કારતક મહિનો હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર મહિનો માનવામાં આવે છે આ ચાતુર્માસનો છેલ્લો મહિનો છે. આ મહિનામાં દેવ તત્વો મજબૂત હોય છે. આ મહિને ધન અને ધર્મ બંને સાથે સંબંધિત પ્રયત્ન કરવામાં આવે છે. આ કારણ છે કે આ મહિનો તુલસીનું રોપણ અને લગ્ન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારતક મહિનામાં દાનનું પણ ખાસ મહત્વ છે. આ મહિનામાં દીપદાન અને દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કારતક મહિનો હવામાન બદલાવવાનું પણ પ્રતીક છે તેથી આ મહિનો આવવાની સાથે જ જીવનશૈલી અને ખાનપાનમાં પણ પરિવર્તન આવે છે. ચાલો જાણીએ કારતક માસના વ્રત અને તહેવારો વિશે.
૧. કરકચતુર્થી
(કરવાચોથ)
કારતક વદ
ચતુર્થીને દિવસે કરકચતુર્થી અર્થાત્ કરવાચોથ તરીકે ઊજવાય છે. આ વ્રતમાં
શિવ-પાર્વતી, કાર્તિકસ્વામી
અને ચંદ્રમાનું પૂજન કરવામાં આવે છે. ખાસ કરીને સોહાગણ સ્ત્રીઓ અથવા નવવિવાહિતાઓ આ
વ્રત કરે છે. વ્રત કરનારી સ્ત્રી ‘ૐ નમ: શિવાય’થી શિવ તેમ જ ‘ષણ્મુખાય નમ:’થી કાર્તિક સ્વામીનું પૂજન કરીને
ચંદ્રમાને અર્ઘ્ય આપે છે અને પછી ભોજન કરે છે.
૨. તુલસી
વિવાહ
કારતક સુદ
અગિયારસથી પૂર્ણિમા સુધી કોઈપણ એક દિવસે કરવામાં આવે છે. શ્રીવિષ્ણુ એટલે કે
શાલિગ્રામનાં તુલસીજી સાથે વિવાહ કરવામાં આવે છે. આ માટે વિવાહને પહેલે દિવસે
તુલસી-વૃંદાને રંગીને સુશોભિત કરે છે. વૃંદામાં સાંઠા, ગલગોટાના ફૂલ ચડાવે છે તેમ જ મૂળિયે
આંબલી અને આમળા રાખે છે. આ વિવાહ સમારોહ સાંજના સમયે થાય છે.
૩. દેવદિવાળી
દેવદિવાળી
ઉત્તર ભારતમાં કારતક પૂર્ણિમા પર તથા દક્ષિણ ભારતમાં માગસર પૂર્ણિમા પર ઊજવવામાં
આવે છે.
૪. છઠ્ઠપર્વ
છઠ્ઠપર્વ
બિહાર, ઝારખંડ
અને પૂર્વ ઉત્તરપ્રદેશમાં સ્ત્રી-પુરુષો દ્વારા ખૂબ ધામધૂમથી તેમ જ શ્રદ્ધાપૂવક
ઊજવવામાં આવે છે. આ પર્વ વર્ષમાં બે વાર આવે છે પહેલું પર્વ ચૈત્ર સુદ છઠ્ઠને
દિવસે અને બીજું પર્વ કારતક સુદ છઠ્ઠને દિવસે આવે છે. કારતક માસમાં ઊજવાતું
છઠ્ઠપર્વ વ્યાપક રૂપમાં ઉજવાતું હોય છે. આ પર્વનું અનુષ્ઠાન ચાર દિવસોનું હોય છે.
સંપૂર્ણ કારતક માસ દરમિયાન ડુંગળી, લસણ જેવા તામસી પદાર્થો નથી આરોગતા. આ પર્વ કારતક સુદ ચોથથી આરંભ થાય છે. આમાં સૌથી પહેલાં પ્રાત: સ્નાન, પૂજા કરી લીધા પછી વ્રત કરનાર કાચા ચોખાનો ભાત, દેશી ઘીમાં તૈયાર કરેલી ચણાની દાળ અને દુધીનું શાક ગ્રહણ કરે છે. બીજા દિવસે, નિર્જળા ઉપવાસ કરીને સાંજે વ્રત કરનાર વ્યક્તિ રોટલી અને ગોળની ખીર બનાવે છે અને નૈવેદ્ય ચડાવીને ભોજન ગ્રહણ કરે છે. આ વિધિને ‘ખરણા’ કહે છે.