મનુષ્ય જેવો સંગ કરે છે તેવી તેની અસર થાય છે. દેવર્ષિ નારદના સત્સંગથી લુંટારો વાલિયો વિશ્વ વંદનીય ઋષિ વાલ્મિકી બની ગયા. જેનું નામ સાંભળવાથી ધોળા દિવસે બજારો બંધ થઈ જતી હતી, જેને પકડવા વડોદરાના સયાજીરાવે મોટું ઇનામ આપવાની ઘોષણા કરી હતી. તેવો ખૂનખાર લૂંટારો વડતાલનો જોબનપગી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંતોના સંગમાં આવતાં સ્હેજે-સ્હેજે હાથમાં માળા, મુખમાં સ્વામિનારાયણ નામ અને કપાળમાં તિલક-ચાંદલો કરતો થઈ ગયો માટે હંમેશાં સાચા સત્પુરુષોની સોબત કરવી જોઈએ.
કોઈપણ વ્યકિત સંતના સમાગમમાં આવે એટલે તેના જીવનમાં પરીવર્તન અવશ્ય આવે જ છે. હા, પરીવર્તનની માત્રામાં ફેરફાર રહેતો હોય છે. કારણકે, સંત તો સૌને સારો ઉપદેશ આપે, પરંતુ તે વ્યકિત કેટલો જીવનમાં ઉપદેશને ઉતારે તેના ઉપર આધાર રહેતો હોય છે. તુલસીદાસજીએ સરસ કહ્યું છે કે,
એક ઘડી આધી ઘડી, આધી મેં પુનિ આધ :
તુલસી સોબત સંતકી, કટે કોટિ અપરાધ.
ચોવીસ મિનિટની એક ઘડી, આધી મેં પુનિ આધ એટલે છ મિનિટ પણ જો સાચા સંતની સોબત કરવામાં આવે તો જન્મો જન્માંતરના અપરાધ બળીને ભસ્મ થઈ જાય છે અને શાશ્વતિ શાંતિની પ્રતીતિ થાય છે.
તુલસીદાસની આ પંક્તિને સાર્થક કરતો પ્રસંગ સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં અંકિત થયેલો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે અનેક સિધ્ધ સંતો હતો. જેમાના મુખ્ય એક સંત હતા સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી. આ સ્વામીની વાણીમાં એવી શક્તિ હતી કે, પથ્થર જેવો જીવ પણ એમની વાત સાંભળીને પીગળી જતો હતો. તેમને મારવા આવેલો માણસ પણ તેમના ચરણમાં પડી જતો એવી એમની વાણીની શક્તિ અને તેમની સાધુતા હતી.
એકવાર કંથકોટ ગામમાં સદ્ગુરુ શ્રી
મુક્તાનંદ સ્વામી સંતમંડળે સહિત પધાર્યા.આ કંથકોટ ગામના એક ભાઈની દિકરી સાસરે જઈને, અમુક
વર્ષો બાદ પિયરમાં પાછી આવી હતી. પરિવારના અમુક સભ્યો મેણાં-ટોણાં મારે, ના બોલવાનું બોલે. તેથી આ બાઈ કંટાળી ગઈ અને
તેણે, હવે મારે જીવન ટૂંકાવી, ઝેર
ખાઈને મરી જવું છે. એવો તેણે નિર્ણય કર્યો અને એક તાંસળીમાં અફીણ ઘોળી પીવા માટે
તૈયાર કર્યુ.
આ તાંસળી મોંએ અડાડવા જાય છે ત્યાંજ પડોશી સત્સંગી સ્ત્રીએ આવીને
કહ્યું કે,’ ચાલ બહેન, ગામમાં શ્રી
મુક્તાનંદ સ્વામી આવ્યા છે. તેમના દર્શનનો તથા સત્સંગનો લાભ લઈશું તો આપણે પાવન
થઈશું. તેથી આ સ્ત્રીએ વિચાર્યું કે આમેય મરી જ જવું છે તો સાધુ-મહાત્માનાં
દર્શન-સત્સંગ કરી આવું. પછી મરું તો કાંઈક સદ્ગતિ તો થાય.”
આમ, વિચારી બીજી સ્ત્રીઓની સાથે આ સ્ત્રી પણ જ્યાં શ્રી મુક્તાનંદ સ્વામીની સભા ભરાઈને બેઠી હતી તે સભામાં બેસી ગઈ. સૌ શ્રોતાઓ શાંતિથી એકચિત્તે સ્વામીનું પ્રવચન સાંભળતા હતા. સભાની અંદર શ્રી મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે,’ મનુષ્યનો દેહ ખૂબ મોંઘો છે અને કિંમતી છે. જે પુણ્યશાળી હોય તેને જ પ્રાપ્ત થાય છે. અને તે પણ સાડા ત્રણ કરોડ કલ્પ વીત્યે મળે છે.દેવોને પણ દુર્લભ એવો આ મનુષ્ય દેહ તેને નાશવંત માયિક અને અસાર સુખની પાછળ વેડફી નાંખવોો નહિ.
તેમજ લૌકિક સુખ-દુ:ખના કારણે ઝેર ખાઈ, ગળે ટૂંપો દઈ, કૂવે પડી કે બળી મરી અથવા અન્ય કોઈ રીતે દેહનો અંત આણવો નહિ. આત્મહત્યાથી મોટું કોઈ પાપ નથી. સંસાર તો અસાર છે. સારા-નરસા પ્રસંગોને ધીરજથી સહન કરવા જોઈએ. દરેકના જીવનમાં સુખ પછી દુ:ખ અને દુ:ખ પછી સુખ આવતું હોય છે. અત્યારે જે દિવસો ચાલી રહ્યા છે, તે પણ થોડા સમયમાં બદલાઈ જશે. તેથી પ્રભુનું ભજન, સ્મરણ, સત્સંગ કરવો. ભગવાનનું શરણું સ્વીકારવાથી આપણાં બધાં જ દુ:ખો વિસરાઈ જાય છે. અંતરમાં શાંતિ પ્રવર્તે છે. પ્રભુ તો કરુણાના સાગર છે આપણાં તમામ દુ:ખો અવશ્ય દૂર કરશે.
સભા પૂર્ણ થઈ. સૌ પોત પોતાના ઘરે ગયા. જે બાઈ ઝેર પીવાનું નક્કી કરીને સભામાં ગઈ હતી તેના હૃદયનું પરિવર્તન થયું. ઘેર જઈને તેણે ઝેર ઢોળી દીધું અને ભગવદ્ સ્મરણ કરી પોતાનું જીવન ભક્તિમય બનાવી દીધું.આ પ્રસંગ આપણ સહુને ઘણું બધું શીખવે છે. જીંદગીમાં કોઈના દિવસ સરખા પસાર થતાં નથી, સંસારમાં ઘણા પ્રશ્નો આવવાના જ છે. આર્થિક મુશ્કેલીઓ, શારીરિક મુશ્કેલીઓ, પરીવારમાં પતિ- પત્નીના પ્રશ્નો, પિતા અને પુત્રના પ્રશ્નો, સાસુ અને વહુના પ્રશ્નો, વારંવાર દરેક કાર્યમાં નિષ્ફળતા મળવી. આવી અનેક સંસારમાં ઉપાધિઓ વારંવાર આવતી જ હોય છે.
ત્યારે આપણે ધીરજ રાખીને આમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આવા સમયે ધીરજ ગુમાવી દેવામાં આવે છે, તો વધુ મુશ્કેલીઓ સર્જાતી હોય છે. આવા સમયે આત્મહત્યાનો માર્ગ ન લેતા ધીરજ રાખવી જોઈએ, આપણા દરેક શાસ્ત્રોએ આત્મહત્યા કરવાનો નિષેધ કરેલો છે. તેથી સંતોનો સમાગમ કરીને, ભગવાન ઉપર વિશ્વાસ રાખીને, આવા કપરા સમયનો ઓળંગવા માટે પ્રયત્નશીલ બનવું એ જ વાત સાર છે.