જાણો શા માટે દરેક શુભ કાર્યનો પ્રારંભ ‘શ્રી ગણેશ’ના નામથી થાય છે

હિન્દુ સંસ્કૃતિમાં પ્રતીકોનું વિશિષ્ટ મહત્ત્વ છે. દરેક દેવી-દેવતા સાથે સંખ્યાબધ પ્રતીકો, મૂર્તિઓ જોડાયેલા છે. મોટા ભાગના આ પ્રતીકો રોજ બરોજનાં પૂજા પાઠમાં ઉપયોગમાં લેવાય છે. તો તેની પાછળનાં તર્ક અને અર્થો સમજવા જરૂરી છે, કેમકે તેના વિના દેવ-દેવીઓની પૂજા સાર્થક થતી નથી.

આ સંદર્ભમાં ‘ગણેશ ચતુર્થી’ એ ગણપતિ મહારાજને સાચા અર્થમાં સમજવાનો પ્રયત્ન કરીએ. વિનાયકનું મસ્તક હાથીનું છે, જે સાધારણ હાથીનું નથી, પણ ‘શ્વેત ઐરાવત’નું મસ્તક છે. એટલે ગણેશજીમાં હાથી જેવી બુદ્ધિ, યાદશક્તિ, સમતુલન અને તાકાત સમાયેલા છે. મહાભારતનાં લીપી લેખનનાં સ્વામી ગણેશજી, સાત્વિક બુદ્ધિનાં માલિક તો છે જ, પણ એ સાથે જ અતુલિત બળ ધરાવનારા પણ છે. તેઓ બુદ્ધિથી બળને નિયંત્રણ કરે છે. માટે જ તેઓ ગજાજન કહેવાયા. બુધ્ધિનાં નિયંત્રણ વિનાની શક્તિ વિનાશ કારી છે.

ચાર હસ્તધારી ગણેશજીનાં ઉપરનાં જમણા હાથમાં કુહાડીનાં ફણા સાથેનું અંકુશ છે તો ડાબા હાથમાં પાશ એટલે કે દોરડા સાથે કમળ છે. અંકુશ એ નિયંત્રણનું પ્રતીક છે. પાશ નિયંત્રણ જાળવી રાખવા, સમતુલનને જાળવી રાખવા માટે જરૂરી છે. ચંચળ મનને બાંધી રાખવા માટે પાશ એટલે અક્કલ, ડાબા હાથમાનું કમળ, પવિત્રતા, નિર્લેપતા, પ્રેમનાં પ્રતીક સમાન છે. તે સૌને સંસારમાંનાં સર્વે ભૌતિક સુખ-સગવડો વચ્ચે પણ નિર્વિકાર રહેવાનું શીખવે છે. હાથી જેવા મોટા સૂપડાં જેવા કાન, શ્રવણ કલાનું મહત્વ સમજાવે છે. બુધ્ધિને વિકસિત કરવા, અન્યોની વાતો, વિચારો સાંભળવા પડે. આ પ્રમાણે ગણાધીશ બીજાનાં મંતવ્ય સમજવાનું મહત્ત્વ સમજાવે છે.

જે પ્રમાણે પ્રત્યેક શુભ મંત્રનો પ્રારંભ ‘ઓમ’ થી થાય છે, તે પ્રમાણે બધા શુભકાર્યનો પ્રારંભ ‘શ્રી ગણેશ’ના નામથી થાય છે. કેમકે શ્રી ગણેશ સ્વંય ઓમ કાર રૂપ છે, તેમનો દિવ્યમંત્ર છે, ‘ઓમ ગણપતયે નમ :

‘નમામિ દેવ સકલાર્થદંત્,

સુવર્ણ વર્ણ ભૂજ ગોપવીતમ્ ।।

ગજાજન ભાસ્કર મંકદન્તં,

લમ્બોદર વારિભાવ સનં ચ ।।’

ભાવાર્થ: હું ભગવાન ગજાજનને વંદન કરું છું, જે સૌની સર્વે કામનાઓને પૂર્ણ કરનારા છે. તેઓ સુવર્ણ અને સૂર્ય સમાન દૈદીપ્યમાન ક્રાંન્તિથી ચમકી રહ્યા છે. સર્વનો યજ્ઞપવીત ધારણ કર્યો છે. તેઓ એકંદત ધારી છે. લંબોદર છે તથા તેઓ કમળનાં આસન પર બિરાજમાન છે.

ભગવાન શિવજી ‘ગજાતંક’ કહ્યા છે, અર્થાત હાથીને હણનારા. જે પિતા હાથીને હણી શકે, તેના પુત્ર ‘ગજાજન’ બને, એ તો કેવો વિરોધાભાસ ? એટલે પરિસ્થિતથી વશ,’ગજાવક્રત્ર’ નામથી પણ ગણેશજી ઓળખાયા છે. તો એક દંત પ્રતીકનો અર્થ પણ એટલો જ અદ્ભૂત છે.

એક પૌરાણિક માન્યતા અનુસાર, ગણાધ્યક્ષે પોતાના તૂટેલાં દાંતથી જ મહાભારતની કથા લખેલી હતી. એક સાબુત દાંત વિસર્જીત અહંકાર પછીની સાત્વિક શક્તિ દર્શાવે છે. તો મંગલમૂર્તિનાં વિશાળ ઉદરની આસપાસ વીંટળાયેલો સર્પ ઇચ્છાઓને કાબુમાં રાખવાનું સૂચવે છે. વક્રતુંડનું મોટું, ગોળાકાર પેટ તથા તેમના મસ્તકનો ભાગ મળીને ‘ઓમકાર’ની આકૃતિ રચે છે. ‘ઓમ’ એ પરમેશ્વરનું આદિ સ્વરૂપ છે. નિર્ગુણ માંથી સગુણ તરફથી ગતિનું પ્રથમ ચરણ એટલે ‘ઓમ’કાર સૃષ્ટિનું આદિ કારણ છે.

જે પ્રમાણે પ્રત્યેક શુભ મંત્રનો પ્રારંભ ‘ઓમ’ થી થાય છે, તે પ્રમાણે બધા શુભકાર્યનો પ્રારંભ ‘શ્રી ગણેશ’ના નામથી થાય છે. કેમકે શ્રી ગણેશ સ્વંય ઓમ કાર રૂપ છે, તેમનો કલ્યાણકારી દિવ્યમંત્ર છે, ‘ઓમ ગણપતયે નમ:’

Leave a reply:

Your email address will not be published.

Site Footer