‘લોકડાઉનના સમયમાં ધંધા,રોજગાર સંપૂર્ણ રીતે બંધ હતાં. ઓનલાઈન બિઝનેસની સામે સ્થાનિક ધંધાઓ સતત ભાંગી રહ્યાં છે. ત્યારે સ્થાનિક ધંધાદારીઓ આત્મનિર્ભર બને તે માટે કામ કરવું જરૂરી હતું. આ વિચાર મૂર્તિમંત બનાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકલ વોકલને પ્રોત્સાહન આપવાની હાંકલ કરી અને અમે આ જ લોકલ વોકલ નામથી એક વેપારીઓનું ગ્રુપ બનાવ્યું.
આ ગ્રુપ છેલ્લા એક વર્ષ અને 3 મહિનાથી સતત સક્રિય પણે કાર્યરત છે. જેમાં અત્યાર સુધીમાં એકમેકને 60 કરોડનો વેપાર કરાવ્યો છે’-આ શબ્દો છે. લોકલ વોકલ ગ્રુપના યુવા સ્થાપક આકાશભાઈ વઘાસિયા અને સહકર્મી અજયભાઈ ઈટાલિયાના.
બન્ને મિત્રોએ પોતાના વ્યવસાયની સાથે વેપારીઓના હિત માટે શરૂ કરેલા લોકલ વોકલ ગ્રુપમાં આજે 600થી વધુ સ્થાનિક વેપારીઓ જોડાયેલા છે. લોકલ વોકલ ગ્રુપના સ્થાપક આકાશભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે, હું સામાન્ય ગરીબ પરિવારમાંથી આવું છે.
ગ્રેજ્યુએશન બાદ ટ્યુશન કરાવવાનું પણ શરૂ કરેલું. ત્યારબાદ અમે પેમ્ફલટ સહિતના વેચાણનું નવું કામકાજ શરૂ કર્યું. બાદમાં અમે પબ્લિસિટીના નાના મોટા કામ પણ રાખવા લાગ્યા હતાં. અમારો વ્યવસાય વ્યવસ્થિત ચાલતો એવામાં જ તરત કોવિડ લોકડાઉન આવી ગયું હતું.
એટલે ઘર બેઠા જ રોજ નવા નવા આઈડિયા શોધી રહ્યાં હતાં. એવામાં અમને અમારા વ્યવસાયની શરૂઆતમાં જે તકલીફ પડી હતી તેવી અન્ય લોકોને ન પડે તે કઈક કરવાનું મન થયું. તથા સૌ ઉદ્યોગકારો સાથે મળીને કંઈક સારો વ્યવસાય કરી શકે તે માટે અમે આ ગ્રુપ શરૂ કરવાનો વિચારણા કરી હતી.
અજયભાઈ ઈટાલિયાએ ઉમેર્યું હતું કે, લોકલવોકલ સ્ટાર્ટ અપ અને આંત્રપ્રિન્યોર્સ માટેનું એક અલગ જ બિઝનેસ મોડલ છે. પરંતુ કોરોના અને લોકડાઉનના છ મહિના લોકલ વોકલ ગ્રુપની મિટીંગ વીડિયો પ્લેટફોર્મ પર જ થતી હતી.
અમારી સાથે એ વખતે ઘણા ઉદ્યોગકારો અને દુકાનદારો જોડાય ગયા હતાં. એકબીજાના પરિચયમાં આવેલા ઉદ્યોગકારોને આ બિઝનેસ મોડલ સારું લાગતાં આજે 600થી વધુ લોકો ગ્રુપ સાથે સતત જોડાયેલા છે.