ઈસુદાને કહ્યું આપની સરકાર આવશે તો કમલમવાળો કેસ પાછો ખોલાવીશું, ખોટી રીતે દાખલ કરવામાં આવ્યો હતો આ કેસ…

‘મુખ્યમંત્રીપદનો ચહેરો ઈશુદાન ગઢવી માત્ર નિમિત છે. વાસ્તવમાં ગુજરાતનો એકેએક નાગરિક આમ આદમી પાર્ટીનો (AAP) મુખ્યમંત્રીનો ચહેરો છે. કમલમવાળો કેસ તો ખોટી રીતે કરવામાં આવ્યો હતો. 107 પ્રમાણેના કેસ તો ખોટી રીતે થયા હતા. સીએમ બનવામાં એ મેટર તો કંઈ નડશે નહીં ને અમારી સરકાર બનશે તો હું જ એ કેસ ફરી ખોલાવીને કોણે કરાવ્યું એ બહાર લાવીશ.’ આ શબ્દો છે AAPના CM પદના ચહેરા ઈસુદાન ગઢવીના. તેમની સાથેની ખાસ વાતચીતમાં અંગત જીવનથી માંડીને પ્રજાના વિશ્વાસ સુધીની ઘણી પેટ છૂટી વાતો ઈસુદાને કરી હતી.

આ ચૂંટણીમાં તમને (AAP)ની સફળતાનો શો અંદાજ છે? પાર્ટીને કેટલી બેઠકો મળશે?

 મુખ્યમંત્રીપદનો ચહેરો ઈસુદાન ગઢવી માત્ર નિમિત છે. ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીનો એકે એક મુખ્યમંત્રીનો ચહેરો છે. અરવિંદ કેજરીવાલ પર ગુજરાતની જનતાએ વિશ્વાસ મૂક્યો છે. એમના ગેરન્ટી કાર્ડ પર વિશ્વાસ મૂક્યો છે. તમામ વર્ગના લોકો આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરશે તેનો મને પાક્કો વિશ્વાસ છે.

DB: ‘તમારી સામે ક્રિમિનલ કેસ છે તો શું ચૂંટણીપંચ તમને સીએમ થવા દેશે?’

ઈસુદાનઃ કમલમવાળો કેસ તો ખોટી રીતે કરવામાં આવ્યો હતો. 107 પ્રમાણેનો કેસ તો ખોટી રીતે થયા હતા. આમાં એ મેટર તો કંઈ નડશે નહીં. સવાલ એટલો છે કે, અમે મર્ડર કરવા તો નહોતા ગયા. ગુજરાતની જનતા માટે લડવા ગયા છીએ અને ખોટો પોલીસ કેસ કર્યો છે. એની કોર્ટમાં ખબર પડી જશે. આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો એ કેસ પાછો ખોલાવીશું. કોણે ધમકી આપી અને કોણે કરાવડાવ્યું એ બધી વિગતો બહાર આવશે. ભાજપે મને દારૂડિયો બતાવવાનો પ્રયાસ કર્યો એનો પણ એને જવાબ મળશે. ભાજપને આ વખતે ગામડામાં કોઈ ઘૂસવા નથી દેતું. ભાજપના પેજપ્રમુખો પણ આમ આદમી પાર્ટીમાં મતદાન કરાવશે.

DB: ‘પ્રજા શા માટે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરશે?’

ઈસુદાનઃ AAPએ અત્યાર સુધીમાં 118 ઉમેદવારો જાહેર કરી દીધા છે. ગુજરાતની જનતા અમારા ઉમેદવારોને પસંદ કરશે. ખેડૂતો ખેડૂત તરીકે, બેરોજગારો યુવાનો તરીકે, વેપારીઓ વેપારી તરીકે, મહિલાઓ મહિલા તરીકે મતદાન કરશે. આ વખતે ક્યાય જ્ઞાતિ-જાતિ-ધર્મ નહીં આવે, માત્ર કામની રાજનીતિ ચાલશે. પોતાના ટેક્સના રૂપિયાનો પોતાને કંઈ રીતે ફાયદો મળશે એ રીતની કામની રાજનીતિને સાથ આપશે એ મને પુરો વિશ્વાસ છે.

DB: ‘તમારી પાર્ટીએ ટિકિટ કયા માપદંડના આધારે આપી છે? અમુક તો ઉમેદવારો જ કહે છે કે અમે ટિકિટ માગી જ નથી તો તેના વિશે તમે શું કહો છો?’

ઈસુદાનઃ આમ આદમી પાર્ટીમાં સર્વેના આધારે ટિકિટ આપવામાં આવી છે. બધા લોકો ભેગા છીએ. કોઈ પણ જગ્યાએ ગરબડ નથી. દરેક લાયક ઉમેદવારને જ ટિકિટ અપાઈ છે.

DB: ‘તમારા મતે તમારી પાર્ટીનો સૌથી મજબૂત મુદ્દો કયો છે? જ્ઞાતિ કે રાજ્ય?’

ઈસુદાનઃ AAPની જ્યા એન્ટ્રી થાય છે ત્યાં જ્ઞાતિ-જાતિ-ધર્મ વર્ગ રહેતો નથી. માત્રને માત્ર કામની રાજનીતિ થાય છે. પંજાબ અને દિલ્હીનું ઉદાહરણ લઈ લો. આજે ગુજરાતની જનતા આમ આદમી છે. તેને ખબર છે કે, ઉદ્યોગપતિઓની સરકારો છે. ભાજપ છે એ ક્યારેય ખેડૂતોને ભાવ, પાણી અને વીજળી નહીં આપી શકે. ખેડૂતોને ઉલટાના લૂંટશે. ખેડૂતોને પૂછ્યા વિના તેમના ખેતરમાં થાંભલા નાખી દેશે. બેરોજગારોને ખબર છે કે જાહેરાતો ચૂંટણી પહેલા બહાર પાડશે પછી પેપર ફોડી નાખશે. આજે મહિલાઓ, વેપારીઓ અસુરક્ષિત છે. નાના ઉદ્યોગપતિઓને પરેશાન કરવામાં આવે છે. આ બધા લોકોએ નક્કી કર્યું છે કે, પરિવર્તન અને પરિવર્તન એટલે આમ આદમી પાર્ટી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer