લોકપ્રિય ટેલિવિઝન શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ દર્શકોને ઘણું મનોરંજન આપ્યું. શોના તમામ પાત્રો પોતાની રીતે ઉત્તમ છે. આ જ શોમાં નટ્ટુ કાકાનું રમુજી પાત્ર ભજવનાર અભિનેતા ઘનશ્યામ નાયક આ દિવસોમાં કેન્સર સામે લડી રહ્યા હતા. 77 વર્ષની ઉંમરે પણ ઘનશ્યામ નાયક દર્શકોને ઘણું મનોરંજન આપતાં હતા. થોડા દિવસો પહેલા, તેણે તેના શરીર અને ગરદન પર કેટલાક ફોલ્લીઓ થઈ હતી. જે બાદ તેને ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે તેને કેન્સર છે.
જાણકારી મળતા જ લોકો તેની સુખાકારી માટે પ્રાર્થના કરી રહ્યા હતા. પરંતુ ગઈ કાલે ૭૭ વર્ષની ઉંમરે કેન્સર સામે લડાઈ કરતા નટુકાકાએ દુનિયાને વિદાય આપી હતી . જ્યારે ગડા ઇલેટ્રોનિક્સની દુકાનનો સીન આવે ત્યારે નટુકાકા, બાઘા અને જેઠાલાલની ત્રિપુટી જોવા મળે જ છે. હવે આ ત્રિપુટી જોવા નહીં મળે. નટુકાકા પોતાની વિદાયથી લઈને તેમના ચાહકોને આંચકો આપતા ગયા છે. નટુકાકા સાથે વર્ષોથી જે કલાકારો કામ કરે છે તે અને નિર્માતા આસિતકુમાર મોદી શું કહે છે, આવો જાણીએ…
તેમણે જણાવ્યું હતું કે હું વડનગરનો રહેવાસી અને ઘનશ્યામભાઈ તેમની નજીકના ઊંઢાઈના વતની. ઘનશ્યામભાઈ મારા પિતાને ઓળખતાં હતા. અમારા પારિવારિક સંબંધો પણ હતા. ઘનશ્યામભાઈ મારી સાથે 2001થી જ કામ કરે છે. યે દુનિયા હૈ રંગીન, સારથિ જેવી ઘણી સિરિયલમાં તેમણે કામ કર્યું.
પછી જ્યારે તારક મહેતા કા ઉલટા ચશ્માનું કાસ્ટિંગ ચાલતું હતું ત્યારે ઘનશ્યામભાઈને એક રોલ તો આપવાનું નક્કી હતું અથવા તો જેઠાલાલની દુકાનમાં કે ગોકુલધામ સોસાયટીમાં. કઈ જગ્યાએ રોલ આપવો એની વિચારણા ચાલતી હતી. જેઠાલાલની દુકાનમાં નટુકાકા નામનું પાત્ર હતું જ. કયો રોલ ઘનશ્યામભાઈને આપવો એવું અમે નક્કી કર્યું. કોઈપણ રોલ આપો, ઘનશ્યામભાઈ પોતે તૈયાર રહેતા.
તેઓ ઘનશ્યામભાઈ અમારા સૌના વડીલ હતા. એ સતત આશીર્વાદ આપતા રહેતા કે આ શૉ ખૂબ સરસ રીતે આગળ વધે. તેમણે તેમના જીવનમાં ખૂબ કામ કર્યું, પણ નટુકાકાના પાત્રથી તેમને અલગ પ્રકારની ઓળખ મળી, તેમનાથી અત્યંત ખુશ હતા. આટલાં વર્ષોમાં તેમણે કોઈનું દિલ દુઃખવ્યું નથી. એ ભલે ન રહ્યા હોય, પણ તેમના આશીર્વાદ સતત વરસતા રહેશે.
સિરિયલમાં બાઘાનું કિરદાર નિભાવતા તન્મય વેકરિયા વાતચીતમાં કહે છે, સાંજે ઘનશ્યામભાઈના દીકરા વિકાસનો મને ફોન આવ્યો અને મારું મગજ સુન્ન થઇ ગયું. હું સાચું માનવા તૈયાર જ નહોતો કે નટુકાકા આપણને છોડીને ચાલ્યા ગયા છે.
દિલીપ જોશી વાતચીતમાં કહે છે, ઘનશ્યામભાઈ જિંદાદિલ ઇન્સાન હતા. ખૂબ પોઝિટિવ હતા. ફાઈટર હતા. અમે સેટ પર કામ કરતા હોઈએ કે બ્રેકમાં સાથે બેઠાં હોઈએ ત્યારે અમને એવું લાગ્યું જ નથી કે અમારા પિતાની ઉંમરની વ્યક્તિ અમારી સાથે બેઠી પણ છે.
અમારી વાતોમાં જ ભળી જતા. અમારી સાથે મોજ-મસ્તી પણ કરતા. મારા માટે પિતાની ઉંમરના સારા મિત્ર હતા. મને તો ઘનશ્યામભાઈ પાસેથી ઘણું શીખવાનું મળ્યું છે. તેઓ જ્યારે ભવાઈ કરતા એ સમયે અમે નાના હતા અને જોવા પણ જતા. હું તો માનું છું કે આપણે ભવાઇના કદાચ છેલ્લા કલાકાર પણ ગુમાવ્યા છે.