પરમ શક્તિના સાધકો માટે માળા બહુ મહત્ત્વનું સાધન છે. માળા ભગવાન કે ભગવત્શક્તિના સ્મરણ અને નામ જપમાં બહુ જ સહાયકારી બને છે. એટલે સાધકને તે પોતાના પ્રાણ જેટલી પ્રિય લાગે છે તે એને પોતાના ગુપ્ત ધનની જેમ સુરક્ષિત રાખે છે. સાધના, પૂજા અને મંત્રોથી દિવ્ય ઊર્જાના આવેશવાળી થયેલી માળા આવિર્ભાવ પામેલી દિવ્યતા અખંડ, અક્ષુણ્ણ રહે એ કારણે એ બીજી કોઈ વ્યક્તિને આપવાનું પસંદ કરતો નથી. માળા સાધકને સિદ્ધિ પ્રાપ્ત કરાવવાનું શ્રેષ્ઠ સાધન છે.
ઇષ્ટદેવ કે ઇષ્ટદેવીના નામનો જાપ કરવાની પ્રક્રિયામાં સહાયરૂપ માળાના શાસ્ત્રોમાં ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. – ૧. કરમાળા, ૨. વર્ણમાળા, ૩. મણિમાળા. આંગળીયો પર જે જપ કરવામાં આવે છે તે કરમાળાનો જપ છે. તે બે પ્રકારે થાય છે. – એક, આંગળીઓને ગણીને જપ કરતા રહેવું, બીજું આંગળીઓના વેઢા પર ગણતરી કરી જપ કરતા રહેવું. શાસ્ત્રોક્ત રીતે બીજો પ્રકાર જ વધુ યોગ્ય મનાય છે.
કરમાળાના જપની પ્રક્રિયા જ એવી છે કે તેમાં અનામિકાના મધ્યભાગથી નીચેની તરફ જવાનું, પછી કનિષ્ઠીકાના મૂળથી ઉપર વેઢા તરફ ગણતરી કરવાની, પછી અનામિકા અને મધ્યમાના ઉપરના ભાગથી થઈને તર્જનીના મૂળ સુધી જવાનું. આ ક્રમથી અનામિકાના બે વેઢા, કનિષ્ઠીકાના ત્રણ, ફરી અનામકિાનો એક, મધ્યમાનો એક અને તર્જનીના ત્રણ વેઢા એ રીતે કુલ દસની સંખ્યા ગણવાની હોય છે. મધ્યમના બે વેઢા સુમેરુના રૂપે છોડી દેવાના હોય છે. અનુષ્ઠાન ભેદથી આ ગણતરી પણ બદલાય છે.
વર્ણમાળાનો અર્થ છે અક્ષરો દ્વારા ગણતરી કરવી. અંતર્જપમાં એનો વધુ ઉપયોગ કરાય છે. બહિર્જપમાં ય એનો નિષેધ નથી. વર્ણમાળા દ્વારા જપ કરવાનો પ્રકાર એવો છે કે પહેલા વર્ણમાળાનો એક અક્ષર બિંદુ લગાવીને ઉચ્ચરાવાનો પછી મંત્રનું ઉચ્ચારણ કરવાનું. આ ક્રમથી અ વર્ગના સોળ, ક વર્ગથી પ વર્ગ સુધીના ૨૫ અને ય વર્ગથી હ કાર સુધીના આઠ અને પછી એક લકાર આ રીતે પચાસ સુધી ગણતરી કરવાની. પછી લ કારથી ફરી અકાર સુધી આવી જવાનું.
એનાથી સોની સંખ્યા પૂરી થઈ જશે. ‘ક્ષ’ અક્ષરને સુમેરુ માનવામાં આવે છે, એનું ઉલ્લંઘન કરાતું નથી. સંસ્કૃતમાં ‘ત્ર’ અને ‘જ્ઞા’ સ્વતંત્ર અક્ષર નહીં, સંયુક્ત અક્ષર માનવામાં આવે છે એટલે એમની ગણના કરાતી નથી. વર્ગ પણ સાત નહીં, આઠ માનવામાં આવે છે. આઠમો વર્ગ શકારથી શરૂ થાય છે એના દ્વારા અં, કં, ચં, ટં, તં, પં, યં, શં એ ગણના કરીને મંત્ર બીજી આઠ વાર જપવામાં આવે છે.
આમ કરવાથી જપની સંખ્યા ૧૦૮ થઈ જાય છે. આ અક્ષરો તો માળાના મણિ છે એનો દોરો છે કુંડલિની શક્તિ. તે મૂળાધાર ચક્રથી આજ્ઞાાચક્ર સુધી દોરા રૂપે રહે છે. એમાં જ આ સ્વર- વર્ણ- મણિ (મણકા)ના રૂપમાં ગુંથેલા હોય છે. એમના દ્વારા આરોહ અને અવરોહ ક્રમથી એટલે કે નીચેથી ઉપર અને ઉપરથી નીચે જપ કરવો જોઈએ. આ પ્રકારે જે જપ થાય છે તે તરત જ સિદ્ધિ આપનાર બને છે.
મણિમાળા એટલે કે મણકા પરોવેલી માળા. વધારે સંખ્યામાં જપ કરવા હોય તો એની ગણતરી કરવા આ માળા જરૂરી છે. આ માળા બનાવવા જુદી જુદી વસ્તુઓના મણકા ઉપયોગમાં લેવાય છે. આ વસ્તુઓમાં રુદ્રાક્ષ, તુલસી, શંખ, કમળબીજ, જીવપુત્રક, મોતી, સ્ફટિક, મણિ, રત્ન, સુવર્ણ, મુંગા, ચાંદી, ચંદન અને કુશ (દર્ભ) મૂળનો સમાવેશ થાય છે.
એમાં વૈષ્ણવો માટે તુલસીબીજની, સ્માર્ત, શૈવ અને શાક્ત પરંપરાને અનુસાર માટે રુદ્રાક્ષની માળા શ્રેષ્ઠ માનવામાં આવી છે. જુદી જુદી કામનાપૂર્તિ માટે અને જુદા જુદા દેવ-દેવીઓની સાધના માટે પણ ભિન્ન ભિન્ન માળા વપરાય છે. ૧૦૮ મણકાની માળા બધા પ્રકારના જાપ માટે કામમાં લેવાય છે. સુતરાઉ દોરો, રેશમી દોરો, સફેદ રંગનો, લાલ રંગનો, પીળા અને કાળા રંગનો દોરો ધરાવતી માળા જુદા જુદા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે.
‘આગમ કલ્પદ્રુમ’ ગ્રંથમાં માળાના સંસ્કારની પ્રક્રિયાનો નિર્દેશ કરાયો છે. ભૂતશુદ્ધિ વગેરે કરીને માળામાં વિષ્ણુ, શિવ, શક્તિ, સૂર્ય અને ગણેશનું આહ્વાન કરીને પૂજા કરવી જોઈએ. એ પછી એનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રકારે સંસ્કારિત થયેલી માળા સાધના માટે ઉપયોગમાં લેવી જોઈએ.
આવી માળા આરાધ્ય ઇશ્વર કે દેવ-દેવી સાથે જ નિત્ય સંબંધ જોડી રાખે છે, માળા મૂર્તિ જેવું જ દિવ્ય ઉપકરણ બની જાય છે જે પ્રતિપળ પરમ તત્ત્વનો સાક્ષાત્કાર કરાવતી રહે છે. મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થતા તે ભગવદ્રુપ બની જાય છે તેમ માળામાં પણ પ્રાણ- પ્રતિષ્ઠા કે સંસ્કાર અપાતા તે મૂર્તિને જેમ ભગવદ્રુપ કે દેવરૂપ બની જાય છે.