દુર્ગા સપ્તશતીમાં 700 શ્લોકો તથા 13 અધ્યાયો છે. ચોથો અધ્યાય શક્રાદિ સ્તુતિ છે. જગતજનની આરાસુરી મા અંબાની આરાધના, ઉપાસના અને અનુષ્ઠાનના દિવસો એટલે શારદીય નવરાત્રી, ભક્તો આ દિવસો દરમિયાન વિવિધ સ્તોત્રો, ગરબા, સ્તુતિઓનું ગાન તથા માનું પુજન અર્ચન કરે છે. માની કૃપા મેળવવા માટેનું એક અગત્યનું અનુષ્ઠાન એટલે દુર્ગા સપ્તશતીના પાઠનું વાંચન, માર્કંડેય પુરાણના પ્રકરણો ૭૮ થી ૯૦ના કુલ સાતસો શ્લોકો એટલે ચંડી પાઠમાં શ્રી અંબિકાના પ્રાગટય અને માહાત્મ્યની કથા મળે છે. નારદઋષિએ આ પાઠનું સંકલન પણ કર્યું છે. ભગવાન શંકરે પણ આ સ્તોત્રને શ્રેષ્ઠ કલ્યાણકારી તથા સંપુર્ણ સ્તોત્ર કહ્યું છે.
આપણે ત્યાં એમ કહેવાય છે કે કલૌચંડી વિનાયકૌ’ અર્થાત્ કળીયુગમાં ચંડી અને ગણેશની સ્તુતિ હંમેશાં સારાં ફળો આપે છે. આપણા કેટલાય સંતો, ઋષિમુનીઓ, મહાપુરૂષો કે મહાનુભાવોએ જગદંબાની ઉપાસના કરેલી અને કૃપા પ્રાપ્ત કરેલી જેમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ, અરવિંદ ઘોષ, રમણ મહર્ષિ, શંકરાચાર્ય વિ.મુખ્ય છે. મહાભારતના યુદ્ધ સમયે અર્જુનને શ્રીકૃષ્ણએ શક્તિની ઉપાસના કરવા જણાવેલ અને શ્રી રામે માતાજીની કૃપા મેળવ્યા બાદ જ રાવણનો વધ કરેલ.
નવરાત્રીમાં ચંડીપાઠ વાંચવાથી ચાર પુરૂષાર્થ પ્રાપ્ત થાય છે. દુર્ગા સપ્તશતીમાં ૭૦૦ શ્લોકો તથા ૧૩ અધ્યાયો છે. ચોથો અધ્યાય શક્રાદિ સ્તુતિ છે. અષ્ટમીના હવનની પૂર્ણાહુતિમાં ચતુર્થ અધ્યાય બોલવામાં આવે છે. આ ગ્રંથમાં મા ભગવતીની કૃપાનો સુંદર ઇતિહાસ છે. સાથોસાથ તેમાં સાધનાનાં ગુઢ રહસ્યો પણ છુપાયેલાં છે. આ ગ્રંથમાં કર્મ, ભક્તિ અને જ્ઞાાનની ત્રિવેણીનો સંગમ જોવા મળે છે. આ પાઠનો આશ્રય કરનારને મનોવાંછીત ફળ મળે છે.
સપ્તસતી કલ્પવૃક્ષ તથા કામધેનું સમાન છે. સકામ ભક્તિ કરનારને દુર્લભ વસ્તુ તથા નિષ્કામ ભક્તિ કરનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ગ્રંથનો પાઠ કે અનુષ્ઠાન કરનારે કેટલીક સાવધાની તથા વિધિનું ધ્યાન રાખવું પડે છે. સવારે વહેલા ઊઠી, પવિત્ર થઈ, બાજોઠ પર, શ્રીફળ, ફળો સાથે માનું ચિત્ર કે તસવીર રાખવી.
કપાળમાં કંકુ તીલક કે ચંદન લગાવવું. ચાર વખત જલનું આચમન કરવું. માની પુજા-અર્ચના- ધ્યાન કરવું. અખંડ દીપ પ્રગટાવવો. ધુપ, અગરબત્તી કરવાં ત્યાર બાદ જગદંબાના ચરણોમાં પ્રેમપૂર્વકની ભક્તિ તથા સાહજીક સમર્પણ સાથે કરેલ પાઠનું વિશેષ ફળ મળે છે. શ્રદ્ધા અને ભક્તિ સાથે માને કરેલ પાઠનું મા અવશ્ય ફળ આપે છે.