શું તમે જાણો છો કૃષ્ણ જયારે દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે માતા કુંતીએ એમની પાસે શું માંગ્યું હતું ?

દ્વારકાનાથ શ્રીકૃષ્ણ દ્વારકા જવા તૈયાર થયા. પાંડવોનાં માતા કુંતાજીનું હૃદય દુઃખ અનુભવવા માંડયું. જે રસ્તે ભગવાનનો રથ જવાનો હતો, ત્યાં કુંતામાતા બે હાથ જોડી ઉભાં રહ્યાં. શ્રીકૃષ્ણ રથમાં ત્યાં આવ્યા. કુંતામાતાને જોયાં એટલે રથ ઉભો રાખી પ્રણામ કરી કહ્યું, ‘ફોઈબા ! માર્ગ વચ્ચે કેમ ઊભાં છો ? કુંતાજીની આંખોમાંથી ચોધાર અશ્રુ શરૂ થયાં. બોલી પણ ન શકાયું. શ્રીકૃષ્ણ રથમાંથી નીચે ઉતર્યા, કુંતાજીતો શ્રીકૃષ્ણને વંદન કરતાં રડતાં હતાં. શ્રીકૃષ્ણે કહ્યું,’ અરે ! ફોઈબા ! હું તો તમારા ભાઈનો દીકરો છું. તમે પ્રણામ કરો તે ન શોભે.’

કુંતામાતા રડતાં રડતાં હાથ જોડીને કહેવા લાગ્યાં, ‘આજે મને સમજાયું કે આપ ઇશ્વર છો. યોગીઓ આપનું ધ્યાન ધરે છે.  કુતામાતાની દાસ્યમિશ્રિત વાત્સલ્ય ભક્તિ છે.

કુંતામાતા શ્રીકૃષ્ણની સ્તુતિ કરતાં કહેવા લાગ્યાં, ‘હૈ પ્રભુ ! તમારે લીધે અમે સુખી થયાં. તમે અમને અગર્ણિત દુઃખોમાંથી ઊગાર્યા કૌરવોના કપટથી અમને બચાવ્યા. તમે ભરસભામાં દ્રૌપદીની લાજ રાખી. હે દ્વારકાનાથ ! અમારો ત્યાગ ન કરો. ભલે તમે દ્વારકા જાઓ..પણ મને એક વરદાન આપો. ‘કુંતામાતાએ માગેલું વરદાન આજદિન સુધી કોઈએ માગ્યું હોય તેવું જાણમાં નથી. તેવું તે અદ્ભૂત હતું. ન ભૂતો ન ભવિષ્યતિ..!

તેમણે માગ્યું કે: હે જગતના ગુરુ ! અમારા જીવનમાં ડગલે ને પગલે સદા વિપત્તિઓ આવતી રહો. કારણકે વિપત્તિઓમાં નિઃશ્ચર્યરૂપથી આપનાં દર્શન થાય છે. આપના દર્શન થયા પછી જન્મમૃત્યુના ચક્કરમાં આવવું પડતું નથી. ‘વિપત્તિમાં જ પ્રભુ સ્મરણ થાય તે ‘સંપત્તિ ગણાય. સસ્નેહ શ્રીકૃષ્ણે કહ્યું, તમે, આશું માંગો છો ? તમે ભાન તો નથી ભૂલ્યાંને ? સુખનો વારો આવ્યો ત્યારે તમે દુઃખ માંગો છો ?’

કુંતામાતા નમ્રતાથી પ્રેમભાવથી કહે છે, નાથ ! પ્રભુ ! હું જે માગું છું તે યોગ્ય જ છે. દુઃખ મારો ગુરુ છે. દુઃખમાં મનુષ્યોને ડહાપણ આવે છે. દુઃખમાં જીવને પરમાત્માના શરણે જવાની ઇચ્છા થાય છે. જે દુઃખમાં નારાયણનું સ્મરણ થાય છે. એ તો ‘સાચું સુખ’ કહેવાય. તેને દુઃખ કેમ કહેવાય ? વિપત્તિમાં મને તો તમારું સ્મરણ થાય છે તેને હું મારી સંપત્તિ ગણું છું.

આ પ્રકારનો તેજસ્વી પ્રસંગ આજના જીવાતા જીવનમાં પળેપળે જાગૃત કરનારો છે. જીવાતા જીવનમાં કષ્ટો- દુઃખો તો આવવાનાં જ. એને સ્વસ્થતાથી સ્વીકારી લેવાં પડે. કુંતામાતાની વિચાર સરણી પ્રમાણે  દુઃખોની પરિસ્થિતિને હકારાત્મક શક્તિશાળી વિચારોથી સ્વીકારવી પડે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer