નવરાત્રિમાં માતા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા દિવસો અનુસાર કરવામાં આવે છે. પહેલા દિવસથી નવમાં દિવસ સુધી માતાના અલગ અલગ સ્વરૂપની પૂજા થાય છે. આ દરેક સ્વરૂપનું પોતાનું અલગ મહત્વ હોય છે. તો ચાલો જાણીએ માતાના કયા સ્વરૂપની પૂજા કયા દિવસે થાય છે અને તે પૂજાથી જાતકને કયા લાભ થાય છે.
૧. માં શૈલપુત્રી : નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે કારણ કે શૈલપુત્રી માતા દુર્ગાના નવ સ્વરૂપમાંથી પહેલું સ્વરૂપ છે. શૈલપુત્રીનું સ્વરૂપ ચંદ્રને દર્શાવે છે. તેની પૂજા કરવાથી જાતકના ચંદ્ર સંબંધિત દોષ દૂર થાય છે.
૨. માં બ્રહ્મચારિણી : નવરાત્રિના બીજા દિવસે માં બ્રહ્મચારિણીની પૂજાનું વિધાન છે. આ દિવસે માતા દુર્ગાના આ બીજા સ્વરૂપની પૂજા થાય છે. માતા બ્રહ્મચારિણી મંગળ ગ્રહને નિયંત્રિત કરે છે. તેથી જે જાતકને મંગળ દોષ હોય તેમણે માતાના આ સ્વરૂપની આરાધના કરવી જોઈએ જેથી તેમના મંગળ ગ્રહનો દોષ દૂર થાય છે.
૩. માં ચંદ્રઘંટા : માતા દુર્ગાના ત્રીજા સ્વરૂપ એટલે કે માં ચંદ્રઘંટાની પૂજા ત્રીજા નોરતે થાય છે. માનું ત્રીજુ સ્વરૂપ ચંદ્રઘંટા માતાનું છે. માનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે. તે જ કારણે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમના શરીરનો રંગ સ્વર્ણ જેવો ચમકદાર છે. તેમને દસ હાથ છે. એક હાથ જ્ઞાન મુદ્રામાં અને એક હાથ આશીર્વાદ આપતો છે અને કમળ, ધનુષ્ય, તીર, ત્રિશૂળ, તલવાર, ગદા, કમંડળ, માળા શોભી રહ્યા છે. તેમનું વાહન સિંહ છે.તેઓ શુક્ર ગ્રહને નિયંત્રિત કરે છે. શુક્રથી પીડિત જાતકોએ દેવીના આ સ્વરૂપની પૂજા કરવાથી લાભ થાય છે.
૪. માં કુષ્માંડા : માતાનું ચોથું સ્વરૂપ એટલે માં કુષ્માંડા. ચોથે નોરતે માં આદ્ય શક્તિ ની કુષ્માંડા માં સ્વરૂપે આરાધના થાય છે . કુ એટલે થોડું ઉષ્મા એટલે ગરમી અથવા ઉર્જા શક્તિ, અંડ એટલે ઈંડા આકાર નું જગત . માં દુર્ગા ના આ શક્તિ સ્વરૂપે પોતાની ઉર્જા શક્તિ થી આ જગત ની સ્થાપના કરી છે .કહેવાય છે કે જયારે કશુંજ નહતું ,જયારે માત્ર ખાલીપો અને અંધકાર હતા, જયારે સમય પણ નહતો , ત્યારે માં કુષ્માંડા એ પોતાની સંકલ્પ શક્તિ અને કલ્પના શક્તિ થી આ જગત ની સ્થાપના કરી. તેઓનાં આઠ હાથ છે, તેઓ શસ્ત્ર અને માળા ધારણ કરે છે, અને વાઘ ઉપર સવાર છે અને સૂર્યપ્રકાશ નું પ્રભા વલય ધરે છે .
૫. માં સ્કંદમાતા : નવરાત્રિના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. માં દુર્ગાનું પાંચમું સ્વરૂપ તે સ્કંદમાતા, તેઓ સિંહની સવારી કરે છે . તેઓ સ્કંદ કુમાર, શ્રી કાર્તિકેય સ્વામીના માતા છે ,જેઓ દેવોના સેનાપતિ છે અને શક્તિધર,અથવા કુમાર તરીકે ઓળખાય છે. સ્કંદ માતાની પાંચમાં નોરતે આરાધના કરવામાં આવે છે.
૬. માં કાત્યાયની : નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા કરવાનું વિધાન છે. માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે.
૭. માં કાલરાત્રિ : માતાના સાતમા સ્વરૂપ એટલે કે કાલરાત્રિની પૂજા કરવાથી શનિ ગ્રહના રોષમાં મુક્તિ મળે છે. કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તિક્ષણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે. નવરાત્રીના સાતમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ કૃષ્ણ છે.
૮. માં મહાગૌરી : નવરાત્રિના આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવી જોઈએ. મહાગૌરી એ નવદુર્ગાનું આઠમુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ડમરુ ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન વૃષભ છે એટલે ‘વૃષારુઢા’ તરીકે પણ ઓળખાય છે. નવરાત્રીના આઠમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ ગૌર છે, વસ્ત્ર આભૂષણ શ્વેત છે એટલે ‘શ્વેતાંબરધરા’ તરીકે પણ ઓળખાય છે.
૯. માં સિદ્ધિદાત્રી : નવરાત્રિના નવમાં દિવસે દુર્ગા માતાના નવમાં સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. સિદ્ધિદાત્રી એ નવદુર્ગાનું નવમુ સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે. ત્રીજો હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે. તેમનું વાહન સિંહ છે પણ મહદાંશે તેઓને કમળ પર બિરાજમાન દર્શાવાય છે. નવરાત્રીના નવમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે