વાસ્તુ સંબંધિત મહત્વની જાણકારી તમને અગાઉ પણ આપવામાં આવી છે. કારણ કે આ વાસ્તુની અસર જાતકના જીવન પર થતી હોય છે. આજે પણ આવી જ મહત્વની વાત અહીં જણાવાઈ છે. આજે એવી વસ્તુના વાસ્તુ દોષ વિશે જાણકારી તમને મળશે જેનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે.
જી હાં આ વસ્તુ છે ડસ્ટબીન. ડસ્ટબીનનો સંબંધ પણ વાસ્તુ સાથે છે. ડસ્ટબીન એવી વસ્તુ છે કે જેમાં ઘરની નકામી વસ્તુઓ ઠલવવામાં આવે છે. ડસ્ટબીનમાં ઘરનો કચરો ફેંકવામાં આવે છે. એટલે કે ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવતી વસ્તુઓ ડસ્ટબીનમાં રાખવામાં આવે છે.
દિવસભર ડસ્ટબીનમાં કચરો ફેંકવામાં આવે છે અને બીજા દિવસે સવારે તમામ કચરો બહાર ફેંકવામાં આવે છે. આ કારણે ડસ્ટબીન અને વાસ્તુ વચ્ચે ખાસ કનેકશન સર્જાય છે. વાસ્તુના નિષ્ણાંતો અનુસાર ડસ્ટબીન ઘરમાં કોઈપણ દિશામાં રાખી દેવાથી દોષ સર્જાઈ શકે છે.
તેથી ડસ્ટબીન સંબંધિત વાસ્તુના નિયમો જાણવા જરૂરી છે. તો આજે જાણો કે ઘરમાં કઈ કઈ જગ્યાએ ડસ્ટબીન ન હોવી જોઈએ અને તેને રાખવાની યોગ્ય દિશા કઈ છે… સામાન્ય રીતે મહિલાઓ રસોડામાં ડસ્ટબીન રાખે છે. આધુનિક રસોડાનો એક અભિન્ન અંગ બની જાય છે કચરાપેટી.
પરંતુ વાસ્તુ અનુસાર આમ ન કરવું જોઈએ. તેમાં પણ જો ઘરમાં રસોડું દક્ષિણ-પૂર્વ દિશામાં હોય અને તેમાં ડસ્ટબીન રાખેલી હોય તો તેનાથી સ્ત્રી અને પુરુષ બંનેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જો ડસ્ટબીન રોજ સાફ થતી હોય તો કોઈ સમસ્યા નથી.
પરંતુ ડસ્ટબીનમાંથી રોજ કચરો બહાર ફેંકવામાં ન આવે અને તેમાં જીવાત થાય, વાસ આવે તો તેની અસર ઘર પર થાય છે. આવા ઘરમાં દંપતિ વચ્ચે ક્લેશ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પણ ઘરમાં ઉત્પન્ન થતી વાસથી શુક્ર પીડિત થાય છે. જો શુક્ર પીડિત થાય તો મહિલાઓ બીમાર રહે છે.
જો રસોડામાં ડસ્ટબીન રાખવી અનિવાર્ય હોય તો રસોડાના દક્ષિણ દિશા તરફ કોઈ કેબિનેટ હોય તો તેમાં રાખવી અને તે કેબિનેટનો દરવાજો હંમેશા બંધ રાખવો. બેડરૂમમાં ડસ્ટબીન રાખતાં હોય તો ખાસ ધ્યાન રાખવું કે તેને માથા તરફ કે બેડની નજીક ન રાખવી. આમ કરવાથી અનેક સમસ્યાઓ આવી શકે છે. વ્યક્તિના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર સતત જોખમ રહે છે.