જાણો એક એવા ધર્મ વિશે જેના આદ્યસ્થાપક શિવ અને શક્તિ છે

નિજિયા ધર્મના આદ્ય સ્થાપક શિવ અને શક્તિ :’નિજ એટલે પોતાનો ધર્મ, નિજિયા ધર્મના આદ્યસ્થાપક શિવ અને શક્તિ છે. આ નિજિયા ધર્મમાં સ્ત્રી કે પુરુષ, જ્ઞાતિ-જાતિના કોઈ ભેદભાવ નથી. જે પુરુષ પરસ્ત્રીને પોતાની માતાસમાન માની મનમાં દૃઢ માતૃભાવ રાખે છે તે જ રીતે સ્ત્રી પણ પરપુરુષને સગા ભાઈ જેવો સમજે છે તેઓને જ આ નિજિયા ધર્મમાં સ્થાન છે.

ગૃહસ્થાશ્રમ એ માનવસેવા છે. મહાધર્મનું એ પહેલું પગથિયું છે અને એ ધર્મ નિજિયા ધર્મ માને છે. જેમને પૂર્વજન્મમાં ભક્તિભાવ વરેલો છે એવાં પતિ-પત્ની એકમતવાળાં હોય છે તેઓ આ નિજ ધર્મ પાળતાં હોય છે. ‘હું’ અને ‘મારું’ મટી જાય, ધણીપણું ટળી જાય, આપાપણું ગળી જાય એ સાચો નિજારી કહેવાય છે. જેને પૂર્વજન્મમાં ભક્તિભાવ વરેલો છે એવાં પતિ-પત્ની એકમતવાળાં હોય તેઓ આ નિજધર્મ પાળતાં હોય, ભક્તિભાવમાં પૂરા રંગાયાં હોય એમના હૃદયમાં દિવ્ય પ્રકાશ થાય છે. આવાં ઉપાસક નર-નારીને માયાનો મોહપાશ તૂટી જઈ યુગેયુગના ભવ બંધનથી છૂટે છે.

બીજ રહસ્ય બતાવનારો પંથ જેને મહાપંથ પણ કહેવાય છે. મહાપંથનાં અનેક નામો મળે છે. નિજિયા ધરમ, નિજર પંથ, બીજમાર્ગ, મહામાર્ગ, ધૂનો ધરમ, સનાતન ધર્મ, માર્ગીપંથ, મોટો પંથ, પાટ પંથ, ગુપ્ત ધરમ, મૂળ ધરમ કે આદિ ધર્મના નામે પ્રચલિત છે. નિરંજન નિરાકાર જ્યોતિસ્વરૂપ આદ્ય શિવ-શક્તિની ઉપાસનાથી માંડીને વિષ્ણુ ભગવાનના અંશાવતાર રામાપીર સુધી તેની ઉપાસના ચાલી આવી છે.

ચાર જુગના ચાર પાટોત્સવ : પહેલા જુગમાં પ્રહ્લાદ રાજાએ પાટ મંડાવ્યો. તેમનાં રાણી રત્નાદેએ એને મોતીડે વધાવ્યો. પાટની ગુરુગાદીએ આદિનાથજી અને કોટવાળ તરીકે ગણેશજી હતા. બીજા જુગમાં હરિૃંદ્ર રાજાએ પાટ પુરાવ્યો. તેમનાં રાણી તારાદેએ એ પાટને વધાવ્યો. પાટના ગાદીપતિ તરીકે ચૌરંગીનાથ અને કોટવાળ તરીકે ગરુડજી હતા. ત્રીજા જુગમાં યુધિષ્ઠિર રાજાએ પાટ મંડાવ્યો. રાણી દ્રૌપદીએ પાટને વધાવ્યો. પાટના ગાદીપતિ તરીકે મચ્છંદરનાથ અને કોટવાળ તરીકે ભૈરવજી હતા.

ચોથા જુગમાં બલીરાજાએ પાટ પુરાવ્યો. તેમનાં રાણી વિદ્યાવલીએ પાટને વધાવ્યો. પાટના ગાદીપતિ તરીકે ગોરક્ષનાથજી અને કોટવાળ તરીકે હનુમાનજી હતા. ઉપરાંત ચારેય જુગની કોળીમાં હાથી, અશ્વ, ગાય અને અજિયા દર્શાવાય છે. એના સંકેતોમાં જાણકાર સંતોનું એવું પણ અર્થઘટન છે કે, પહેલા જુગમાં જે હાથી દર્શાવ્યો છે તે હાથી એટલે કે અભિમાન રૂપી હાથીનું બલિદાન છે. બીજા જુગમાં અશ્વ દર્શાવ્યો છે તે પવન રૂપી ઘોડાને વશમાં કરવું- બલિદાન આપવું. ત્રીજામાં ગો એટલે ગાયનું એટલે ઈન્દ્રિયોની તમામ ક્રિયાઓનું બલિદાન આપવું. ચોથામાં અજિયા એટલે સૂક્ષ્‍મ વાસના રૂપી અજિયાનું બલિદાન આપવું. આવું સંતોએ સમજાવ્યું છે. આ તમામ પાટોત્સવોનું વિવરણ સ્થળસંકોચના હિસાબે ટૂંકમાં આપવાની કોશિશ કરી છે.

ચોપન વર્ષની ઉંમરે રામદેવપીરે વિ.સં ૧૫૧૫ની સાલમાં ભાદરવા સુદ-૧૧ ને ગુરુવારના દિવસે રણુજા (રામદેવરા)માં સમાધિ લીધી. દયાળીબાઈએ રામાપીરે સમાધિ લીધી એના બે દિવસ પહેલાં સમાધિ લીધેલી. રામદેવપીરે સમાધિ લીધા પછી રાણી નેતલદેને બે જોડિયા પુત્ર અવતર્યા. એકનું નામ દેવરાજ અને બીજાનું નામ સાદુજી. રણુજામાં ગાદીપતિ તરીકે રામાપીરના વંશજ ભોમસિંહજી છે.

રામદેવ પીરે સમાધિ લીધા પછી બસ્સો બેંતાલીસ વર્ષ બાદ (વિ.સં. ૧૭૫૭, જેઠ વદ પાંચમના રોજ) હરજી ભાટીને પરચો આપેલો. હરજી ભાટીનું ગામ રણુજાથી લગભગ ૧૪૦ કિમિ. દૂર ઓસિયા ગામ (ઓસિયાથી ૧૫ કિમી. દૂર) પાસે છે જે પંડિતજીની ધાણી તરીકે ઓળખાય છે. જે સ્થળે હરજી ભાટીને રામાપીરે સાધુના વેશે દર્શન આપેલ તે સ્થળ હરજી ભાટીના ગામથી ત્રણેક કિમી. દૂર છે જ્યાં નાનું રામાપીરનું મંદિર છે.

આ મંદિરની ટેકરી પાછળ નાની તળાવડી છે જ્યાંથી હરજી ભાટી રામાપીર માટે પીવાનું પાણી ભરી લાવ્યા હતા. વિ.સં. ૧૮૩૮ના રોજ હરજી ભાટીએ સમાધિ લીધેલી. હરજી ભાટીની જગ્યામાં ગાદીપતિ તરીકે હરજી ભાટીના પરિવારમાંથી જે આજીવન કુંવારા રહી શકે તેને જ બેસાડવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer