મહાભારતમાં પાને પાને આલેખાયેલાં વર્ણનો અને કથાનકો સાથે ધર્મ આલેખાયેલો છે. હવે પાંડવોના જુગાર રમવાની વાત. ધર્માત્મા યુધિષ્ઠિર જુગાર રમે છે, જુગારમાં પાંડવો સહિત દ્રોપદીને હારે છે, વનવાસ સ્વીકારે છે. વનવાસ દરમિયાન આ મુદ્દે ભીમ અને અર્જુન અને દ્રોપદી યુધિષ્ઠિરને અનેકવાર કટુવચનો કહે છે. ઘણી વાર તો આદરણીય, પૂજ્ય મોટાભાઈ યુધિષ્ઠરને ગાળો પણ બોલે છે. ધર્મના કારણે જેમનો રથ જમીનથી અદ્ધર ચાલતો હતો તે યુધિષ્ઠિર નીચી મૂંડીએ અપશબ્દો સાંભળે છે.
જાણે કે જુગારનાં પ્રાયશ્ચિત માટે, યુધિષ્ઠિર વનમાં અનેક ઋષિ-મુનિઓને મળે છે, તેમની સેવા પૂજા કરે છે, ધર્મતત્ત્વ, જીવન તત્ત્વનો તાગ મેળવવા પ્રયત્ન કરે છે. યુધિષ્ઠિર સહિત પાંડવોના એ નિષ્ઠા પૂર્વકના પ્રયત્નોને કારણે જ તેઓ વનવાસમાં માંહેમાહે લડવાને બદલે, ભાંગી પડવાને બદલે, અનેકગણા શસક્ત થઈને બહાર આવે છે, અધર્મી કૌરવોનો, જીવન માંથી અધર્મનો, નાશ કરવા માટે અથાગ પ્રયત્નો કરવા પડે છે, અપમાનો સહેવાં, વન-વન ભટકવું, અખંડ ધૈર્યનો પરિયચ આપવો જરૂરી બની જાય છે.
શ્રીકૃષ્ણને પોતાના સારથિ બનાવવા કાંઈ એમ નેમ રેઢાં પડ્યાં નથી. આખરે પાંડવોની કથા નબળા મનના માનવીઓ માંથી અતિમાનુષ, ધર્મપુરુષ બનવાની યાત્રા છે. એ કંઈ દેવતાઈ વાર્તા નથી કે એમાં લગામ ઇશ્વરના હાથમાં જ હોય અને પાંડવો જુગાર જેવું ખોટું કૃત્ય કરવા ધારે તો પણ ભગવાન તેમ ન થવા દે. મહાભારત ધર્મતત્ત્વને પામવા માટેની મથામણોની યાત્રા છે. એ યાત્રાને પાંડવો સુપેરે પાર પાડે છે ત્યારે ભગવાન પોતાની ખુદની પ્રતિજ્ઞા તોડી પાંડવોને રક્ષવા ચક્ર લઈ દુશ્મન સેના સામે ધસે છે. ધર્મગ્રંથો સ્થૂળ બુદ્ધિથી સમજાય તેવા નથી, એને સમજવા માટે વિનય, વિવેક સાથેનો અભ્યાસ જોઈએ. કેમકે એ ગ્રંથો હજારો-લાખો વર્ષની ઉત્ક્રાંતિની સફરના રહસ્યને વણીને રચાયેલાં છે.
મહાભારતના સભાપર્વમાં દ્યૂત માટે પાંડવોને આમંત્રણ આપતાં પહેલાં દુર્યોધન, ધૃતરાષ્ટ્ર, શકુનિ, વિદૂર વચ્ચે મંત્રણા થાય છે. એ વિશદ મંત્રણાના અંશો(નોંધઃ માત્ર આ અંશોના આધારે કોઈ પાત્ર વિશે મત બાંધવો ઠીક નથી):રાજસૂય યજ્ઞ સમયે યુધિષ્ઠિરની જેટલી સંપત્તિ જણાતી હતી, તેટલી દેવરાજ ઇન્દ્રની નહોતી, યમની નહોતી, વરુણની નહોતી અને ગુહ્યકોના અધિપતિની પણ નહોતી. પાંડુપુત્રની તે મહાલક્ષ્મીને જોઈને હું મનમાં બળી રહ્યો છું. મને જરા પણ શાંતિ વળતી નથી.
દુર્યોધન પાંડવ પાસે તે જે અતુલ લક્ષ્મી જોઈ છે, તે મેળવવાનો ઉપાય મારી પાસેથી તું સાંભળ. હે ભારત, આખી પૃથ્વીમાં હું પાસાંઓ નાખવામાં પ્રસિદ્ધ કુશળ છું. પાસો જય આપશે કે પરાજય તે હું જાણું છું, પાસાંમાં દ્રવ્યનો ઉપયોગ કરી જાણું છું, તેમજ દિશા તથા કાળની અનુકૂળતા ઇત્યાદિ વિશેષતાને પણ જાણું છું. યુધિષ્ઠિરને દ્યૂત રમવાનો શોખ છે, પણ તેમને બાજી રમતાં આવડતી નથી. દ્યૂત રમવા માટે તેને તેડવામાં આવતાં તે ચોક્કસ આવી પહોંચશે. હે વિભુ, હું કપટ કરીને તેને અવશ્ય હરાવીશ અને તે દિવ્ય સમૃદ્ધિને જીતી લઈશ, માટે તું એને બોલાવ.