હિમાચલ પ્રદેશના કાલીધાર પહાડ ઉપર જ્વાળા દેવી મંદિરમાં દેવી માતાના નવ રૂપ અગ્નિ સ્વરૂપે હોવાથી માતાને અહીં જ્યોતાવાળી માતા કહેવામાં આવે છે. વર્ષોથી તેલ અને વાટ વિના આ જ્યોત અહીં પ્રગટી રહી છે. આ વર્ષે અહીંના વ્યવસ્થાપકે સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિકની થેલી, થાળી અને ગ્લાસ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. નવરાત્રિની શરૂઆતના દિવસોમાં અહીં 50 થી 60 હજાર ભક્તો આવે છે, અંતિમ દિવસોમાં આ આંકડો 1 લાખ પાર કરી જાય છે.
મંદિરના પૂજારી સંદીપ શર્મા પ્રમાણે, દર્શન માટે ભક્તો અહીં આવવા લાગ્યાં છે. જ્વાળા જી 51 શક્તિપીઠોમાંથી એક છે. આ વર્ષે નવરાત્રિમાં 8 થી 10 લાખ લોકો અહીં આવે તેવું અનુમાન લગાવાયું છે. નવ જ્વાળાઓમાં મુખ્ય જ્વાળા જી ચાંદીના દીવા વચ્ચે સ્થિત છે. તેમને મહાકાળી કહેવામાં આવે છે. અન્ય આઠ જ્વાળાઓમાં માતા અન્નપૂર્ણા, ચંડી, હિંગળાજ, વિંધ્યવાસિની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા અને અંજી દેવી છે. અહીં માતા સતીની જીભ પડી હતી તેવી માન્યતા છે.
અહીં દિવસમાં પાંચવાર આરતી થાય છે. આરતી વખતે સુંદર દ્રશ્ય જોવા મળે છે. સવારે પાંચ વાગે પહેલી આરતીમાં માલપુઆ, દૂધનો માવો અને મિસ્રીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. એક કલાક બાદ બીજી આરતીમાં પીળા ચોખા અને દહીંનો ભોગ ધરાવાય છે. ત્રીજી આરતી બપોરે થાય છે. તેમાં ચોખા, છ દાળ અને મીઠાઈનો ભોગ ધરાવાય છે. સાંજે ચોથી આરતીમાં પૂરી-ચણા અને હલવાનો ભોગ લાગે છે. રાતે નવ લાગે શયન આરતી, સૌંદર્યલહરીનું ભજન અને સોળ શ્રૃંગાર થાય છે. ત્યાર બાદ મંદિરના પટ બંધ કરી દેવામાં આવે છે.
વર્તમાન મંદિરનું નિર્માણ મહારાજા રણજીત સિંહ અને રાજા સંસારચંદ્રએ 1835માં કરાવ્યું હતું. મુખ્ય મંદિર પાસે ગોરખનાથ મંદિર છે. તેની પાસે ગોરખ ડિબ્બી છે, જે એક કુંડ છે. કુંડનું પાણી ઉકળતું જોવા મળે છે. પરંતુ હકીકતમાં તે ઠંડું હોય છે.