જૂનાગઢ જિલ્લામાં એક યુવકને મહિલા સહિત ત્રણ વ્યક્તિએ હનીટ્રેપમાં ફસાવી પૈસાની માગણી કરાતાં પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી યુવકને છોડાવ્યો હતો. હનીટ્રેપ મામલે ઝડપાયેલી મહિલા ભૂતકાળમાં પણ હનીટ્રેપના કેસમાં સંડોવાયેલી હોવાનુ ખૂલ્યું છે.
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ધોળવા ગામના વતની ખેડૂત ભાવેશભાઈ રામજીભાઈ બારડ (ઉં.વ.35) ગઇકાલે જૂનાગઢ તરફ પોતાના બાઇક પર આવી રહ્યા હતા . આ દરમિયાન રસ્તામાં ભેંસાણ ચોકડી પાસે એક અજાણી મહિલાએ લિફટ માગી. તેને મદદ કરવા માટે બાઇક ઉપર બેસાડી જઇ રહ્યા હતા.
એ સમયે રસ્તામાં ડબલ બાઇક સવાર સવારે ભાવેશભાઇ પાસે આવી પોતે એલસીબી પોલીસના માણસો હોવાની વાત કરી પૂછપરછ કરી હતી. તમારી સાથે આ મહિલા કોણ છે ? કેમ બીજાની બૈરીને લઈને ફરો છો..? એવું જણાવી ભાવેશને બાઇક પર બેસાડી અપહરણ કરી લીધું હતું.
ત્યાં ભાવેશની ગેરકાયદે અટકાયત કરી મામલો પતાવવા પહેલા ત્રણ લાખની ખંડણી માગી અને રકઝકના અંતે રૂ.1.20 લાખ નકકી કરી ભાવેશનો સુરત ખાતે રહેતા ભાઈ મુકેશને ફોન કરી આંગડિયામાં સવા લાખની રકમ મોકલવા દબાણ કર્યું હતું.
એ સમયે મુકેશને શંકા જતાં તેને ગામના આગેવાન નટુભાઈ પોકિયાને વિગતો જણાવતાં તેમના મારફત સમગ્ર હકીકતની પોલીસમાં ફરિયાદ કરી હતી. પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતાં માહિતી મુજબ આરોપીઓ પૈકી ભરત ડાયાભાઇ પારઘી અગાઉ ધોરાજી ખાતે ઈંગ્લિશ દારૂ, હત્યાની કોશિશ સહિતના ગુનાઓમાં, અરવિંદ ગજેરા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં તેમજ જિન્નતબેન મકવાણા હનીટ્રેપના ગુનામાં પકડાયેલા હોવાની વિગતો સામે આવી હતી.