ગણેશચતુર્થી નિમિત્તે રાજસ્થાનના જયપુર ખાતે આવેલા મોટી ડુંગરી ગણેશ મંદિરે ખૂબ ભીડ એકઠી થાય છે. અહીં આ તહેવારોએ અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે. વિશ્વભરના અભ્યાસુઓ અને સ્થપતિઓ આ મંદિરના પ્રાચીન બાંધકામનો અભ્યાસ કરવા અને ભારતની ખૂબ જ સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાના રંગમાં રંગાઈ જવા માટે આવતા રહે છે.
ગણેશજીની મૂર્તિ અનોખું આકર્ષણ : મંદિરના મુલાકાતીઓ માટે ભગવાન ગણેશની મૂર્તિ સૌથી મોટું આકર્ષણ બની રહે છે. એનાં બે કારણ છે, એક તો પ્રતિમા સિંદૂર રંગની છે અને બીજું, ગણેશજીની સૂંઢ અહીં જમણી બાજુ જોવા મળે છે. સામાન્ય રીતે ગણેશજીની સૂંઢ ડાબી બાજુ વળાંક લેતી જ બનાવવામાં આવે છે. વળી ગણેશજી હનુમાનની જેમ કેસરિયા રંગમાં અન્ય ક્યાંય જોવા મળતા નથી. આ ગણેશ મંદિરની બીજી મહત્ત્વની વાત એ છે કે અહીં ગણેશજીની પૂજા-અર્ચના ગૌડિય વૈષ્ણવ પરંપરા પ્રમાણે કરવામાં આવે છે. જેને આપણે હરે કૃષ્ણ પરંપરા પણ કહીએ છીએ.
મોટી ડુંગરી ગણેશજી મંદિરે સવારના ૫-૩૦થી બપોરના ૧-૩૦ સુધી અને સાંજે ૪-૩૦થી રાત્રે ૯-૦૦ વાગ્યા સુધી દર્શન કરી શકાય છે. આ દરમિયાન ગણેશજીનાં સાત પ્રકારે દર્શન કરવામાં આવે છે.
મોટી ડુંગરી મંદિરનો ઈતિહાસ : કહે છે કે ૧૭મી સદીમાં સવાઈ માધોસિંહજીએ ગણેશજીને ગુજરાતમાંથી મેવાડના મવાલી વિસ્તારમાં લાવી અહીં સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો. સવાઈ માધોસિંહજી ગણેશજીના પરમ ભક્ત હતા. તેઓ મૂળ તો ગણેશજીને જયપુર તેડાવીને આલીશાન મંદિર બનાવવા માગતા હતા. આ વાતની ખબર પડતાં મેવાડના મહારાણાએ પોતાના પલ્લીવાલ બ્રાહ્મણ પંડિતોને આદેશ કર્યો કે મારી સાથે આ શાહી યાત્રામાં તમે પણ જોડાઈ જાવ. આપણે બધા મળીને ગણેશજીને જયપુર લઈ આવીશું.
પરંતુ જે બળદગાડામાં ગણેશજીની પ્રતિમા હતી એ બળદગાડું જયપુર નજીકની મોટી ડુંગરીની તળેટીમાં આ સ્થળે આવીને અટકી ગયું. બધા જાણકારોએ અનુભવીઓએ જાત જાતના પ્રયાસ કર્યા, પરંતુ બળદ એક તસુ આગળ-પાછળ ન થયા. ગાડું આ સ્થળે સ્થિર થઈ ગયું.
આખરે માધોસિંહજીને આદેશ કર્યો કે ભવ્ય મંદિરનું આ સ્થળે જ નિર્માણ કરવામાં આવે. સવાઈ માધોસિંહજીએ મંદિર નિર્માણ માટે ખજાનો ખુલ્લો મૂકી દીધો. નિષ્ણાત કારીગરો રાત-દિવસ કામ કરતા રહ્યા. માત્ર ચાર મહિનામાં ૧૭૮૧ના વર્ષમાં મંદિર બનીને તૈયાર થઈ ગયું. એવી નોંધ જોવા મળે છે કે આ મંદિરના નિર્માણની દેખરેખનું કામ શેઠ જયરામ પાલીવાલને સોંપવામાં આવ્યું હતું. એમની સાથે મંદિરના મુખ્ય મહંત શિવનારાયણજી પણ હતા.
ગણેશજીની આ પ્રતિમાની ભલે ૨૬૦ વર્ષ પહેલાં મંદિરમાં સ્થાપના કરવામાં આવી હોય, પરંતુ એની રચના પાંચસો વર્ષ પહેલાં થઈ હોવાનું કહેવાય છે.ગણેશજીને ભાવતા લાડુનો પ્રસાદ જ અહીં પણ ભાવિક ભક્તો ગણેશજીને અર્પણ કરે છે. અહીં દર વર્ષે ઓછામાં ઓછા ૧.૨૫ લાખ ભક્તો આવીને દર્શન કરે છે અને પોતાની શ્રદ્ધા ભાવના અનુસાર પૂજા-અર્ચના કરે છે.