ભારત દેશ દેવી-દેવતાઓની ધરતી કહેવાય છે, એટલા માટે જ તેને પૂજનીય માનવામાં આવે છે. ભારતમાં અનેક મંદિરો આવેલા છે જેમાં દેવી-દેવતાઓ સાક્ષાત બિરાજતા હોવાનું માનવામાં આવે છે. આપણા દેશમાં માતારાનીના પણ અનેક મંદિરો ભારતમાં આવેલા છે. આવા જ એક ચમત્કારી મંદિર વિશે આજે તમને જાણકારી મળશે. આ મંદિર એવું મંદિર છે કે જ્યાં મહિલાઓ પૂજા કરી શકતી નથી. એટલું જ નહીં મંદિરમાં ચઢાવેલો પ્રસાદ પણ મહિલાઓ ગ્રહણ કરી શકતી નથી.
માતાનું આ મંદિર નિરાઈ માતાના નામથી પ્રસિદ્ધ છે. છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લાથી 12 કિલોમીટરની દૂરી પર એક પર્વતની ટેકરી પર આ મંદિર આવેલું છે. સ્થાનિકો આ મંદિરના માતાજીમાં આસ્થા ધરાવે છે. આ મંદિરમાં 200 વર્ષથી પૂજા કરવામાં આવી રહી છે. માતા નિરઈના દરબારમાં ભક્તો નાળિયેર, અગરબત્તી જ ચઢે છે. માતાજીનું મંદિર હોવા છતાં અહીં કંકુ, સિંદૂર, ગુલાલ તેમજ શ્રૃંગારની સામગ્રી ચઢતી નથી.
નિરાઈ માતાના મંદિરની અન્ય એક આશ્ચર્યજનક વાત એ પણ છે કે અહીં મહિલાઓ દ્વારા પૂજા-પાઠ કરવાની મનાઈ છે. અહિં પૂજા માત્ર પુરુષો જ કરી શકે છે. એટલું જ નહીં અહીં માતાને ચઢાવેલો પ્રસાદ પણ મહિલાઓ ગ્રહણ કરી શકતી નથી. જો કોઈ મહિલા આ મંદિરનો પ્રસાદ ગ્રહણ કરે તો તેની સાથે દુર્ઘટના સર્જાય છે. એટલા માટે જ વર્ષોથી અહિં પુરુષો જ પૂજા-પાઠ કરે છે.
200 વર્ષ જૂના આ મંદિરમાં દર્શન વહેલી સવારે 4થી સવારના જ 9 કલાક સુધી જ થાય છે. જો કે આ 5 કલાક દરમિયાન દર્શન કરવા માટે અહીં ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. લોકો લાંબી લાંબી લાઈનોમાં કલાકો ઊભા રહીને માતાના દર્શનનો લાભ લે છે. અહીં ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય છે. જે ભક્ત માતાના દર્શન શ્રદ્ધાથી કરે છે તેની મનની ઈચ્છા અચૂક પૂર્ણ થાય છે.
આ મંદિરમાં નવરાત્રીનો પર્વ ખૂબજ ધામધૂમથી ઉજવાય છે કારણ કે નવરાત્રીમાં અહીં નવ દિવસ સુધી માતા સમક્ષ એક અખંડ જ્યોત પ્રજ્વલિત કરવામાં આવે છે. આ જ્યોતની ખાસિયત એ છે કે તેમાં તેલ કે ઘી પુરવામાં નથી આવતું. આ જ્યોત સ્વયંભૂ નવ દિવસ સુધી પ્રજ્વલિત રહે છે. આ જ્યોત કેવી રીતે ચાલે છે તેનું કારણ વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથી.