નવરાત્રિમાં દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માં દુર્ગાને મહિષાસુરમર્દિની પણ કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં મહિષાસુર નામનો અસુર રાજા હતો. તેણે સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું અને દેવતાઓને પરાસ્ત કરી દીધા હતાં. મહિષાસુરનો સ્વર્ગ ઉપર અધિકાર થઇ ગયો. પરાજિત થયાં બાદ બધા જ દેવતાઓ શિવજી અને વિષ્ણુજી પાસે મદદ માંગવા પહોંચ્યાં હતાં. ત્યારે શિવજી અને વિષ્ણુજી મહિષાસુર ઉપર ગુસ્સે થઇ ગયાં હતાં. તેમના અને બધા જ દેવતાઓના ગુસ્સાથી એક તેજ પ્રગટ થયું. આ તેજ એક નારી સ્વરૂપમાં બદલાઇ ગયું હતું.
બધા જ દેવતાઓ દિવ્ય શક્તિઓ આપીઃ-શિવજીએ દેવીને ત્રિશૂળ આપ્યું, અગ્નિદેવે તેમની શક્તિ આપી, વિષ્ણુજીએ દેવીને સુદર્શન ભેટ કર્યું. વરુણદેવે શંખ, પવનદેવે ધનુષ અને બાણ, ઇન્દ્ર દેવે વજ્ર અને ઘંટ ભેટ આપ્યું. યમરાજે કાલદંડ, દક્ષે સ્ફટિકની માળા, બ્રહ્માએ કમંડળ, સૂર્ય દેવે તેજ ભેટ આપ્યું. સમુદ્રદેવે દેવીને બધા આભૂષણ ભેટ આપ્યાં. સરોવરે ક્યારેય કમરાય નહીં તેવી માળા, કુબેર દેવે મધથી ભરેલું વાસણ અને પર્વતરાજ હિમાલયે સવારી કરવા માટે શક્તિશાળી સિંહ પ્રદાન કર્યો. આ પ્રકારે દેવતાઓની શક્તિઓ મેળવીને દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. ત્યાર બાદથી જ દુર્ગાને મહિષાસુરમર્દિની કહેવામાં આવે છે.
દેવતાઓના તેજથી નારીનું આખું સ્વરૂપ બન્યું-શિવના તેજથી દેવીનું મુખ બન્યું. યમરાજના તેજથી વાળ, વિષ્ણુના તેજથી હાથ બન્યાં, ચંદ્રના તેજથી છાતી બની. સૂર્યના તેજથી દેવીના પગની આંગળી બની. કુબેરના તેજથી નાક અને પ્રજાપતિના તેજથી દાંત બની ગયાં હતાં. અગ્નિના તેજથી ત્રણ આંખ બની હતી. સંધ્યાના તેજથી ભમ્મર અને વાયુના તેજથી કાન બન્યાં હતાં.