ભગવાન શિવજીએ મહર્ષિ માર્કણ્ડેય પર પ્રસન્ન એમને દીર્ઘ આયુષ્ય પ્રદાન કર્યું હતું

ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ્ શરણાગતમ્ । જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિત કર્મબન્ધનૈ ।।

ઓમ  ત્ર્યમ્બક યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ । ઉર્વારુકમિવ બન્ધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ ।।

‘ હે મૃત્યુંજય, હે મહાદેવ ! શરણે આવેલા મારૂ તમે રક્ષણ કરો. મને જન્મ, મરણ, ઘડપણ, રોગ પીડા અને કર્મના બંધનોમાંથી છોડાવો.” જીવમાત્રના કલ્યાણકારી, પોષક પાલક અને મધુર એવા ભગવાન ત્રિલોચન શિવજીને અમે ભજીએ છીએ. જેવી રીતે ચિભડાને તેના(વેલા સાથેના બંધનમાંથી) મુક્ત કરવામાં આવે છે, તેવી રીતે અમરત્વની પ્રાપ્તિ માટે મૃત્યુમાંથી અમને મુક્ત કરો ‘

માર્કણ્ડેય મુનિ માત્ર સોળ વર્ષનું જ આયુષ્ય લઈને જન્મ્યા હતા પણ શિવભક્તિથી પ્રાપ્ત થયેલા વરદાનને કારણે તે ચિરંજીવી બની ગયા. પૂર્વે મૃગશ્રૂંગ નામના એક બ્રહ્મવાદી ઋષિ હતા. ત્યાં એક પુત્રનો જન્મ થયો. જન્મ બાદ એમનો પુત્ર વારંવાર શરીર ખંજવાળ્યા કરતો હતો એટલે મૃગશ્રૂંગે તેનું નામ મૃકણ્ડુ રાખી દીધું હતું. મૃકણ્ડુ બુદ્ધિમાન, તેજસ્વી, વેદ અને વિદ્યામાં પારંગત હતો.

તેનામાં અનેક ઉમદા ગુણો હતા. યોગ્ય ઉંમર થતાં પિતાની ઇચ્છા અનુસાર તેણે મૃદગુલ મુનિની કન્યા મરુદ્રવતી સાથે લગ્ન કર્યા હતા. એમનું પ્રસન્ન દાંપત્ય પ્રેમ, સુખ અને શાંતિમય રીતે પસાર થતું હતું. પણ લગ્ન કર્યા બાદ સારો એવો સમય વીતવા છતાં એમને ત્યાં સંતાનનો જન્મ ના થયો એટલે એ દંપતીએ ભગવાન શિવનું કઠોર તપ કર્યું. એનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને એમને દર્શન આપીને કહેવા લાગ્યા- હે મુનિ, હું તમારી તપશ્ચર્યાથી સંતુષ્ટ થયો છું. તમને કયું વરદાન આપું ?’

મૃકણ્ડુ અને મરુદ્રવતીએ ભગવાન શિવને કહ્યું- હે પ્રભુ, અમને સંતાન રૂપે પુત્ર પ્રાપ્તિ થાય એવું વરદાન આપો. આ સાંભળી ભગવાન શિવજીએ કહ્યું- હે તપસ્વી દંપતી, તમારે દીર્ઘ આયુષ્યવાળો સામાન્ય, ગુણરહિત પુત્ર જોઈએ છે કે ઓછા આયુષ્યવાળો મેઘાવી, ગુણવાન પુત્ર જોઈએ છે ? દંપતી થોડીવાર તો મુંઝાયા. પછી અરસ-પરસ વાત કરી, નિર્ણય કરી કહેવા લાગ્યાં- હે પ્રભુ , અમારે તો અત્યંત મેઘાવી અને ગુણવાન તથા મહાન કીર્તિ પ્રાપ્ત કરે એવો પુત્ર જોઈએ છીએ.’

આ સાંભળી ભગવાન શિવજીએ એમને’તથાસ્તુ’ કહીને વરદાન આપી દીધું. ભગવાને તેમને કહ્યું- ‘ તમે માંગ્યો એવો જ પુત્ર તમારે ત્યાં જન્મશે. પણ એનું આયુષ્ય સોળ વર્ષનું જ રહેશે. પુત્રનું આયુષ્ય આટલું બધું ઓછું હશે એવી એમને કલ્પના નહોતી. પણ ભગવાન શિવ તો વરદાન આપી અંતર્ધાન થઈ ગયા હતા. તેમણે એ બાળકનું નામ માર્કણ્ડેય રાખ્યું. તે બાળપણથી જ પરમ પ્રજ્ઞાાવાન, મહામેઘાવી, જ્ઞાાની અને સદ્ગુણ સંપન્ન હતો.

આ રીતે પંદર વર્ષ તો ક્યાં વીતી ગયા એ ખબર ના પડી. એમને સોળમું વર્ષ બેઠું એ જ દિવસથી એમના માતા-પિતા અત્યંત ચિંતિત અને દુઃખી રહેવા લાગ્યા. માર્કણ્ડેયે તેનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો. પહેલા તો તેમણે તે જણાવ્યું નહીં. પણ બહુ જીદ કરી ત્યારે કહ્યું-‘ ભગવાન શિવજીએ તારું આયુષ્ય સોળ વર્ષનું જ આપ્યું છે.

એટલે અમે ઉદાસ છીએ.’ આ સાંભળી તેમણે કહ્યું – ‘ તમે ચિંતા કે શોક ન કરશો. હું ભગવાન શંકરનું તપ કરીને એમને રીઝવીને દીર્ઘાયુ પ્રાપ્ત કરી લઈશ.’ તે પછી તે જંગલમાં જતા રહ્યા અને ત્યાં કઠોર તપ કરી ભગવાન શિવજીની અનન્ય પૂજા- અર્ચના કરવા લાગ્યા. ત્યાં શિવલિંગ પ્રસ્થાપિત કરી એની ભક્તિપૂર્વક આરાધના કરી તે દિવસો પસાર કરવા લાગ્યા.

નિશ્ચિત સમયે તેમના પ્રાણ હરવા કાળરૂપે યમરાજા આવ્યા મહર્ષિ માર્કણ્ડેયે તેમને વિનંતી કરી-‘ હું ભગવાન શિવની સ્તુતિ કરી રહ્યો છું. તે પૂરી થઈ જવા દો. એ પછી તમને યોગ્ય લાગે તો મારા પ્રાણ હરી લેજો.’ યમરાજે કહ્યું- ‘ જીવનની અવધિ પૂરી થાય તે પછી એક પળ પણ હું વધારાની આપી શકું નહીં. તમારે અત્યારે જ આ શરીર છોડી મારી સાથે યમલોક આવવું પડશે.’ એમ કહી એમના પ્રાણ હરવા લાગ્યા ત્યારે મહર્ષિ માર્કણ્ડેયે તેનાથી બચવા. તેના વિરોધમાં શિવલિંગને બાથ ભરી દીધી.

એમ છતાં યમરાજ એમને ત્યાંથી ખેંચવા લાગ્યા ત્યારે ભગવાન શિવજીએ શિવલિંગમાંથી પ્રકટ થઈ એમને લાત મારી તો એ દૂર ફંગોળાઈ ગયા. આદિદેવ, મહાદેવ, મૃત્યુંજય ભગવાનને સ્વયં પધારેલા જોઈ યમરાજે એમને વંદન કર્યા અને સ્તુતિ કરી. મહાદેવે યમરાજને કહ્યું-‘ મેં મહર્ષિને દીર્ઘાયુ પ્રદાન કર્યું છે તો હવે તમે તમારા લોકમાં જાઓ.યમરાજ ત્યાંથી યમલોકમાં પાછા ફરી ગયા.

ભગવાન શિવે એમની ભક્તિથી પ્રસન્ન થઈ એમને અનેક કલ્પ પર્યંતનું દીર્ઘાયુ, ચિરકાલીન આયુષ્ય પ્રદાન કર્યું. મહર્ષિ ત્યાંથી પોતાને ઘેર પાછા આવ્યા અને માતા-પિતાને આ વરદાનની જાણ કરી નિશ્ચિત કર્યા. મારકણ્ડા નદીના તટ પર કુરુક્ષેત્રમાં માર્કણ્ડેયે ભગવાન વિષ્ણુની ઉત્કટ ઉપાસના કરી હતી. પાર્વતી સાથે જઈ રહેલા ભગવાન શિવજીએ પાર્વતીના કહેવાથી તેમને ફરી દર્શન આપ્યા ન માંગતા ભગવાન અચ્યુત, વિષ્ણુની પ્રેમભક્તિ દૃઢ હતું. ભગવાન શિવે એમનું એ વરદાન પણ પ્રદાન કરી દીધું હતું. માર્કણ્ડેય પુરાણમાં મહર્ષિ માર્કણ્ડેયના જીવનની ઘટનાઓ સવિસ્તર આલેખાયેલી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer