જાણો જગન્નાથ રથયાત્રા અને તેના ઈતિહાસ વિશે

એક સમયે ભગવાન શ્રીકૃષ્ણની બહેન સુભદ્રા ભાઈ કૃષ્ણની પાસે થોડા દિવસ માટે પધારેલા. તેમણે બન્ને ભાઈઓ સમક્ષ નગર ભ્રમણની ઇચ્છા પ્રકટ કરી. બહેન સુભદ્રાની ઇચ્છા પૂરી કરવા, બંન્ને ભાઈઓ શ્રીકૃષ્ણ અને બલરામજીએ બહેન સુભદ્રાને રથમાં બેસાડી નગરયાત્રા કરાવીને પોતાના બહેન પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો. આ પૌરાણિક પાવન ઘટનાની ભક્તોને ઝાંખી કરાવવા પુરીમાં રથયાત્રાની શરૂઆત થઈ.

એક વખતે જરાસંઘે મથુરા પર આક્રમણ થયું ત્યારે તે ત્રેવીસ અક્ષોહણી સૈનિકોને લઈને કૃષ્ણ સાથે યુદ્ધ કરવા આવ્યો, ત્યારે માત્ર પોતાના કારણેજ વધુ માનવ સંહાર ન થાય. મથુરા નગરી સુરક્ષિત રહે, તેવા શુભ આશયથી શ્રીકૃષ્ણ મથુરા છોડી ગયા. આ તેમનું કાયરતા ભર્યું પગલું ન’તું, પણ માનવ જીવોનો રક્ષણનો ઉમદા હેતુ હતો, તેથી જ તેઓને વહાલથી રણછોડ નામથી નવાજવામાં આવ્યા.

ગુજરાતના સુપ્રસિધ્ધ અમદાવાદનાં જગન્નાથમંદિરનાં સિદ્ધ સમાજ સેવી સંત પૂ.નરસિંહદાસજી મહારાજના અનુગ્રહથી ચાલી આવતી આ રથયાત્રાને દરેક કોમ, જાતિનાં લોકો પ્રેમથી હાર્દિક સ્વાગત કરે છે. ત્યારે સૌને કોમી એખલાસનો અહેસાસ થાય છે. ભક્તોની ભક્તિ, પ્રેમ, વાત્સલ્યને નિહાળવા જગદીશ્વર જગન્નાથ જગતનાં જનને જુએ, જગત તેમને જુએ, એજતો આનંદોત્સવની રથયાત્રા છે ત્યારે કૃષ્ણ ભક્તિથી તરબોળ હજજારો ભક્તો પોકારી ઉઠે છે.

..મારો રણછોડ આવી રહ્યો છે,

જય રણછોડ, માખણચોર…

ભગવાન જગન્નાથનું પુરુષોત્તમધામ

જગન્નાથધામમાં ભગવાન શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ત્યાં બિરાજિત હોવાથી તે પુરુષોત્તમ તરીકે પણ પ્રસિદ્ધ છે. જગન્નાથજીનું મંદિર ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી અને  બહેન સુભદ્રાની ત્રણેયની કાષ્ઠ મૂર્તિથી પાવન થયું છે. અષાઢ સુદ બીજનાં ધામધૂમથી યાત્રા નીકળે છે. એક પરંપરા પ્રમાણે રાજાનાં વંશ રથની સોનાનાં ઝાડુથી સાફ સૂફી કરી, ભગવાનની મૂર્તિઓને વધાવવામાં આવે છે. અને એજ ભક્તિભાવથી અમદાવાદ તથા અન્ય સ્થળોએ અષાઢી બીજ ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે. ભગવાનની એ પાવન મૂળ જગન્નાથપુરીમાં છે, જેનું રોચક વર્ણન બ્રહ્મપુરાણમાં છે.

ઓરિસ્સામાં જ્યારથી શ્રીકૃષ્ણ- વિષ્ણુની ઉપાસના જયારથી શરૂ થઈ ત્યારથી અષાઢી બીજનાં રોજ શ્રી જગન્નાથજીનું પૂજન- અર્ચન કરીને રથયાત્રા કાઢવામાં આવે છે. આ મહાશોભામાં દેશ-વિદેશથી હજ્જારો લોકો લાભ લઇ પુણ્ય- કર્મ કમાય છે. એક પૌરાણિક કથા અનુસાર, રાજા ઇન્દ્રદ્યુમ્નને જગન્નાથ ભગવાનનાં સાક્ષાત્કારની ધર્મભાવના થતાં, તેઓ એ આકરું તપ આદર્યું, પરિણામે ભગવાન પ્રસન્ન થયા અને રાજાને સ્ફુરણા થઈ.’ ભગવાન તમને તોતિંગ કાષ્ટરૂપે સાગર કાંઠે મળશે.’

અને ખરેખર રાજાને સાગરકાંઠેથી શોધખોળ કરતાં એક નયનરમ્ય ટુકડો પ્રાપ્ત થયો. રાજાએ તેમાંથી ભગવાન મૂર્તિ તૈયાર કરવા અનેક કારીગરોન ે બોલાવ્યા, પણ કોઈ કારીગર મૂર્તિ તૈયાર કરી ન શક્યા. છેવટે સ્વંય ભગવાને કારીગર રુપે હાજર થઈને એકાંતમાં મૂર્તિઓ બનાવી. અને તેઓ અદ્રશ્ય થઈ ગયા. એક માન્યતા પ્રમાણે એ વૃધ્ધકારીગર સ્વયં ભગવાન વિશ્વકર્મા હતા.

આજથી લગભગ ૧૩૫ વર્ષ પૂર્વે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત શ્રી નરસિંહ દાસજીએ ત્યારે ભક્તોજનોનાં વિશાળ સમુદાયને જણાવેલું કે’જગન્નાથપુરી જેવી જ રથયાત્રા અમદાવાદમાં કાઢવાની મારી ઇચ્છા છે.’ આ ટહેલને સૌ ભક્તોજનો એ હર્ષનાદથી વધાવીને સ્વીકૃતિ આપી. ત્યાર બાદ ઇ.સ.૧૮૭૮થી પુરી જેવી જ રથયાત્રા અમદાવાદ શહેરમાંના મુખ્ય માર્ગો પર નીકળે છે. અને ઠેરઠેર પ્રજાજનોનું અભિવાદન ઝીલી સાંજે નીજ મંદિરમાં ધામધૂમથી આવી પહોંચે છે. માર્ગમાં તમામ ધર્મનાં લોકો નમન કરીને તેનું હાર્દિક સ્વાગત કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer