પાતળા અને પોતાના વિશેષ સ્વાદને કારણે પાપડ ભારતીય ભોજનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. એમાંય કેટલાક લોકોને તો જાણે પાપડ વિના ખાવાનું જ ગળે ન ઉતરે એવી પણ ટેવ હોય છે તો જરા ચેતજો, કારણ કે આ કમાલના સ્વાદસભર ખાદ્યનું જો નિયમિત રીતે જરૂરથી વધારે સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી તે અનેક ગંભીર સમસ્યાઓને નોતરે છે. જેના વિશે દરેકે એકવાર તો જાણવું જ જોઈએ.
પરંતુ શું તમે જાણો છો કે દાઢમાં સ્વાદ લાવી દેતા પાપડ ખાવાથી કયા-કયા સ્વાસ્થ્ય નુકસાન થાય છે અને કેમ, નહીં ને? તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે પાપડ ખાવાથી કેવા ઘાતક પરિણામ ભોગવવા પડી શકે છે.
પાતળા અને વેફર જેવી સાઈઝના પાપડ તમને છેતરી તો નથી રહ્યા છે. મીઠું પાપડ બનાવવાની પ્રક્રિયામાં મુખ્ય સામગ્રીઓમાંથી એક હોય છે. મીઠાનો ઉપયોગ મુખ્ય રીતે એક સંરક્ષક અને સ્વાદ લાવવા માટે કરવામાં આવે છે
પરંતુ આ વાત પણ સાચી છે કે ભારતીયો પહેલાંથી જ શરીની જરૂરિયાતથી વધારે સોડિયમનું સેવન કરે છે. જેથી જો રોજ પાપડનું સેવન કરવામાં આવે તો વધારાનું મીઠું શરીરમાં જાય છે, જેના કારણે આપણે અજાણતા જ અનેક સ્વાસ્થ્ય જોખમો જેમ કે બ્લડપ્રેશર અને વાટર રિટેન્શન જેવી સમસ્યાઓને નોતરીએ છીએ.
પાપડના શોકીન લોકો વિવિધ જાતના પાપડોનું સેવન કરતાં હોય છે અને બજારમાં પણ સ્વાદરસિકો માટે અદભુત અને નિતનવા સ્વાદના પાપડો ઉપલબ્ધ હોય છે. જેના કારણે લોકો અનેક પ્રકારના પાપડને ખરીદે છે. પરંતુ પાપડના આવા વિકલ્પ સ્વાસ્થ્ય માટે કેટલા હાનિકારક હોય છે આ વાત જાણતા નથી.
વિવિધ જાતના પાપડોમાં આજકાલ સૌથી વધારે મસાલા પાપડ ખાવાનું ચલણ હોય છે જેમાં હોટલમાં ગયા હોય કે ઘરે પાપડ વિના ખાવાનું ગળે ન ઉતરે. એવામાં આવા પાપડમાં રહેલાં મસાલા એસિડિટી અને પેટની સમસ્યાઓનું કારણ બને છે.
આજકાલ મોટાભાગે લોકો અડદના પાપડનું સેવન કરતાં હોય છે, આ સિવાય પણ બજારમાં મળતા પાપડોમાં ભેળસેળ પણ થતી હોય છે, જેના કારણે પાપડના સ્વાદમાં વધારો કરવા અને નફો કમાવવા માટે અન્ય કેટલીક પ્રકારની વસ્તુઓ અને લોટને પાપડના લોટમાં મિક્ષ કરવામાં આવે છે.
આમ પાપડનું રોજ સેવન કરવું પેટ માટે ભારે સાબિત થાય છે. આવા પાપડ રોજ ખાવાથી તે ધીરે-ધીરે આંતરડામાં ચોંટી જાય છે જેના કારણે લાંબા સમયે કબજિયાતની સમસ્યા ઉદભવે છે અને પાચનતંત્ર નબળું પડી જાય છે.
જો તમને પાપડ ખાધા વિના ન ચાલતું હોય તો તમે તળેલા પાપડની જગ્યાએ રોસ્ટેડ પાપડ ખાઈ શકો છો કારણ કે જ્યારે પાપડને તળવામાં આવે છે ત્યારે તે ઘણું તેલ શોષી લે છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે અને પચવામાં પણ તળેલું પાપડ ભારે હોય છે.
સાથે જ નિયમિત રીતે તળેલું પાપડ ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. પાપડમાં પહેલાંથી મીઠું હોવાથી તેમાં સોડિયમની ઉચ્ચ માત્રા હોય છે જેથી તેલમાં ફ્રાય થયાં બાદ પાપડ વધુ નુકસાનકારક બને છે અને પેટ સંબંધી સમસ્યાઓને જન્મ આપે છે.
સોડિયમ બેન્જોએટ ક્ષારીય મીઠુ અથવા તો પાપડ ખારના નામે ઓળખાય છે. આ એક ફુગનાશક અને જીવાણુનાશકના રૂપમાં કામ કરે છે. સોડિયમ બેન્જોએટ એક એવું તત્વ છે જેનાથી સ્વાસ્થ્ય પર અનેક હાનિકારક પ્રભાવ પડી શકે છે. જેથી પાપડનું સેવન આ દ્રષ્ટિથી પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક જ હોય છે.
તો રોજ-રોજ પાપડ ખાવાની જગ્યાએ તમે સપ્તાહમાં એક-બેવાર પાપડ ખાઈ શકો છો અને તે પણ રોસ્ટેડ પાપડ ખાવા. આ સિવાય ઘરમાં બનતા ચોખાના પાપડનું સેવન પણ સારું રહે છે.