પુરાણોમાં બતાવ્યા પ્રમાણે મહર્ષિ વાલ્મીકિને કઠોર તપસ્યા કરી મહર્ષિનું પદ પ્રાપ્ત કર્યું હતું. પરમ પિતા બ્રહ્માના કહેવાથી તેમને ભગવાન શ્રીરામના જીવન પર આધારિત રામાયણ નામના મહાકાવ્યની રચના કરી હતી. ગ્રંથોમાં તેમને આદિકવિ કહેવામાં આવ્યા છે. તેમના દ્વારા રચિત આદિકાવ્ય શ્રીમદવાલ્મિકીય રામાયણ સંસારનું સર્વ પ્રથમ કાવ્ય માનવામાં આવ્યું છે.
ધર્મગ્રંથો પ્રમાણે મહર્ષિ વાલ્મીકિ પૂર્વ જન્મમાં રત્નાકર હતા. તેઓ પોતાના પરિવારનું પાલન-પોષણ કરવા માટે લૂટ-ફાટ કરતાં હતા. એક વાર તેમને નિર્જન વનમાં નારદ મુનિ મળ્યાં. જ્યારે રત્નાકરે તેમે લૂંટવાની ઈચ્છા જણાવી તો તેમને રત્નાકરને પૂછ્યું કે આ કામ તું કોની માટે કરે છે? ત્યારે રત્નાકરે જવાબ આપ્યો કે પોતાના પરિવારના ભરણ-પોષણ માટે.
નારદ મુનિએ પ્રશ્ન પૂછ્યો કે આ કામના ફળસ્વરૂપ જે પાપ તને થશે, શું તેનો દંડ ભોગવવામાં તારા પરિવારવાળા તારો સાથ આપશે ? નારદ મુનિના પ્રશ્નનો જવાબ જાણવા માટે રત્નાકર પોતાના ઘરે ગયો.
પરિવારવાળાને પૂછ્યું કે મારા દ્વારા કરવામાં આવતા કામના ફળસ્વરૂપ મળતા પાપના દંડમાં શું તમે મારો સાથ આપશો ? રત્નાકરની વાત સાંભળીને બધાએ ના પાડી દીધી.
રત્નાકરને પાછા આવીને આ વાત નારદ મુનિને જણાવી. ત્યારે નારદ મુનિએ કહ્યું કે- જે લોકો માટે તુ ખરાબ કામ કરે છે જો તે જ તારા પાપમાં ભાગીદાર બનવા માંગતા ન હોય તો પછી તુ આ પાપકર્મ શા માટે કરે છે?
નારદ મુનિની વાત સાંભળીને તેના મનમાં વૈરાગ્યનો ભાવ આવી ગયો. પોતાના ઉદ્ધારનો ઉપાય પૂછ્યો ત્યારે નારદ મુનિએ તેમને કહ્યું કે રામ નામનો જાપ કર. રત્નાકર વનમાં એકાંત સ્થળે બેસીને રામ-રામ જાપ કરવા લાગ્યો. અનેક વર્ષો સુધી કઠોર તપ કર્યા પછી તેમના આખા શરીર પર કીડીઓએ રાફડો બનાવી દીધો હતો, તેને લીધે તેમનું નામ વાલ્મીકિ પડ્યું. કાળાંતરે મહર્ષિ વાલ્મીકિએ રામાયણ મહાકાવ્યની રચના કરી.
ક્રોંચ પક્ષીની હત્યા કરનાર એક શિકારીએ તેમને શ્રાપ આપ્યો હતો ત્યારે તેમના મુખે અચાનક એક શ્લોકની રચના થઈ ગઈ હતી. તેમના આશ્રમમાં બ્રાહ્મજીએ પ્રગટ થઈને કહ્યું કે મારી પ્રેરણાથી જ આવી વાણી તમારા મુખેથી નિકળી છે. એટલા માટે તમે શ્લોક રૂપમાં જ શ્રીરામના સંપૂર્ણ ચરિત્રનું વર્ણન કરો. આ પ્રકારે બ્રહ્માજીના કહેવાથી મહર્ષિ વાલ્મીકિએ રામાયણ મહાકાવ્યની રચના કરી.