પ્રાર્થના એ આપણી ભારતીય સંસ્કૃતિની સ્થાપિત પરંપરા છે

‘ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તું જ નામ,

ગુણ તારાં નિત ગાઈએ, થાય અમારાં કામ,

હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ,

ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજે માફ.’

આ પ્રભુ પ્રાર્થના ગાઈ ગાઈને આપણે સૌ મોટા થયા છીએ. આ અને આવી અનેક પ્રાર્થના ગાયા પછી નિશાળમાં ભણવાની શરૂઆત થતી. મંદિરોમાં તો આજે પણ મંગળા આરતી- સંધ્યા આરતીની પ્રથા અકબંધ છે. પ્રાર્થના કરવાથી હૃદય શુધ્ધ થાય છે. પરમ કૃપાળુ પરમાત્માના પરમતત્વનો સ્વીકાર થાય છે, પ્રાર્થનાનો સ્વીકાર થાય તો ચમત્કાર સાથે સાક્ષાત્કાર પણ થાય છે- એ પવિત્ર પ્રાર્થનાનું પગેરૂ તો વેદો સુધી જાય છે. 

ઓમ અગ્નિમીળે’ થી ઋગ્વેદની શરૂઆત થાય છે. હું અગ્નિદેવની 

પૂજા કરું છું. વસુધૈવ કુટુંબકમની વૈશ્વિક ભાવના સાથે ઉપનિષદોમાં અદ્ભુત પ્રાર્થનાઓ ઋષિમુનિઓની આધ્યાત્મિક ચેતનાની સાક્ષી બની ગઈ છે. જેમ કે :ઓમ સહનાવવતુ, સર્વેત્ર સુખિન: સન્તું શાન્તાકારમ્ ભુજગ શયનં, યા કુન્દેદુતુષાર હાર ધવલા, ઁ ત્ર્યંબકમ્ યજામહે અને પ્રસિદ્ધ વેદમંત્ર ગાયત્રીમંત્ર, શ્રીસૂકતમ, ચંડીપાઠ, મહાલક્ષ્મ્યષ્ટક, સ્તોત્રો, સ્તુતિ, સ્તવનો વગેરેથી આપણે સૌ પરિચિત છીએ જ.

આયુર્વેદના ચરકસંહિતા જેવા ગ્રંથોમાં તો પ્રાર્થનાને શરીરના આરોગ્ય માટેની જડીબુટી, દીવાદાંડી, નોળવેલ અને અકસીર થેરપીનો શરૂઆત જ પ્રાર્થનાથી થતી. લગભગ બધા ધર્મોની ઉત્કૃષ્ઠ પ્રાર્થનાઓ અને શ્રેષ્ઠ ભજનોનો સંગ્રહ’ આશ્રમ- ભજનાવલિ’ તેનો પ્રત્યક્ષ પુરાવો છે. કોઈ ધર્મ એવો નથી કે જ્યાં કોઈને કોઈ પ્રાર્થના થતી ન હોય !

આ પ્રાર્થના એટલે શું ? પ્રાર્થના એટલે  ભક્તિભાવપૂર્વક કરેલું ઇશ્વરનું સ્મરણ. પ્રાર્થના એટલે મનનો ઉઘાડ, આત્માને સ્વચ્છ કરવાનું શ્રેષ્ઠ માધ્યમ, અખિલાઈની આરાધના, પરમકૃપાળુ પરમાત્મા પોતાના જ છે એવા પ્રેમની પરિભાષા, આચરણનું  વ્યાકરણ, દુષ્ટ તત્વોને દૂર રાખવાની દૈવી દવા, અખંડ આનંદના આગમનની આલબેલ, આ સૃષ્ટિનું કોઈ સંચાલકબળ છે જ એની પાકી ખાત્રી કરાવતી સચોટ સાબિતી, જીવન સંજીવની, ખુદાને પામવા ખુદને ભૂલી જવાની ચેષ્ટા, જીવ અને શિવ એક બનવાનો અકસીર કિમીયો, પોતાની જાતે જ પોતાને જ પામવાનો પવિત્ર પ્રયત્ન, અંત:કરણપૂર્વક અંતર્યામીને આદર આપી આભાર માનવાનો સાર્વજનિક સધિયારો, હૃદયને શુદ્ધ કરનાર દ્રાવણ, જીવનનું રસાયણ, દુ:ખોનું મારણ, ભવતારણ- એવી અનેક વ્યાખ્યાઓ સંતો, મહંતો, ઓલિયા, ફકીરો, કથાકારો, ભક્તો, વિદ્વાનોએ આપણને આપી છે, જે પ્રાર્થનાના માહાત્મ્ય અને એકરારની પુષ્ટિ કરે છે.

‘જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર,

પાંપણ કદીય રહી શકે ? મટકું માર્યા વગર.’

પ્રાર્થના તો આપણા શ્વાસોચ્છવાસ છે. પ્રાર્થના થકી ભારતીય સંસ્કૃતિ ઉજળિયાત છે. પ્રાર્થના આપણી સ્થાપિત પરંપરા(પ્રોટોકોલ) છે. પ્રભુ તો એટલા બધા દયાળુ છે કે એ પ્રહ્લાદ જેવા બાળકની પ્રાર્થના સાંભળી સ્વયં ધગધગતા થાંભલામાંથી પ્રગટ થાય છે. સાચા દિલથી શ્રદ્ધાપૂર્વકની કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. 

દ્રૌપદીનો આર્તનાદ સાંભળી શ્રીકૃષ્ણે ચીર પૂર્યા, નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી. ગજેન્દ્રમોક્ષ કર્યો, મીરાંનો ઝેરનો કટારો અમૃત કર્યો, શબરીનાં એઠાં બોર ખાધા, જ્યાં જ્યાં ભક્તોએ પ્રાર્થનાથી ભગવાનને યાદ કર્યા છે ત્યાં ત્યાં ભગવાન દોડીદોડી ગયા છે. હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે.

ભારત દેશમાં પ્રાર્થનાનું જેટલું વૈવિધ્ય છે તેટલું વિશ્વના ૨૪૯(બસો ઓગણપચાસ) દેશોમાંથી બીજા એક પણ દેશ પાસે નથી. સવારે જાગતાંની સાથે જ કરાગ્રે વસતે લક્ષ્મીથી  આપણી પ્રાર્થનાની શરૂઆત થઈ જાય છે. આપણે ત્યાં તો દાતણ કરતી વખતે, ભોજનના પ્રારંભે, સૂર્યનમસ્કાર માટે, સ્નાન કરતી વખતે, દીપપ્રાગટય વખતે, લગ્ન સમયે, શયન સમયે અને છેક અંતિમ સંસ્કાર સમયે પણ પ્રભુને સ્મરણ કરવાનાં સ્તવનો, સ્ત્તુતિ, સ્ત્રોતો, અષ્ટકો હાજરાહજૂર મોજૂદ છે. દરેક વ્યકિત પોતાની પસંદગી મુજબ પ્રાર્થના કરી શકે તેટલા મનપસંદ વિકલ્પો મળે એવી ગોઠવણ ઋષિમુનિઓ કરતા ગયા છે- એ સૌને વંદન..

Leave a reply:

Your email address will not be published.

Site Footer