આપણી સંસ્કૃતિનું મહાપર્વ એટલે નવરાત્રી જે લઈને આવે છે આનંદ અને ઉલ્લાસ

કલા-શક્તિ અને શ્રદ્ધાના સથવારે દરેક જણ મંદિનોમાર ભૂલી જઈને નવરાત્રિમાં જાતને રિ-ચાર્જ કરવા લાગી જશે. આ દિવસોમાં કોઈનેય પણ નડયા વગર સૌ વાજિંત્રોના ઘોંઘાટમાં ગળાડૂબ બની આનંદની હેલીમાં ભીંજાઈ જશે. આ નવરાત્રિ સૌને ભીતરથી ભીંજવે છે. ને જે ભીતરથી ભીંજાય એની પાસે આનંદ અને ઉમંગ સદાય હાજર હોય. એટલે જ આ નવરાત્રિ સૌને અંતરથી અમીર કરી દે છે.

આમ ઉજાગરાની ફરિયાદ કરતાં લોકો ઉજાગરાનેય વહાલ કરે છે આ નવરાત્રિમાં નારી શક્તિ અને નારી સૌંદર્યનો જગતમાં ક્યાંય જોટો જડે તેમ નથી. મા અંબા ભવાની, જગદંબા, શક્તિ સ્વરૂપા, જગત જનની મૈયાના નવ દિવસના અલગ-અલગ સ્વરૂપોનો વિશેષ અર્થ રહેલો છે. નવરાત્રિમાં મબલખ સૌંદર્યને સજાવી-ધજાવી રાસ-ગરબાના તાલે. ઢળકતી, લચકતી, ઠૂમકતી, ઝૂમતીનારને જોઈને કોઈ પણ કલા પ્રેમી, ઉત્સવપ્રેમી અને શક્તિપ્રેમી માણસના હૈયામાં મન મોર બની થનઘાટ કરવા લાગે છે.

ગરવો ગુજરાતી અને ગરવો ગરબો એ હવે વિશ્વપ્રસિધ્ધ બની ગયા છે. આસોની આ અજવાળી રાત, નવ દિવસના મા ના પગલાં અને ગુણલા આધ્યાત્મિકતાની એક ઊંચાઈ પ્રાપ્ત કરાવે છે. ચાલો, આપણે સૌ સંયમીત રહી, વિવેકનો ઉપયોગ કરી, માણસાઈનો મલાજો રાખી નવરાત્રિના આ નવ દિવસના યજ્ઞાને ચાર-ચાંદ લગાવી દઈએ.

કારણકે સ્ત્રી એ એક શક્તિ છે માટે જ નારી શક્તિ બોલાય છે. આ નારી છે. એટલે જ આપણે છીએ. નારી શક્તિ વગર કશું જ નહીં. માં જગદંબાના ગુણલા ગાતાં, ગાતાં એની ભક્તિ કરતાં- કરતાં આપણા ઘરમાં રહેલી શક્તિ-સ્વરૂપા આપણી માં, આપણી પત્નિ, આપણી દિકરી તથા આપણી વહુની આંખ પણ હરખાય એનું પણ ધ્યાન રાખવું પડશે. જો એની આંખમાં ભીનાશ રહેશે તો આ ડુંગરાવાળી મા નારાજ થશે. અને આપણને ઠપકો આપશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer