મુંડેશ્વરી મંદિરની વિશેષતા છે કે, અહીં બકરાની બલિ આપવામાં આવે છે, પરંતુ બલિને મારવામાં આવતો નહીં. અહીં બલિની સાત્વિક પરંપરા છે. જ્યારે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે તેઓ અહીં બલિ સ્વરૂપે બકરો ચઢાવે છે. મંદિર અંગે માન્યતા છે કે, ચંડ-મુંડ અસુરોનો નાશ કરવા માટે દેવી પ્રગટ થઇ હતી. ચંડના વધ બાદ મુંડ રાક્ષસ આ પહાડીમાં છુપાઇ ગયો હતો અને અહીં જ માતાએ તેનો વધ કર્યો હતો. માટે જ આ દેવીને મુંડેશ્વરી માતા કહેવામાં આવે છે.
બલિ માટે જ્યારે બકરાને માતાની પ્રતિમા સામે લાવવામાં આવે છે ત્યારે પૂજારી ચોખાના થોડાં દાણા મૂર્તિને સ્પર્શ કરાવીને બકરા ઉપર નાખે છે. ત્યાર બાદ બકરો બેભાન થઇ જાય છે. થોડીવાર પછી પૂજા બાદ પૂજારી ફરીથી બકરા ઉપર ચોખા નાખે છે ત્યારે તે ભાનમાં આવે છે. તે પછી તેને મુક્ત કરી દેવામાં આવે છે અથવા ભક્તોને પાછો આપી દેવામાં આવે છે.
મંદિરમાં દુર્ગા માતાના વૈષ્ણવી સ્વરૂપને જ માતા મુંડેશ્વરી તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. મુંડેશ્વરીની પ્રતિમા વારાહી દેવીની પ્રતિમા સ્વરૂપે છે, કેમ કે તેમનું વાહન મહિષ છે. આ મંદિરનો મુખ્ય દ્વાર દક્ષિણ દિશા તરફ છે. થોડાં ઇતિહાસકારો પ્રમાણે આ મંદિર 108 ઈસવીમાં બનાવવામાં આવ્યું હતું. તેનું નિર્માણ શક શાસનકાળમાં થયું હતું. આ શાસનકાળ ગુપ્ત શાસનકાળ પહેલાંનો સમય માનવામાં આવે છે. મંદિર પરિસરમાં થોડાં શિલાલેખ બ્રાહ્મી લિપિના છે. જ્યારે ગુપ્ત શાસનકાળમાં પાણિનીના પ્રભાવના કારણે સંસ્કૃતનો ઉપયોગ કરવામાં આવતો હતો.
અહીં 1900 વર્ષોથી સતત પૂજા થઇ રહી છે. મંદિરનું ગર્ભગૃહ અષ્ટાકાર છે. ગર્ભગૃહના ખૂણામાં દેવીની મૂર્તિ સ્થાપિત છે અને વચ્ચે ચર્તુમુખી શિવલિંગ છે. મંદિરમાં શારદીય અને ચૈત્ર મહિનાની નવરાત્રિના અવસરે શ્રદ્ધાળુઓ દુર્ગા સત્પશતીનો પાઠ કરે છે. વર્ષમાં બે વાર માહ અને ચૈત્રમાં અહીં યજ્ઞ થાય છે. 1968માં પુરાતત્વ વિભાગે અહીંની 97 દુર્લભ મૂર્તિઓને સુરક્ષાની દ્રષ્ટિથી પટના સંગ્રહાલયમાં રખાવી દીધી છે. ત્રણ મૂર્તિઓ કોલકાતા સંગ્રહાલયમાં છે.
આ મંદિર બિહારના કૈમૂર જિલ્લામાં સ્થિત છે. મુંડેશ્વરી મંદિર પહોંચવા માટે અહીંથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન ભભુઆ રોડ છે. તે મુગલસરાય-ગયા રેલ લાઇન પર સ્થિત છે. સ્ટેશનથી મંદિરનું અંતર 25 કિલોમીટર છે. ભભુઆ સ્ટેશનથી રોડ માર્ગ દ્વારા આ મંદિરે પહોંચી શકાય છે. મંદિરનું નજીકનું એરપોર્ટ લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, બાબાતપુર, વારણસીમાં છે. અહીંથી મુંડેશ્વરી મંદિરનું અંતર 80 કિમી છે. વારણસીથી બસ, રેલ અથવા પ્રાઇવેટ કારથી મંદિર સુધી સરળતાથી પહોંચી શકાય છે.