ભારતમાં અનેક ધર્મના લોકો વસે છે. આ દરેક ધર્મનાં પોતાનાં ધર્મસ્થાનો છે. આપણાં શાસ્ત્રોમાં અનેક દેવી-દેવતાનો ઉલ્લેખ છે, લગભગ આ તમામ દેવી-દેવતાનાં મંદિર ભારતમાં મળી આવે છે. આ તમામ ધર્મસ્થાન સાથે કેટલાય લોકોની આસ્થા જોડાયેલી છે. જે આસ્થાને કારણે લોકો મંદિરે દર્શન કરવા આવે છે.વાત આપણે મુંબઇ શહેરની કરીએ. મુંબઇ શહેરમાં અનેક ઐતિહાસિક અનેક ધાર્મિક ધરોહર છે, આ શહેર જેટલું આધુનિક છે તેટલું જ ધાર્મિક પણ છે જ.
અહીં આવેલા સિદ્ધિ વિનાયક મંદિરમાં રોજ લાખો લોકો દૂરદૂરથી દર્શન કરવા આવતા રહે છે. એ જ રીતે મુંબા દેવીના મંદિરે પણ રોજે હજારો ભક્તોની ભીડ જોવા મળે છે. કહેવાય છે કે આ શહેરનું નામ મુંબઈ મુંબા દેવીના નામ પરથી જ રાખવામાં આવ્યું હતું. આ મંદિર સાથે અનેક વાતો જોડાયેલી છે. આ મંદિરને સમુદ્રની દીકરી લક્ષ્મી દેવીનું મંદિર પણ કહેવામાં આવે છે. મુંબા દેવી મૂળ લક્ષ્મીજીનું જ બીજું નામ છે. તેને સમુદ્રની દેવી કેમ કહેવામાં આવે છે તે વિશે આપણે વિગતે વાત કરીએ.
મુંબા દેવીને લક્ષ્મીજીનું જ એક રૂપ માનવામાં આવે છે. તેથી જ મુંબઈને દેવી લક્ષ્મીનું ઘર પણ માનવામાં આવે છે. મુંબા દેવીને ત્યાંના લોકો તેમની ગ્રામ્ય દેવી માને છે. મુંબઇ વસતાં લોકોમાં અને ખાસ કરીને ત્યાંના માછીમારોમાં એવી શ્રદ્ધા છે કે આ દેવી તેમની દરેક સ્થળે અને ખાસ કરીને દરિયામાં રક્ષા કરે છે. તેથી જ દરેક શુભ કાર્ય પહેલાં તે લોકો ખાસ અહીં આવીને માતાની પૂજા કરે છે, તેમને પ્રસાદ ધરાવે છે અને ખુશ કરવા પ્રયત્નો કરે છે. ત્યાં વસતા લોકોનું માનવું છે કે દેવીમા જો દરિયો કોપાયમાન થયો હોય તો તેને શાંત પાડી મુંબઇમાં વસતાં કરોડો લોકોને તકલીફ પહોંચાડતા રોકે છે. જેમ પિતા ગુસ્સે હોય તો તેને દીકરી શાંત પાડીને ઘરના બીજા સભ્યો પર ગુસ્સે થતાં રોકી શકે છે તે જ રીતે મુંબા દેવી પણ કોઇવાર દરિયાના ક્રોધથી લોકોને બચાવવાનું કાર્ય કરે છે.
જો ઇતિહાસનાં પાનાંને પલટાવીએ તો ખ્યાલ આવશે કે મુંબઇને અમુક માછીમારો દ્વારા વસાવવામાં આવ્યું હતું. મુંબા દેવીનો ઇતિહાસ આશરે ચારસો વર્ષ જૂનો છે અને એટલે જ આખા મહારાષ્ટ્રમાં આ મંદિર માટે લોકોને ઘણી જ શ્રદ્ધા છે. અહીં વસતાં માછીમારોએ સૌપ્રથમ બોરીબંદરમાં મુંબા દેવીના મંદિરની સ્થાપના કરી હતી. બસ, ત્યારથી લોકોનું માનવું છે કે આ દેવીની કૃપાથી જ અહીં વસતાં લોકો અને દરિયામાં જતાં માછીમારોને ક્યારેય કોઇ જ મુશ્કેલીનો સામનો નથી કરવો પડયો. આ મંદિરનું નિર્માણ વર્ષ ૧૭૩૭માં થયું હતું. ત્યારબાદ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આ મંદિર મરીન લાઇન્સમાં બજારની વચ્ચે બાંધવામાં આવ્યું હતું.
આ મંદિર ખૂબ જ સુંદર છે, તેમાં રહેલી માતાજીની મૂર્તિને વિશાળ અને ભવ્ય મૂર્તિમાંની એક કહી શકાય છે. તેમની મૂર્તિ આંખો આંજી દે તેવી સુંદર છે. આ મંદિરની ખાસિયત એ છે કે મંદિરમાં માતાજીનાં વાહન રોજેરોજ બદલવામાં આવે છે. તેમની પાસે કોઇ એક વાહન નથી હોતું. જેમ કે, સોમવારે નંદી, મંગળવારે હાથી, બુધવારે મરઘો, ગુરુવારે ગરુડ, શુક્રવારે હંસ અને શનિવારે પાછો હાથી રાખવામાં આવે છે. જ્યારે રવિવારના દિવસે તેમનું વાહન સિંહ છે. રવિવારે માતા સિંહની સવારી કરે છે.
આ તમામ વાહનો સોના અને ચાંદીથી બનાવવામાં આવ્યાં છે. જે રીતે માતાજીની મૂર્તિને સજાવવામાં આવે છે તે જ રીતે તેમનાં વાહનોને પણ શણગારવામાં આવે છે. ત્યાંના લોકોમાં એવી માન્યતા પ્રચલિત છે કે માતાને આ તમામ પ્રાણીઓ પ્રિય હતાં તેથી જ કોઇ એક પ્રાણીને વાહન તરીકે પસંદ કરવાને બદલે તેમણે આ તમામ પ્રાણીઓને પોતાના વાહન તરીકે પસંદ કર્યાં અને તેથી જ તેઓ અઠવાડીયાના સાતેય દિવસ અલગ અલગ સાત વાહન ઉપર બિરાજમાન થાય છે.
અહીં દર્શન કરવા આવતા ભક્તો માતાજીને ચઢાવવા ખાસ મોગરાની વેણી અને મોગરાનો હાર લઇ જાય છે. ત્યાં તેને ટગર કહેવામાં આવે છે. જો કે આમ પણ મુંબઇમાં મોગરા દરેકના મનપસંદ છે. મુંબઇની સ્ત્રીઓ પોતાના શણગારમાં મોગરાની વેણીનો સમાવેશ અચુક કરે છે. મુંબા દેવીને પણ મોગરાનો શણગાર પસંદ છે, તેવું અહીંના લોકો માને છે તેથી ખાસ તેમના માટે મોગરાની વેણી તેમજ ટગરનો હાર લઇ જવાનું ભુલતાં નથી.
આ મંદિરમાં રોજે ૬ વાર આરતી થાય છે અને માતાજી પ્રસન્ન થાય છે. અહીં મંગળવારે ભારે ભીડ જોવા મળે છે. કહેવાય છે કે અહીં બાધા- માનતા માનનારની દરેક માનતા, પૂરી થાય છે. જો તમે તમારી પાસે રહેલા પૈસાના સિક્કાને ત્યાં રહેલા લાકડામાં ફીટ કરવાના પ્રયત્ન કરો, જો તમે સિક્કાને લાકડામાં ફીટ કરવામાં સફળ થયા તો ચોક્કસ તમારી મનોકામના પૂરી થશે.
મુંબા દેવીને સમુદ્રની દીકરી અને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે, એટલે જ જે લોકો મુંબઇમાં આવીને વસે છે તેમને ક્યારેય પૈસાની અછત નથી થતી. તેઓને કોઇ ને કોઇ રીતે લક્ષ્મી પ્રાપ્ત થઇ જ જાય છે.