આદ્યશક્તિની આરાધનાના પર્વ એવા નવરાત્રિનો રવિવારથી થશે આરંભ

શહેરની શેરી, સોસાયટીઓમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે. તે સાથે જ શહેરમાં આદ્યશક્તિના જાણીતા મંદિરોમાં પણ ઉજવણીનો ધમધમાટ જોવા મળશે. જે અંતર્ગત ચાલુ વર્ષે અમૃત સિદ્ધિ યોગના સમન્વય સાથે નોરતાંનો આરંભ થશે. રવિવારે પ્રથમ દિવસે આખો દિવસ અમૃતસિદ્ધિ યોગ સાથે સવારે ઘટસ્થાપનનું શ્રેષ્ઠ મુહૂર્ત છે. ત્યાર બાદ નવ દિવસ સુધી નવ દેવી સ્વરૂપની પૂજા-અર્ચના સાથે ગરબાની રમઝટ જોવા મળશે.

નવરાત્રિ પર્વ ગુજરાતનો પોતીકો પર્વ હોવાની સાથે જ રાજ્યભરમાં ઉજવણીની રોનક જોવા મળે છે. ગુજરાતની નવરાત્રિ દેશ-વિદેશમાં જાણીતી હોવાની સાથે જ હજારો-લાખો ખેલૈયાઓ નવ દિવસ સુધી ગરબાની રમઝટ બોલાવે છે. ગુજરાતનાં નોરતાંનું ઘેલુ હવે મહારાષ્ટ્રને પણ લાગ્યું છે. જેમાં મુંબઇ જેવા મોટા શહેરોમાં પણ નવરાત્રિના નાના-મોટા આયોજનો કરવામાં આવે છે.

નવરાત્રિ માત્ર ગરબા, દાંડિયારાસ માટે જ નહીં, પરંતુ આદ્યશક્તિની આરાધના માટે પણ એટલું જ મહત્વ ધરાવે છે. નવરાત્રિના નવ દિવસ સુધી આદ્યશક્તિના જુદા જુદા નવ સ્વરૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. જેમાં ચાલુ વર્ષે સુંદર સમન્વય સાથે નવરાત્રિનો આરંભ થશે. આખા વર્ષમાં પોષ, ચૈત્ર, અષાઢ અને આસો એમ ચાર નવરાત્રિ આવે છે. જે પૈકી ચૈત્ર અને આસો નવરાત્રિ પ્રચલિત છે. જ્યારે બાકીની બે ગુપ્ત નવરાત્રિ ગણવામાં આવે છે.

ચાલુ વર્ષે રવિવારે 29 સપ્ટેમ્બરથી નવરાત્રિનો આરંભ થાય છે. પ્રથમ દિવસે શૈલપુત્રી સ્વરૂપની પૂજા-અર્ચના સાથે ઘટસ્થાપના કરાશે. તે દિવસે સૂર્યોદયથી સાંજે 7.05 વાગ્યા સુધી અમૃતસિદ્ધિ યોગનો સુંદર સમન્વય પણ જોવા મળશે. દરમિયાન સવારે 7.30થી 10.29 અને 11.29થી 12.29 વાગ્યા સુધી ઘટસ્થાપનાનું શ્રેષ્ઠ મુહૂર્ત છે. જ્યારે બપોરે 12.05થી 12.53 વાગ્યા સુધીનું અભિજીત મુહૂર્ત છે.

દેવીસ્વરૂપની પૂજા-અર્ચના પર નજર કરીએ તો, રવિવારે પ્રથમ દિવસે શૈલપુત્રી, સોમવારે બ્રહ્મચારીણી, મંગળવારે ત્રીજા દિવસે ચંદ્રઘંટા, બુધવારે ચોથા દિવસે કુષ્માંડા, પાંચમા દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમા દિવસે કાલરાત્રિ, આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે સિદ્ધિદાત્રી સ્વરૂપની આરાધના કરાશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer