મોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. સનાતન હિંદુ ધર્મમાં જુદાં જુદાં દેવ દેવીઓની કલ્પના કરવામાં આવી છે, પરંતુ તે બધી એક જ પરમાત્માની જુદી જુદી શક્તિ ધારાઓ છે.
જે રીતે વિદ્યુતશક્તિ એક જ છે. પરંતુ એ જુદા જુદાં રૂપોમાં કાર્ય કરે છે. તે હીટરમાં જઈને ગરમી પેદા કરે છે, તો રેફીઝરેટર કે કુલરના માધ્યમથી શીતળતા પેદા કરે છે. આમ તેનું કાર્ય જુદુ- જુદુ છે અને નામ પણ જુદા જુદા છે. પરંતુ એ વિદ્યુતશક્તિ તો એક જ છે.
ફક્ત જુદા જુદા ધર્મોના અનુયાયીઓમાં જ નહિ, પરંતુ ક્યારેક તો એક જ ધર્મના જુદા જુદા સંપ્રદાયોમાં ઇશ્વર તથા દેવોનાં સંબંધમાં જુદી જુદી માન્યતાઓ તથા મતમતાંતર જોવા મળે છે. પરંતુ આત્મ સાક્ષાત્કાર કે બ્રહ્મ સાક્ષાત્કાર થયા પછી માણસ બધા મતમતાંતરો માંથી બહાર નીકળીને એક જ ઇશ્વરમાં માનતો થઈ જાય છે. પછી તેને બધા દેવોમાં પોતાના જ ઇષ્ટદેવના દર્શન થાય છે. એમનામાં કોઈ ભેદભાવ જોવા મળતો નથી.
આ સંદર્ભમાં એક ખૂબ જ પ્રેરક કથા છે. મહારાષ્ટ્રના સંત નરહરિસોની શિવજીના પરમભક્ત હતા. તેમને ભગવાન શિવજી પ્રત્યે એટલો બધો પ્રેમ હતો કે તેઓ બીજા કોઈ દેવના મંદિરે જતા ન હતા. ફક્ત શિવજીના મંદિરે જ જતા હતા. એકવાર એક શેઠ તેમની દુકાને આવ્યા અને તેમને કહ્યું કે’ મારે વિઠોબા માટે સોનાનો કંદોરો બનાવડાવવો છે.તેથી માપ લેવા માટે તમે વિઠોબાના મંદિર ચાલો. કંદોરો બનાવડાવવાનું કારણ પૂછતાં શેઠે જણાવ્યું કે’મારે પુત્ર ન હતો, તેથી મે માનતા માની હતી કે જો મારે ત્યાં પુત્ર જન્મશે તો હું વિઠોબા માટે સોનાનો કંદોરો બનાવડાવીશ.’ પરંતુ નરહરિએ કહ્યું કે’ હું શિવજી સિવાય બીજા કોઈના દેવના મંદિર જતો નથી. તેથી તમે બીજા કોઈ સોની પાસે તે બનાવડાવી લેજો.’
આવું સાંભળીને શેઠે કહ્યું કે’ તમારા જેવો શ્રેષ્ઠ બીજો કોઈ સોની નથી, તેથી હું તમારી પાસે જ કંદોરો બનાવડાવીશ’ પરંતુ નરહરિ તો વિઠોબાના મંદિરે જવા તૈયાર ન હતા. તેથી હવે શું કરવું? ત્યારે શેઠે કહ્યું કે ‘હું વિઠોબાની કમરનું માપ લાવી આપીશ. તમે એ માપનો કંદોરો બનાવી આપજો. તમારે મંદિરે જવું નહિ પડે. નરહરિએ આ વાતનો સ્વીકાર કર્યો. શેઠ માપ લઈ આવ્યા અને નરહરિજીએ એ માપ પ્રમાણે કંદોરો બનાવી આપ્યો, પરંતુ પહેરાવ્યો ત્યારે મોટો પડયો. આથી બીજીવાર માપ લઈને તેને નાનો કરવામાં આવ્યો, તે વખતે ભગવાનને પહેરાવતાં તે નાનો પડયો.
આ રીતે શેઠ ત્રણવાર માપ લઈ આવ્યા, પરંતુ એ પ્રમાણે કંદોરો ક્યારેક નાનો તો ક્યારેક મોટો થઈ જતો. છેવટે પૂજારી અને બીજા લોકોએ શેઠજીને સલાહ આપી કે નરહરિ પોતાની આંખે પાટો બાંધીને વિઠોબાના મંદિરે જાય અને જાતે જ વિઠોબાની મૂર્તિનું માપ લઈ લે. મહામુશ્કેલીએ નરહરિ એ માટે તૈયાર થયા. તેઓ આંખે પાટો બાંધીને મંદિરમાં ગયા. તેમણે મૂર્તિને સ્પર્શ કર્યો, તો તેમને એ મૂર્તિ શિવજીની લાગી. તેમને મૂર્તિના ત્રણ નેત્રો, માથા પર જટા તથા કમરે વ્યાઘ્રચર્મ લપેટેલું હોય એવું લાગ્યું.
નરહરિએ વિચાર કર્યો કે મારી સાથે મજાક કરવામાં આવી છે. મને ખરેખર શિવજીના મંદિરમાં જ લાવવામાં આવ્યો છે, તો પછી મારી આંખે પાટો શું કામ બાંધ્યો હશે ? આવું વિચારીને તેમણે પાટો ખોલી નાખ્યો, તો જોયું કે તે મૂર્તિશિવજીની ન હતી કારણકે તે તો વિઠોબા ભગવાનનું મંદિર હતું. તેમણે ફરીથી આંખે પાટો બાંધી દીધો અને માપ લેવા લાગ્યા. આ વખતે તેમનો હાથ ત્રિશૂલ પર પડયો. મૂર્તિ ગળે હાથ ફેરવ્યો તો ત્યાં તેમને સાપ જણાયો. એમણે વિચાર્યું કે ખાસ્સીવાર સુધી આંખે પાટો હોવાના કારણે મને આવો ભ્રમ થતો હશે.
ખાતરી કરવા માટે ફરીથી તેમણે આંખો પરથી પાટો ખોલી નાખ્યો અને ધ્યાનથી જોયું તો તેમને એ મૂર્તિ શિવજીની નહિ, પરંતુ ભગવાન વિઠોબાની લાગી. પરંતુ આ વખતે ભગવાન વિઠોબાની મૂર્તિ પહેલાં કરતાં જુદી મુદ્રાવાળી જણાઈ. આ વખતે વિઠોબાજી બેઠેલા નહિ, પરંતુ ઇંટ પર ઊભેલા દેખાયા.તેમના માથા પર મુગટ, કાનમાં કુંડળ તથા કંઠમાં કૌસ્તુભ મણિની માળા શોભતી હતી.
એમને એવું લાગ્યું કે જાણે વિઠોબા પ્રસન્ન થઈને નરહરિને જોઈને હસી રહ્યા છે અને જાણે તેમને કંઈક કહેવા ઇચ્છે છે નરહરિ ફરીથી પોતાની આંખો પર પાટો બાંધવા ગયા ત્યારે તેમને તે મૂર્તિ વિઠોબાની નહિ, પરંતુ શિવજીની હોય એવું લાગ્યું. તેઓ મૂર્તિની સામે જોઈ રહ્યા. તેમને તે મૂર્તિ ક્યારેક વિઠોબાની લાગતી તો ક્યારેક શિવજીની ! તેઓ સમજી ગયા કે મારા પ્રભુ મારા અજ્ઞાનને દૂર કરવા માટે જ આ ખેલ ખેલી રહ્યા છે.
એમને હવે અનુભવ થયો કે બંને દેવો એક જ છે, તેમનામાં કોઈ ભેદ નથી. તેઓ નકામા તેમને જુદા માનતા હતા. પ્રસન્ન થઈને તેઓ મોટેથી બોલી ઉઠયા,’ હૈ દેવાધિ દેવ ! હે સમસ્ત વિશ્વના સ્વામી! હું આપની શરણમાં છું પ્રભુ! મને માફ કરો. આપે મારી પર કરુણા કરીને તથા કૃપા વરસાવીને મારા મનના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી દીધો છે. હવે હું બધા જ દેવોમાં આપના જ દર્શન કરીશ. હવે હું ભગવાન વિઠોબાની પણ પૂજા કરીશ. તેમના મુખથી આવું સાંભળીને ત્યાં હાજર રહેલા લોકોએ તેમનો જયજયકાર કર્યો. આ ઘટના પરથી ખાતરી થશે કે સમગ્ર વિશ્વમાં ઇશ્વર એક જ છે, ફક્ત તેમનાં નામો જ જુદા છે.