લીલા એ શ્રીકૃષ્ણની રચેલી એક માયાશક્તિ જ છે ભગવાનની આ લીલાઓ એટલી બધી અટપટી હોય છે કે ખુદ દેવતાઓ પણ તેનું રહસ્ય સમજી શક્તાં નથી. ખુદ દેવગણો પણ પ્રભુની લીલાથી મોહિત થયા છે, તો પછી ગોપીઓની તો શી વિસાત ? કોટિ કોટિ બ્રહ્માંડ જેનાં ચરણ- કમળોમાં ધૂળનાં રજકણો પેઠે નાચતાં રહે છે એવા ભગવાન શ્રીકૃષ્ણને કાળિયો, ચિત્તચોર, કાનુડો, ગોવાળિયો એવાં વિશેષણો ગોપીઓ જ આપી શકે. બીજાનું એ કામ નથી. ગોપીઓએ પોતાને શ્રીકૃષ્ણને સમર્પિત કરી હતી. તેની ભક્તિ શુદ્ધ હતી. મન કોરું હતું. મન ભીનું હોય અને ભક્તિ કરવા લાગે તો ધુમાડો નિર્માણ પામે.
શ્રીકૃષ્ણને પામવા માટે વ્રજનારીઓએ તેનું મન શ્રીકૃષ્ણને સમર્પણ કર્યું હતું. જ્યાં સમર્પણભાવ હોય ત્યાં જ પ્રેમ પ્રગટ થાય છે. વ્રજની વનિતાઓએ પોતાનું મન ભૌતિક- સુખસગવડોથી અને વાસનાથી મુક્ત કર્યું હતું. અને પોતાની જીવવાની પ્રત્યેક ક્રિયાઓમાં પ્રેમલક્ષણા ભક્તિને વણી લીધી હતી. ઊઠતા, જાગતા, બેસતાં કે ઘરનાં કામ કરતાં તેનું મન તેઓ ભગવાન શ્રીકૃષ્ણનાં નામસ્મરણમાં જ રહેતું હતું. તેથી જ પાતળિયો પરમેશ્વર તેમના પર હંમેશાં પ્રસન્ન રહેતો હતો અને તેની સાથે તન- મનથી બંધાઈ ઓતપ્રોત હતો.
કોટિ કોટિ બ્રહ્માંડ જેનાં ચરણકમળ ચૂમવા તત્પર થઈ રહેતું એવા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણને આહીરની એક છોકરી નાચ નચાવે છે વાહ ! કેવો અદ્ભુત પ્રેમ !! અનંત બ્રહ્માંડો જેના ઇશારે નાચી રહ્યાં છે એવા ભગવાન શ્રીકૃષ્ણને વ્રજની એક છોકરી નચાવે છે. એવી લીલા ભક્તકવિ રસખાનજીએ પ્રત્યક્ષ જોઈ હતી.
સમય અને સંશોધનની દૃષ્ટિએ આજથી ૫૨૪૨ વર્ષમાં એટલે ઇ.સ.પૂર્વે ૩૨૨૩ના કારતક વદિ પ્રતિપદા (એકમ)ના દિવસે શ્રીકૃષ્ણ ભગવાન જ્યારે ૫ વર્ષ ૩ મહિના અને ૧૧ દિવસના હતા ત્યારે તે નાની નાની પગલીઓ પાડતો નંદભવનમાંથી નીકળી નિકુંજ તરફ જઈ રહ્યો હતો. બરાબર આ સમયે જ આહીરની એક છોકરી છાશ લઈને રસ્તા પર જઈ રહી હતી. તેણે શ્યામસુંદરને જોયો. કનૈયાનું બાળસ્વરૂપ જોઈને તે મોહિત થઈ ઉઠી. બાળકનૈયાના સ્વરૂપનું જોઇને આહીરની એ છોકરી કહાના પાસે આવી ને બોલી : ‘લાલા ! તારે છાશ પીવી છે ? જો, મારી પાસેના આ છાલિયામાં છાશ ભરી છે. તારે આરોગવી છે ?’
બાળકનૈયાએ હા પાડી ત્યારે તે છોકરી બોલી : ‘લાલા ! તારે છાશ આરોગવી હોય તો પ્રથમ થોડું નાચવું પડશે. તું થોડું નાચી બતાવે તો તને છાશ આપું.’
પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણ નાના નાના ચરણારવિંદોથી કૂદકા મારવા લાગ્યા ને છુમક..છુમક.. નાચવા લાગ્યા.
ભગવાન શ્રીકૃષ્ણનો બાળનાચ જોઈને આકાશમાં દેવતાઓ ભેગા થઈ ગયા અને દદુંભિ- મૃદંગ વગાડવા લાગ્યા. પરમાત્મા ઉપર પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા.
રસખાનજી કહે છે કે જેમનું ગાન ત્રણલોકના દેવતાઓ જેવા કે નારદજી, ગાંધર્વો, શેષભગવાન, શંકર, ગણેશ, શુકદેવજી વગેરે ગાઈ શક્તાં નથી અથવા ગાઈ ગાઈને થાકી જાય છે, છતાં ભગવાનના ગુણનો પાર નથી પામી શક્તા. વેદ પણ જેને અનાદિ, અનંત, અખંડ, અછેજ અને અભેદ બતાવે છે તે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણને વ્રજની એક આહીરની છોકરી છાલિયામાં છાશ ભરીને પરમાત્માને લલચાવી નાચ નચાવે છે.
ભગવાન કનૈયાને ગોરસ બહુ ભાવે છે ગોરસ એટલે દૂધ, દહી, છાશ, માખણ વગેરે. ગોરસ જોઈને કનૈયો ઘેલો ઘેલો થઈ જાય છે. ભગવાન ઠાકોરજી ગોરસના જ ભૂખ્યા છે તેને છપ્પન ભોગ, માવા, મિસરી, પકવાન વગેરેની જરૃર નથી. આ વાત ગોપાંગનાઓ બહુ જ સારી રીતે જાણતી હતી. તેથી જ ગોરસને બહાને આહીર નારી ભગવાનને નાચ નચાવે છે.
છાશ જેવી ક્ષુલ્કવસ્તુ માટે ત્રિભુવનનો નાથ લટકા મટકા કરી નાચે અને એ પણ ગોકુળગામની એક ગોપરચીના ઇશારે ! એ વાત બહુ મોટી કહેવાય. અહીં ભગવાન છાશ માટે નાચ્યા ન હતા. પણ ગોપીની શુદ્ધ- પ્રેમલક્ષણાભક્તિ સામે પરવશ બનીને ગોપીને રાજી કરવા માટે જ નાચ્યા હતા. ભગવાન ગોપીના પ્રેમને વશ થયા હતા.
શ્રી મહાપ્રભુજી કહે છે કે, શાસ્ત્રોએ બતાવેલી નવધાભક્તિ, દસધા પ્રેમલક્ષણાભક્તિ હોવી જોઈએ અને તેમાં પ્રેમ-સ્નેહનું પ્રાધાન્ય છલકતું હોય અને ભગવદ્ સુખાર્થે થતી હોવી જોઈએ. તો જ ભગવાન રીઝે છે. વ્રજ-ગોપીઓની આવી જ ભક્તિ હતી.