બીજી લહેરમાં કોરોનાના 100માંથી 30 દર્દીને આ રોગ થયો. કોરોનામાં રેમડેસિવીર બાદ હવે મ્યુકર માઇકોસિસ માટેના ઇન્જેક્શન ભારે અછત સર્જાઇ છે. જેને કારણે દર્દીના સગાને એકથી બીજા મેડિકલ સ્ટોર્સની રઝળપાટ છતાં ઇન્જેક્શન મળતાં નથી.
મ્યુકર માઇકોસિસની સારવાર અત્યંત ખર્ચાળ છે, જેમાં દર્દીના વજન પ્રમાણે દરરોજના 6થી 9 ઇન્જેક્શન આપવા પડે છે, એક ઇન્જેક્શનની કિંમત રૂ. 6થી 7 હજાર હોય છે અને 20થી 28 દિવસ ઇન્જેક્શનના કોર્સનો ખર્ચ રૂ. 13થી 14 લાખ થાય છે.
અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ જશુ પટેલ જણાવે છે કે, ડાયાબિટીસના દર્દી કે જેને કોરોના થયો હોય તેમને મ્યુકર માઇકોસિસ થવાની શક્યતા વધુ છે. ગત વર્ષે કોરોનાની પ્રથમ લહેર બાદ 1 હજારે 20 લોકોને બદલે બીજી લહેરમાં 100માંથી 30 લોકો મ્યુકર માઇકોસિસનો શિકાર બને છે.
કેસમાં અચાનક ઉછાળો આવતા તેની સારવારમાં ઉપયોગી એમ્ફોટેરિસિન-બી સહિતના ઇન્જેક્શનની ભારે અછત છે. દરરોજની 50થી વધુ લોકો ઇન્જેક્શનની ઇન્ક્વાયરી કરે છે. આ ઇન્જેક્શનની માંગ વધતા સી એન્ડ એફ પાસે છેલ્લાં 10 દિવસથી સ્ટોક નથી.
દર્દીના વજન મુજબ રોજ 6થી 9 ઇન્જેક્શનનો કોર્સ :- મ્યુકર માયકોસિસના દર્દીને તેના વજન પ્રમાણે દરરોજના 6થી 9 ઇન્જેક્શનનો 20થી 28 દિવસનો કોર્સ હોય છે. એક ઇન્જેક્શનની કિંમત રૂ. 6થી 7 હજાર હોવાથી એક દિવસના રૂ. 36થી 50 હજાર અને 20થી 28 દિવસના ઇન્જેક્શનના કોર્સનો રૂ. 13થી 14 લાખ ખર્ચ ચોક્કસ પણે થાય છે.