સગરનો એક પુત્ર હતો અસમંજસ અને અસમંજસનો પુત્ર થયો અંશુમાન. અંશુમાન કપિલ મુનિ પાસે ગયો અને પ્રાર્થના કરી. આથી કપિલ મુનિએ તે અશ્વ પાછો આપ્યો અને કહ્યું, ‘તારા કાકાઓને મોક્ષ પ્રદાન કરવાનો એક જ રસ્તો છે તું તેમને ગંગાજીનું અર્ધ્ય આપ અને ઉત્તર ક્રિયા કર.’
હવે અંશુમાને આકરું તપ કર્યું પણ ગંગાજી ન પધાર્યાં. અંશુમાન પછી તેના પુત્ર દિલીપે પણ આકરું તપ કર્યું પણ સફળતા ન મળી. દિલીપનો પુત્ર ભગીરથ થયો અને ભગીરથે પણ આકરું તપ કર્યું અને તેને સફળતા મળી અને ગંગાજી પ્રસન્ન થયાં. ગંગાજીએ કહ્યું, ‘હે રાજન! હું પૃથ્વી ઉપર અવતરું ત્યારે મને ઝીલનાર કોઈ મહાન શક્તિ જોઈશે નહીં તો મારા ધસમસતા વેગ સાથે હું પાતાળમાં ઊતરી જઈશ, પૃથ્વી ઉપર નહીં રહી શકું.’
ભગીરથે કહ્યું, ‘હે દેવી! દેવાધિદેવ મહાદેવજી આપનો વેગ ઝીલશે માટે આપ નિઃસંકોચ પધારો.’ ભગીરથની પ્રાર્થનાથી શંકર ભગવાન પણ ગંગાજીને ઝીલવા તૈયાર થયા. હવે સ્વર્ગ લોકમાંથી ગંગાજીનો ધમસમતો પ્રવાહ પડવાનો પ્રારંભ થાય છે. ગંગાજીના વેગનો ધ્વનિ ત્રિલોકમાં ગાજે છે, તેના પ્રવાહના વેગમાત્રથી ધરતી ધ્રૂજે છે.
મહાદેવજીએ જટામાં સંપૂર્ણ ગંગાજીને સમાવી લીધાં પછી જટાની એક લટ ખુલ્લી કરી જેમાંથી ગંગાજી પૃથ્વી ઉપર વહેવા લાગ્યાં અને ભગીરથ રાજાના પૂર્વજની રાખ જે જગ્યાએ હતી તે જગ્યાએ ભગીરથ ગંગાજીના જળનો છંટકાવ કરે છે અને તેમના તમામ પૂર્વજ મોક્ષ પામી સ્વર્ગે સિધાવે છે. ઉત્તર ભારતમાં ગંગાસપ્તમી અને ગંગાદશેરાને પર્વ માનવામાં આવે છે.
જ્યારે જેઠ સુદ દશમને ગંગાદશેરાના પર્વ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે ગંગાજીના સ્નાનનું ખૂબ જ મહત્ત્વ છે. હરદ્વારમાં જેઠ સુદ દશમથી પૂનમ સુધી મોટો મેળો ભરાય છે અને ઘણા ભાવિક ભક્તો તેનો લાભ લે છે.
આપણે પણ સૌ ગંગાજીને પ્રાર્થના કરીએ કે, હે માતા! તારું જળ અતિપવિત્ર, સહજ, સ્વચ્છ અને શીતળ છે. આ જગતમાં તારા મહિમાનો પાર કોઈ પામી શક્યું નથી. હે માતા, તારું ગાન કરવાથી, તારી કૃપાથી સગરના પુત્રો સ્વર્ગમાં વસ્યા. આપ અમારા જેવા કળિયુગના મનુષ્યોનો પણ ઉદ્વાર કરજો અને અમને પુણ્ય ફળ પ્રદાન કરજો.