ગાય, કૂતરા, કાગડા અને કીડીઓના માધ્યમથી પિતૃઓ ભોજન ગ્રહણ કરે છે જાણો તેના અનોખા મહત્વ વિશે

પિતૃપક્ષમાં આપણાં પિતૃઓ ધરતી પર આવીને આપણને આશીર્વાદ આપે છે. આ પિતૃઓ પશુ-પક્ષીઓના માધ્યમથી આપણી પાસે આવે છે. તેઓ આ જીવોના માધ્યમથી જ ભોજન ગ્રહણ કરે છે. પિતૃઓ પશુ-પક્ષીઓના સ્વરૂપમાં ધરતી પર આવીને પોતાના વંશજોને આશીર્વાદ આપે છે. જેથી શ્રાદ્ધપક્ષમાં પશુ-પક્ષીઓની સેવા કરવી જરૂરી માનવામાં આવે છે. આજે જાણો શ્રાદ્ધમાં પશુ-પક્ષીઓની સેવા કરવાનું મહત્ત્વ શું છે.

કૂતરું જળ તત્વનું પ્રતીક છે, કીડી અગ્નિ તત્વ, કાગડો વાયુ તત્વ, ગાય પૃથ્વી તત્વ અને દેવતા આકાશ તત્વનું પ્રતીક છે. આ પ્રકારે આ પાંચને ભોજન આપીને આપણે પંચ તત્વો પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ. માત્ર ગાયમાં જ એકસાથે પાંચ તત્વ મળી આવે છે. માટે પિતૃપક્ષમાં ગાયની સેવા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. માત્ર ગાયને ઘાસ ઘવડાવવું અને સેવા કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે. સાથે જ, શ્રાદ્ધ કર્મ સંપૂર્ણ થાય છે.

1- ગૌ બલિ– પશ્ચિમ દિશા તરફ પાન ઉપર ગાય માટે ભોજન રાખવામાં આવે છે. ગરૂડ પુરાણમાં ગાયને વૈતરણી નદીથી પસાર કરનારી કહેવામાં આવે છે. ગાયમાં જ બધા દેવતા નિવાસ કરે છે. ગાયને ભોજન આપવાથી બધા દેવી-દેવતાઓ તૃપ્ત થાય છે. આ માટે જ શ્રાદ્ધનું ભોજન ગાયને પણ આપવું જોઇએ.

2- શ્વાન બલિ– પંચબલિનો એક ભાગ કૂતરાને ખવડાવવામાં આવે છે. કૂતરું યમરાજનું પશુ મનાય છે. શ્રાદ્ધનો એક ભાગ તેને આપવાથી યમરાજ પ્રસન્ન થાય છે. શિવમહાપુરાણ પ્રમાણે કૂતરાને રોટલી ખવડાવતી સમયે ‘યમરાજના માર્ગનું અનુસરણ કરનાર શ્યામ અને શબલ નામના બે કૂતરા માટે હું અનાજનો આ ભાગ આપું છું. તેઓ આ ભોજનનો સ્વીકાર કરે’ આવું બોલવું જોઇએ. આ બલિને કુક્કરબલિ પણ કહેવામાં આવે છે.

3-કાક બલિ- પંચબલિનો એક ભાગ કાગડા માટે અગાસી ઉપર રાખવામાં આવે છે. ગરૂડ પુરાણ પ્રમાણે કાગડાઓ યમનું પ્રતીક હોય છે, જે દિશાઓના શુભ-અશુભ સંકેત જણાવે છે. શ્રાદ્ધમાં ભોજનનો એક ભાગ તેમને પણ આપવામાં આવે છે. કાગડાઓને પિતૃઓનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. શ્રાદ્ધનું ભોજન કાગડાઓને ખવડાવવાથી પિતૃ દેવતાઓ પ્રસન્ન થઇને શ્રાદ્ધ કરનાર વ્યક્તિને આશીર્વાદ આપે છે.

4- દેવાદિ બલિ– દેવતાઓને ભોજન આપવા માટે દેવાદિબલિ કરવામાં આવે છે. તેમાં પંચબલિનો એક ભાગ અગ્નિને આપવામાં આવે છે. આ ભાગ અગ્નિ દ્વારા દેવતાઓ સુધી પહોંચે છે. પૂર્વમાં મુખ રાખીને ગાયના ગોબરથી બનેલાં છાણાને બાળીને તેમાં ઘી સાથે ભોજનના 5 કોળિયા અગ્નિમાં નાખવાં. આ પ્રકારે દેવાદિબલિ કરીને દેવતાઓને ભોજન કરાવવામાં આવે છે. આવું કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે.

5- પિપીલિકાદિ બલિ- પંચબલિનો એક ભાગ કીડીઓ માટે અલગ કાઢવામાં આવે છે. આ રીતે કીડીઓ ભોજનનો એક ભાગ ખાઇને તૃપ્ત થાય છે. આમ ગાય, કૂતરા, કાગડા, કીડી અને દેવતાના તૃપ્ત થયા બાદ બ્રાહ્મણોને ભોજન આપવામાં આવે છે. આ બધાના તૃપ્ત થયા બાદ બ્રાહ્મણ દ્વારા કરવામાં આવેલાં ભોજનથી પિતૃ તૃપ્ત થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer