શ્રી શુક્રદેવજી બોલ્યા, ખટ્વાંગથી દીર્ઘબાહુ, દીર્ઘબાહુથી રઘુ, રઘુથી અજ અને અજથી દશરથ થયા. રાજા દશરથને શ્રીહરિની કૃપાથી ચાર પુત્રો થયા રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. વાલ્મીકિજીએ રામાયણની કથામાં ખૂબ જ સુંદર રીતે આખીય વાતને કહી છે. પણ અહીં આપણે રામકથાનો ટૂંકસારનો ઉલ્લેખ કરી કથાને વળી આગળ ધપાવીશું. દશરથ રાજાના ચારેય પુત્રો યુવાન થયા. એકવાર વિશ્વામિત્ર ઋષિએ દશરથ રાજાને વિનંતિ કરી કે હે રાજન્! વનપ્રદેશમાં અસુરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે આથી અમે તમારા શૂરવીર પુત્રો રામ-લક્ષ્મણની મદદ માગીએ છીએ.
આ બંને વીર પુત્રો અસુરોનો સંહાર કરશે અને અમે અમારા યજ્ઞા, ધ્યાન અને પ્રભુસ્મરણનાં કાર્યો ર્નિિવઘ્ને કરી શકીશું. વિશ્વામિત્રની આ વાત સાંભળી પ્રથમ તો દશરથે ખૂબ જ નમ્રતાપૂર્વક વિશ્વામિત્રને ના કહી. પણ પાછળથી વશિષ્ઠ ઋષિની સમજાવટથી દશરથ રાજા રામને વિશ્વામિત્રની સાથે મોકલવા સંમત થયા. વનમાં અસુરો સાથે રામ-લક્ષ્મણે ખૂબ જ શૂરવીરતાથી યુદ્ધ કર્યું અને વનને અસુરોથી મુક્ત કરી તેમાં શાંતિ અને દિવ્યતાની સ્થાપના કરી.
વનમાંથી પાછા ફરી શ્રીરામ જનક રાજાની નગરીમાં પધાર્યા ત્યાં પરશુરામનું આપેલું શિવધનુષ તોડી સીતાજી સાથે લગ્ન કરી વાજતેગાજતે અયોધ્યા ફર્યા. રામચંદ્ર ભગવાનનાં સીતાજી સાથે લગ્ન થયાં. સમગ્ર અયોધ્યાની પ્રજા આનંદ અને ઉલ્લાસમાં છે. સૌ લગ્નની ઉજવણી કરે છે. પ્રત્યેક ઘરમાં મીઠાઈ-પકવાન બને છે. રાજા દશરથ પણ બ્રાહ્મણોને ખૂબ જ દાન-દક્ષિણા આપે છે. પ્રજાનો વેરો માફ કરે છે, સૌને ખૂબ રાજી કરે છે. થોડા દિવસો પછી દશરથે જયેષ્ઠ પુત્ર શ્રીરામને રાજગાદી સોંપવાની તૈયારીઓ આદરી.
શ્રીરામના રાજ્યાભિષેકની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રાજમહેલમાં પણ સૌનો હર્ષ સમાતો નથી ત્યારે દાસી મંથરાએ કૈકેયીની કાનભંભેરણી કરી. કૈકેયીની બુદ્ધિ પણ હવે વિપરીત કાર્ય કરવા લાગી. તેનું મન હવે બદલાયું છે, તેની નજરમાં ઈર્ષ્યાનાં પડળો ચડી ગયાં છે. કૈકેયીએ દશરથ પાસે પોતાનાં બે અનામત વચનોની માગણી કરી. કૈકેયી પહેલું વરદાન માગે છે કે રામને ૧૪ વર્ષ માટે વનવાસ થાય અને બીજું, મારા પુત્ર ભરતને રાજગાદી સોંપવી.
આ સાંભળી રાજા દશરથ બેશુદ્ધ થઈ જાય છે. સમગ્ર રાજમહેલમાં ઘેરા શોકનું વાતાવરણ ફેલાઈ જાય છે. આનંદ બધો વિષાદનું રૂપ લઈ લે છે પણ રામચંદ્ર ભગવાન તો મર્યાદા પુરુષોત્તમ છે. તેઓ પિતાજી અને પોતાના પરિવારને સમજાવે છે અને રામ, સીતા અને લક્ષ્મણ વન તરફ પ્રયાણ કરે છે. તેઓના પ્રયાણ બાદ શ્રીરામજીના આ વિયોગનું દુઃખ સહન ન થતા દશરથ રાજા પ્રાણ ત્યાગ કરે છે.