વિશ્વ આખામાં આજે અરવો-ખરવો મંદિરો નિર્માણ પામી રહ્યાં છે, રોજ એકાદ બે મંદિરો નિર્માણ પામી રહ્યાં છે. જો મંદિરોમાં કોઈ અલૌકિક ખેંચાણશક્તિ ન હોય તો લોકો મંદિરનિર્માણની પાછળ અઢળક નાણાનો ધુમાડો શા માટે કરે ? મંદિર એ શાંતિનો સંદેશ અને ધાર્મિક- સંસ્કૃતિની ઝાંખી કરાવતું આદ્યાત્મિક કેન્દ્ર છે. મંદિર માથે ફડાકા મારતી ઘજા પોતાના ફરફરાટ દ્વારા શરીરમાં રહેલા આસુરી તત્ત્વોને લપડાક મારી તેને દૂર કરવાનો સંદેશ આપે છે. સાંકેતિક રીતે માનવને સમજાવે છે.
માણસને માનસિક શાંતિની શક્તિ આપનાર જો કોઈ સાધન હોય તો તેનું નામ છે મંદિર, હવેલી, પાટ-ઓટા અને ધાર્મિકઆશ્રમો. ચિત્તને સ્થિર રાખનાર સાધન એ દેવાલય જ છે. આ દેવાલય- મંદિરે જ માણસને મૂળથી મઠાર્યો છે, અને ભારતીય પરંપરાગત સંસ્કૃતિએ માણસને સંવાર્યો છે. મંદિર, હવેલી કે ધાર્મિકજગ્યામાં જવાથી મનની મલિનતા સાફા થાય છે. ચિત્તની વૃત્તિઓ પર અંકુશ આવે છે અને મંદિરમાં એકઠા થયેલા ભકતગણો સાથે ગાઢ ઐક્ય પેદા થવાથી સમાજની સમરસતા જળવાય છે ને બંધુત્વભાવ જાગે છે.
મન હોય કે ન હોય. દિવસમાં એક વખત મંદિરે જવું જ જોઈએ. મંદિરોમાં માત્ર ભગવાન જ હોય છે એવું નથી. ત્યાં ઘણું બધું હોય છે. ભક્તજનોમાં ઊછાળા મારતી શ્રદ્ધા હોય છે. ધર્મના લહેરાતા ધાર્મિકભાવ હોય છે. ચિત્તને શાંત કરતાં ભક્તિગાન હોય છે. શરીર મિથ્યા છે. ઇશ્વર જ સત્ય છે એવો બોધ આપતું શાંત વાતાવરણ હોય છે.
મનથી મંદિરે જવાવાળા બહુ ઓછા હોય છે. દેખાદેખીને કારણે મંદિરે જવું એ પણ લાંબા-ગાળાનો લાભ છે. આનાથી નિયમિત મંદિરે આવવાની એક ટેવ પડી જશે. એ ટેવ જ એક દિવસ હૃદયને પવિત્ર કરવાવાળી વસ્તુ બની જશે.
મંદિરોમાં થતી સામૂહિક પ્રાર્થના અને ઘરમાં કરાતી પ્રાર્થનાનો ઉદેશ ભલે એક જ હોય. પરંતુ મંદિરોમાં થતી પ્રાર્થનામાં એક પ્રકારની ગૂઢ શક્તિનો સંચાર છે. ઇશ્વર સુધી દોરી જતા સૂક્ષ્મ તરંગો છે. મંદિરોમાં સૂક્ષ્મ પ્રાર્થના છે. જ્યારે ઘરમાં થતી પ્રાર્થના એ સ્થૂળ પ્રાર્થના છે. સ્થૂળ પ્રાર્થના સૂક્ષ્મ પ્રાર્થનામાં કેવપ્રીતે પ્રવેશી શકે છે ?
અજ્ઞાાનનો નાશ કરી પરમાત્માને પ્રાપ્ત કરવાની વિદ્યા નિશાળો આપતી નથી. એ વિદ્યા મંદિરોમાં થતા સત્સંગ, કથા અને કીર્તનો વગેરે આપે છે. પંચમહાભૂતોમાંથી બનેલા જડપદાર્થો, સજીવ અને નિજીધ એ પરમાત્મામાંથી જ ઉત્પન્ન થયા છે. અને પરમાત્મા થકી જ ટકી રહ્યા છે. અંતે તો જીવને પરમાત્માની અંદર જ વિલીન થવું પડે છે. એ પરમાત્મા આત્મામાં બેઠો છે ને તેની પ્રતિકૃતિઅંશ મંદિરોમાં ઝબકી રહી છે.
સારાં કૃત્યો કરવાં, ખોટાં કૃત્યો ન કરવાં. આ બે જ બોધ મંદિરો આપી રહ્યા છે. જે માણસો પરમાત્મામાં વિશ્વાસ નથી કરતાં એ માણસો ભજન-કીર્તનમાં પણ કદી લાગી શક્તાં નથી. મંદિરે જઈ શક્તાં નથી કે ઇશ્વરસ્મરણ પણ કરતાં નથી. આ લોકો દેહાભિમાનના જોરે કૂદયાં કરે છે. આધ્યાત્મિક ભાવ વિના કોઈ માણસ કેવળ બુદ્ધિવાદથી ઇશ્વરનો મહિમા કે તેનો પત્તો મેળવી શક્તો નથી. ભગવાનના ચરણોમાં પોતાને સર્વભાવે અર્પણ કર્યા વિના માનવજન્મ નિષ્ફળ જાય છે.