શું તમે જાણો છો શું હોય છે ઈસ્લામમાં મોહર્રમનું મહત્વ, જાણો શા માટે કહેવાય છે માતમનો મહિનો

ઈસ્લામી કેલેન્ડરના પ્રથમ મહિનાનું નામ ‘મોહર્રમ’ છે. આ મહિનો માતમનો મહિનો હોવાથી કોઈ ઉજવણી કરવામાં આવતી નથી, પરંતુ મુસ્લિમ સમુદાયના લોકો શોકમગ્ન રહેતા હોય છે. આ મહિનાની 10મી તારીખ એટલે કે 10 મોહર્રમના રોજ ઈમામ હુસેને કરબલામાં પોતાના પરિવારના સભ્યો અને અન્ય સાથીદારો મળીને કુલ 72 લોકોએ શહીદી વ્હોરી હતી. જેના કારણે આ દિવસને ‘યૌમ-એ-આશુરા’ પણ કહેવામાં આવે છે.

ઈસ્લામ ધર્મના સૌથી મોટા પયગંબર મોહમ્મદ સાહેબના દોહિત્ર ઈમામ હુસૈન અને હસન, તેમના પરિવાર અને અનુયાયીઓ મળીને કુલ 72 લોકો કરબલામાં યઝીદ શામે લડતા-લડતા શહીદ થઈ ગયા હતા. તેમની યાદમાં મોહર્રમ મનાવામાં આવે છે.

કરબલાની જંગ : ઈસ્લામમાં એક જ ‘અલ્લાહ’ની ઈબાદત કરવાનું ફરમાન છે. છળ-કપટ, દારૂ, જૂઠ, દગો, વ્યાજખોરી વગેરે ચીજ-વસ્તુઓને ઈસ્લામમાં હરામ ગણાવાઈ છે. ઈસ્લામનો જ્યાંથી ઉદય થયો તે મદીના શહેરથી થોડે દૂર ‘શામ’ નામનો એક દેશ હતો અને મુઆવિયા નામનો તેનો શાસક હતો. મુઆવિયાના મૃત્યુ પછી તેના વારસદાર તરીકે યઝીદ રાજગાદી પર બેઠો. તેનામાં એ તમામ અવગુણ હતા જેના પર ઈસ્લામમાં મનાઈ ફરમાવામાં આવી છે.

કરબલામાં ઈમામ હુસેન અને તેમના સાથીદારોની શહાદતની યાદમાં મોહર્રમ મનાવાય છે. આ દિવસે શિયા સમુદાયના લોકો 1 મોહર્રમથી 10 મોહર્રમ સુધી કાળા કપડા પહેરીને શોક મનાવે છે અને કરબલાના શહીદોને યાદ કરે છે. 10 મોહર્રમના રોજ તેઓ તાજિયા બનાવીને જુલુસ કાઢે છે અને માતમ મનાવે છે.

સુન્ની મુસ્લિમો રોજા રાખે છે અને ઈબાદત કરે છે : સુન્ની મુસ્લિમો 9 અને 10 મોહર્રમના દિવસે રોજા રાખે છે અને આખો દિવસ ઈબાદતમાં પસાર કરે છે. એવું કહેવાય છે કે, મોહર્રમના એક રોજાનું પુણ્ય 30 રોજા જેટલું હોય છે. સુન્ની સમુદાયમાં કેટલાક લોકો 1 મોહર્રમથી 10 મોહર્રમ સુધી 10 દિવસના રોજા પણ રાખતા હોય છે. તેઓ 10 મોહર્રમના રોજ કુર્આન પઢે છે, નમાઝ પઢીને ઈબાદતમાં પસાર કરે છે અને કરબલાના શહીદોને ફાતેહા પઢીને તેમની મગફેરતની દુઆ કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer