મહુડીમાં મૂળનાયક પદ્મપ્રભુ જિનેશ્વર ભગવાનનું ૨૪ તીર્થંકર ભગવંતની દેરી સહિતનું જિનાલય આવેલું છે. આ મંદિરની પ્રતિષ્ઠા યોગનિષ્ઠ આ.ભ.શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજીના હસ્તે કરવામાં આવી હતી.
જૈનશાસનના બાવન વીરો પૈકી ત્રીસમા વીર ઘંટાકર્ણ મહાવીર દેવની પ્રતિષ્ઠા પણ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજીએ કરેલ છે. આમ, મહુડીમાં તીર્થકર ભગવાનનાં દર્શનની સાથે ધનુર્ધારી ઘંટાકર્ણ મહાવીરનાં દર્શન અને અહીંનો સુખડીનો પ્રસાદ ભાવિકો માટે સંભારણું બની રહે છે.
આ પ્રસાદ ઘરે કે મંદિરની બહાર લઇ જઇ શકાતો નથી તે પણ એક વિશેષતા છે. આ યાત્રાધામ જૈનોનાં ર૪ તીર્થક્ષેત્રમાંનું એક છે અને તે પણ પોતાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ જૈનમંદિરનું સંકુલ બે કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું છે.
અહીંયાં ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે. જેની ટોચે સોનાનો કળશ છે. આ આખું મંદિર આરસપહાણથી બનેલું છે અને અહીંયાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. જૈનમુનિઓ, યતિઓ, શ્રી પૂજકો, શ્રાવકો, ઘંટાકર્ણ વીરના મંત્ર જપે છે અને તેમની આરાધના કરે છે.
ઐતિહાસિક માહાત્મ્ય: મહુડીમાં શ્રી પદ્મપ્રભુના અધિષ્ઠાયક તરીકે શ્રી ઘંટાકર્ણ મહાવીરની સ્થાપના કરી છે. તે પ્રભુભક્તોને સહાયકારી થાય છે. તે બાબતના અનેક ચમત્કારો સંભળાય છે. ઘંટાકર્ણ મહાવીર દેવ પહેલાં પૂર્વ ભવમાં એક આર્ય રાજા હતા. તે સતીઓનું, સાધુઓનું તેમ જ ધર્મી મનુષ્યોનું રક્ષણ કરવામાં જીવન ગાળતા હતા. દુષ્ટ રાક્ષસ જેવા મનુષ્યોના હુમલાઓથી પ્રજાનું રક્ષણ કરતા હતા. તેમને સુખડી પ્રિય હતી.
તેઓ અતિથિઓની સેવાભક્તિ કરતા હતા અને ઘણા શૂરા હતા. અમદાવાદથી ૮૦ કિમી દૂર વીજાપુર પાસે મહુડી ગામે આવેલું આ તીર્થક્ષેત્ર ર૦૦૦ વરસ જેટલું પ્રાચીન હોવાનું મનાય છે. આ તીર્થસ્થાન ચમત્કારી ગણાય છે અને ભક્તજનોની આશાઓ અહીં પૂર્ણ થાય છે.
મહુડીથી ૧.પ કિમી દૂર સાબરમતી નદીને કિનારે એક ટેકરી ઉપર કોટયાર્ક મંદિરની પ્રાચીન કલાપૂર્ણ પ્રતિમાઓ તથા અવશેષ દૃષ્ટિગોચર થાય છે. શ્રી શાંતિનાથ પ્રભુની પંચધાતુથી બનાવેલી જટાયુક્ત, રેડિયમ જેવાં નેત્રો વાળી સાડાચાર ફૂટ ઊંચી પ્રતિમાનાં દર્શન કરવા દુર્લભ છે.
શ્રી અજિતનાથ ભગવાનની કાયોત્સર્ગ મુદ્રાની પ્રતિમા દર્શન કરવા જેવી છે. બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ અહીં ધ્યાન ધરતા હતા. જૈન અને જૈનેતર લોકો પણ ઉત્તર ગુજરાતના મહુડી ખાતે આવેલા પ્રસિદ્ધ ઘંટાકર્ણ મહાવીરના વિશેષ પૂજન કરીને તેમની વિશેષ ઉપાસના કરે છે અને વિશેષ હોમ પણ અર્પણ કરાય છે. મહાપરાક્રમી ઘંટાકર્ણ મહાવીરને મઢાવેલો સોનાનો વરખ માત્ર આ જ દિવસે બદલવામાં આવે છે. મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ સુપ્રસિદ્ધ મંદિરનો ઇતિહાસ જોઇએ તો સેંકડો વર્ષ પૂર્વે પ્રાચીન મહુડી ગામમાં પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું.
સાબરમતી નદીના પ્રચંડ પૂરને કારણે મહુડી ગામમાં ભય ફેલાતાં જૈન અગ્રણીઓએ નવું ગામ વસાવી ત્યાં વસવાટ કરી નૂતન જિનાલય બનાવી મૂળ નાયક પદ્મપ્રભુસ્વામી, આદેશ્વરસ્વામીની પ્રતિષ્ઠા સવંત ૧૯૭૪માં માગશર સુદ ૬ના દિવસે આચાર્ય બુદ્ધિસાગર સૂરિશ્વરજી દ્વારા કરવામાં આવી તથા પૂ.ગચ્છાધિપતિ કૈલાસસાગર સૂરિશ્વરજી અને પૂ. સુબોધસાગર સૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં ૨૭ જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું અને ત્યારથી આ ભવ્ય તીર્થનો વિકાસ થયો. ગુજરાતનાં મહત્વનાં દર્શનીય અને પવિત્ર તીર્થધામો પૈકીનું એક જૈનધર્મનું મહુડી છે. આ તીર્થ સુખડીના પ્રસાદ માટે જાણીતું છે. સુખડીનો પ્રસાદ બહાર લઈ જઈ શકાતો નથી એવી માન્યતા છે. કાળી ચૌદસના હવનમાં દર વર્ષે બે લાખ શ્રદ્ધાળુ જોડાય છે.