ઘણી જગ્યાએ આપણે કેટલાક લોકોને માતાજી આવતા જોયા હશે અને માતાજી આવતા લોકો તેમને પગે લાગે છે અને એમની પાસે મનની ઈચ્છા પણ વ્યક્ત કરે છે. ઘણા લોકો તેને કુદરતી બક્ષિસ પણ માનતા હોય છે. એ વ્યક્તિના શરીરમાં કોઈ દિવ્ય આત્માનો વાસ હોય છે એવું પણ આપણે સ્વીકારીએ છીએ.
ચૈત્રી નવરાત્રી તેમજ આસોની નવરાત્રીમાં માતાજી આવવાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આપણા ગુજરાતમાં જવારા દરમિયાન પણ માતાજી આવવાના પ્રસંગો વધુ બનતા જોવા મળે છે. આ એક આસ્થાનો વિષય છે પરંતુ વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો આ એક બીમારી પણ માનવામાં આવી છે.
ભાવનગરના સાઇક્યિાટ્રિસ્ટ શૈલેષ જાની કહે છે કે :”આ ઘટનાને બેઝિકલી પઝેસિવ સિમ્પટમ્સ કહેવાય. નબળા મનના હોય, સજેસ્ટિવ હોય, સેન્સિટિવ હોય, એવા લોકોને માતાજી આવતાં હોય એવું લાગે છે. આવી સ્થિતિમાં દસ-પંદર મિનિટ રહ્યા પછી વ્યક્તિ શાંત થઇ જાય છે આથી તેમનું વધારે ધ્યાન આપવું જોઇએ. વારંવાર આવું બને તો ટ્રીટમેન્ટ પણ કરાવવી જોઇએ.” તેની આસપાસ રહેલા લોકોની માનસિકતા પણ એવી હોય છે કે આને માતાજી આવે છે. આરતી શરૂ થઇ એટલે માતાજી આવશે. આના ઉપાય તરીકે તો જેમને આવું થતું હોય તેમને દૂર રાખવા જોઈએ. જો હાજર રહે તો પણ તેમના પ્રત્યે ધ્યાન ઓછું આપવું જોઇએ. વારંવાર આવું બને તો તેમનું કાઉન્સેલિંગ કરાવવું જોઈએ”
ડોકટરો આ ઘટનાને એક બીમારી સાથે જોડી રહ્યા છે ત્યારે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે જોડાયેલા લોકો માટે આ એક આસ્થાનો વિષય છે. કોઈપણ વ્યક્તિ સાથે જયારે આવી ઘટના બને છે ત્યારે આસપાસ રહેલા લોકો નતમસ્તક થઈને એ વ્યક્તિના ચરણોમાં પડી જાય છે. ભલે એ વ્યક્તિ પોતાની પત્ની કે દીકરી જ કેમ ના હોય.
સમાજમાં બંને પક્ષનું સમર્થન કરનારા લોકો રહેલા છે. લોકો વજ્ઞાનિક દૃષ્ટિનો પણ સ્વીકાર કરે છે ત્યારે તેમના મનમાં કંઈક ખોટું થવાનો ડર અને ધર્મમાં રહેલી શ્રદ્ધાના કારણે આ બાબતો માનતા પણ હોય છે પરંતુ એક વાત અહીંયા ચોક્કસ નોંધવાનું મન થાય કે આપણા સમાજમાં એક બહુ મોટો વર્ગ એવો છે જેને આ બાબતમાં ભરપૂર શ્રદ્ધા રહેલી છે ભલે એ પછી કોઈપણ હોદ્દા ઉપર પહોંચેલી વ્યક્તિ જ કેમ ના હોય. માતાજી આવવાની ઘટના જે સમયે બને ત્યારે એન્જીનીયર, ડોક્ટર કે કોઈ મંત્રી જ કેમ ના તે હોય નતમસ્તક થઈને માતાજી આવનાર વ્યક્તિ સામે બે હાથ જોડીને ઉભો જરૂર થઇ જાય છે.
કેટલીકવાર ધાર્યા કામો પણ એમની ઈચ્છાથી જ પુરા થઈ જતા હોય છે તો ઘણા લોકો જયારે જવારા દરમિયાન માથે જવારા લે છે ત્યારે માથે રહેલા જવારા ગોળ ગોળ ફરે પણ છે ત્યારે આવી બાબતો નો આપણે અસ્વીકાર પણ નથી કરી શકતા. કારણ કે આ બધી બાબતો ધર્મ સાથે જોડાયેલી છે.
આ ઘટનાઓ મોટાભાગે કેટલાક પ્રસંગોપાત જ થતી જોવા મળે છે. જયારે કોઈ નિશ્ચિત પ્રકારનું સંગીત વાગતું હોય જેમ કે “ડાકલા” કે કોઈ માતાજીનો ગરબો ત્યારે જ માતાજી આવવાની ઘટના બને છે તો ઘણીવાર કેટલાક લોકો કોઈ નક્કી જગ્યા ઉપર બેસે અથવા તો કોઈ એવા મંત્રોનો ઉચ્ચાર કરે તે બાદ જ તેમનામાં માતાજી આવવાની શરૂઆત થાય છે.